કૌશલ બારડ મનોરંજન લેખકની કલમે

એ વખતે અમિતાભ બચ્ચનને સમજાયું કે જીવનમાં રૂપિયો નથી તો કાંઈ નથી! વાંચો બોલિવૂડના મહાનાયકની હાડમારીના દિવસોની વાત

તાજેતરમાં જ બોલિવૂડના મહાનાયક કહેવાતા અભિનેતા અમિતાભ બચ્ચનને ભારતીય ફિલ્મીદુનિયાનો પ્રતિષ્ઠિત એવોર્ડ દાદાસાહેબ ફાળકે સન્માન મળવાની ઘોષણા થઈ. બિગ-બીએ હવે ખરેખર પોતાના કરિયરને લાયક ઠરાવતો પુરસ્કાર મેળવીને પોતાની અભિનયક્ષમતા સાર્થક કરતી સર્વોત્તમ સિધ્ધી મેળવી લીધી છે. ચાલો અહીં જાણીએ અમિતાભ બચ્ચનના જીવનના સંઘર્ષના દિવસોની એક વાત જ્યારે અમિતાભ બચ્ચનને ધનની કિંમત ખરેખરી રીતે સમજાયેલી.

Image Source

ફિલ્મ કંપનીની લાગલગાટ નિષ્ફળતા
૧૯૬૯માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરનાર અમિતાભે ૮૦ના દસકામાં ભવ્યાતિભવ્ય કહી શકાય એ હદની સફળતા મેળવી. શોલે, દીવાર અને જંજીર જેવી બ્લોકબસ્ટર ફિલ્મોએ અમિતાભની કરિયરને એક અલગ ઊંચાઈ આપી હતી. ૧૯૯૨માં ‘ખુદા ગવાહ’ ફિલ્મમાં અભિનય આપીને અમિતાભે અભિનયમાંથી બ્રેક લીધો.
આ અસ્થાયી નિવૃત્તિના ગાળામાં ૧૯૯૬માં તેમણે પોતાની ફિલ્મ-નિર્માણ કંપની ખોલી : Amitabh Bachchan Corporation Limited (ABCL). આની પાછળ ૧૦ બિલિયન રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો. ઘણી આશાઓ હતી. આ કંપની દ્વારા પહેલી ફિલ્મ ‘તેરે મેરે સપને’ બનાવવામાં આવી. ધારણા કરતા વિપરીત થયું. ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધેકાંધ પછડાઈ. આર્થિક રીતે ફટકો પડ્યો.

Image Source

મકાન વેંચવાનો વારો આવ્યો!
એ પછી પણ ABCL દ્વારા ઘણી ફિલ્મો બનાવવામાં આવી. પણ એકેય કશું ઉકાળી ન શકી, દર્શકોને ભેગા કરવામાં નિષ્ફળ નીવડી. હવે પૈસાની સંકડામણ ઘણી થઈ. છેવટે અમિતાભે ફિલ્મ અભિનયમાં ફરીથી ઉતરવાનો નિશ્વય કર્યો અને પોતાની જ કંપની દ્વારા ફિલ્મ બનાવી : મૃત્યુદાતા. પણ કમનસીબે આ ફિલ્મ પણ અગાઉની ફિલ્મોની જેમ ધબડકો બોલાવી ગઈ! આ આઘાત અસહ્ય હતો : માનસિક તો ઠીક, આર્થિક રીતે તો કપરો જ હતો. કંપનીએ જોરદાર ખોટ ખાધી.
એ પછી એક દિવસ એવો પણ આવ્યો કે ઇન્ડીયન ઇન્ડસ્ટ્રીઝ બોર્ડે ABCLને નિષ્ફળ કંપની જાહેર કરી દીધી. હવે સમાજમાં છબી તો ખરડાઈ અને આર્થિક ભીંસ વધારે તંગ બની એ નફામાં! હવેનો સમય કપરો હતો. અમિતાભને પોતાનો આલિશાન ‘પ્રતિક્ષા’ બંગલો અને બીજા ફ્લેટ્સ વેંચવા પડે તેમ હતા. તો જ દેવું ચૂકતે થાય તેમ હતું. પણ બચ્ચને ગમે તેમ કરીને પણ રૂપિયા ભેગા કર્યા અને પોતાની પ્રોપર્ટીને વેંચવામાંથી બચાવી.

Image Source

હવે માત્ર કામ જ કરવું છે!
એ પછી અમિતાભે જે પણ પ્રકારના રોલ મળે એ કર્યા છે. ફિલ્મ ‘સૂર્યવંશમ્’ હો કે ‘મહોબ્બતે’, ‘બાગબાન’ હોય કે ‘કભી ખુશી કભી ગમ’; તેમણે સમય વર્તે સાવધાનની જેમ ઉંમરની સાથે રોલ ચેન્જ કરવામાં સફળતા મેળવી લીધી. ઉપરની ફિલ્મો ખૂબ વખણાઈ. હવે ઇમેજ તો ઊભી થઈ ગયેલી એટલે ટી.વીની એડવર્ટાઇઝમેન્ટ માટે પણ કામ કરવાનું શરૂ કરી દીધું. ટી.વી. શો પણ હોસ્ટ કરવાનું ચાલુ કરી દીધું.

Image Source

કૌન બનેગા કરોડપતિએ ઉધ્ધાર કરી નાખ્યો!
ઇ.સ.૨૦૦૦માં સોની ટીવીએ બ્રિટનના એક શો પર આધારિત ભારતીય થીમમાં કૌન બનેગા કરોડપતિની શરૂઆત કરી. અમિતાભ બચ્ચને આ શોમાં જોઇન કર્યું. એ પછીથી KBCની એક સિઝનને છોડીને અત્યાર સુધીની બધી જ સિઝન તેમણે સવાલ પૂછ્યા છે! ૨૦૧૧ની સિઝન-૫ દ્વારા તો ટીઆરપીના બધા રેકોર્ડ તોડી દેવામાં આવેલા! અમિતાભને આ શો દ્વારા જેટલી પ્રતિષ્ઠા મળી એટલો જ પૈસો પણ મળ્યો છે. જિંદગી ફરીવાર હેમખેમ બનાવવામાં કેબીસીનો ફાળો ઘણો છે.