‘વાયુ’ના સંકટ વચ્ચે દ્વારિકાના મંદિર પર ફરકી બાવન ગજની બે ધજાઓ, જાણો શું હતું કારણ?

0

અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘વાયુ’ વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની પ્રજાના જીવ અધ્ધર કરી દીધેલા એ વાત હજુ તાજી છે. દોઢસો કિલોમીટરની વિનાશક ગતિને પણ લાંઘરીને વાયુ ચક્રવાત જ્યારે સૌરાષ્ટ્રના કાંઠાની નજીક આવી રહ્યું હતું ત્યારે 12 જુનની રાત્રિ દરમ્યાન ભાવનગરથી દ્વારકા સુધીના સોરઠવાસીઓ માથે શી વીતતી હતી એ તો જેણે સ્થિતીનો અનુભવ લીધો હોય તે જ જાણે! હવામાન ખાતાની આગાહીઓ, સરકારની તૈયારીઓ, આર્મી-એનડીઆરએફ-પોલીસ સહિત સરકારના દરેક એકમો દ્વારા ગામ ખાલી કરવા માટે પડાતી હાકલો, ખાલી થતાં દરિયાકાંઠાનાં ગામો, લોકોના ભરાતા ટ્રેક્ટરો, માલઢોર ને ઘરબાર છોડીને જવાથી થતા રડમસ ચહેરાઓ…!

પણ આ બધાં વચ્ચે કેવળ એક જ શ્રધ્ધા લોકોનો મનમાં ઉમટી પડી હતી. વાયુ ખરેખર ગુજરાતને કાંઠે લાંગરી જશે એવી પૂરી શક્યતાઓ અને ગણાતા કલાકો વચ્ચે હવે ઈશ્વર જ એકમાત્ર આધાર હતો. પાછલાં વર્ષોમાં ગુજરાત પરથી અનેક આફતો ટળી છે અને આ પણ ટળી જશે એવો ઊંડો વિશ્વાસ દરેક માણસને હતો જ. એ કોણ ટાળશે? દાદો સોમનાથ અને દેવ દ્વારિકાવાળો, માતા હર્ષદ અને ચામુંડ-મોગલ-પીઠડ-આશાપુરા સહિતની અનેક જોગમાયાઓ. આ વિશ્વાસ અતૂટ હતો. ‘દાદો બને રાખશે’ની રટણા સતત હતી.

અને ખરેખર એમ બન્યું પણ ખરું! ગુજરાતને કાંઠે લાંગરવાની તૈયારી જ કરતું વાયુ આખરે ઓમાન ભણી ફંટાઈ ગયું. લોકોની સમુદ્રદેવ-વાયુદેવ અને દ્વારિકાધીશ-સોમનાથથી લઈને પોતપોતાના ઇષ્ટદેવ પરની શ્રધ્ધા અનેક ગણી વધી ગઈ.એક ભયાનક સંકટમાંથી ગુજરાત ઉગરી ગયું. સોરઠીઓ સલામત રહ્યાં. દેવભૂમિના દેવ અને સોમૈયાદાદાએ ભેર રાખી. આ એવો વખત હોય છે જ્યારે જગતની કોઈ તાકાત તમને બચાવી નથી શકવાની, સિવાય કે ઈશ્વર! એના પર શ્રધ્ધા રાખ્યા સિવાય છૂટકો નથી. ગુજરાતના સિમાડાના સૌથી મોટા રખેવાળોને આદરથી વંદન કરવા જ રહ્યાં.

વાવાઝોડું સૌરાષ્ટ્રની નજીકના સમુદ્રમાં ઘૂમરા લેતું હતું એ વખતે સૌરાષ્ટ્રના કાંઠાઓ પર સૂસવાટા મારતો પવન વાતો હતો. પવનની ગતિ ક્યારેક તો ૯૦-૧૦૦ કિલોમીટર સુધી પહોંચી જતી હતી! દરિયો ગાંડોતૂર બન્યો હતો. ૨ મીટરથી પણ વધારે ઊંચે ચડતાં મોજાં કાચાપોચાની છાતી દબાવી નાખવા માટે પૂરતાં હતાં! દ્વારિકાના જગતમંદિરમાં ભગવાન ત્રિવિક્રમ કૃષ્ણની ધજા દિવસમાં ત્રણ વખત બદલવાની હોય છે : સવાર, બપોર અને સાંજ.

Image Source

જગતમંદિર પર કેમ ચડી બે ધજાઓ? 

આ ત્રણે પહોરે અબોટી બ્રાહ્મણ ૫૨ ગજની ધજા લઈને મંદિરના વિમાન પર ચડે છે. ધજાના મુખ્ય સ્તંભને લઈને એના પરથી જૂની ધજા ઉતારી દે છે અને ‘દ્વારિકાધીશની જય!’ના જયઘોષ સાથે નવી ધજા ફરકાવે છે. સપ્તરંગી બાવન ગજની ધજા એ સાથે જ હવામાં હિલોળા લેતી કિલોમીટરો સુધી નજરે દેખાતી વાસુદેવનંદનનો જયકાર કરતી ફડફડવા માંડે છે.

‘વાયુ’ના સંકટ વખતે બન્યું એવું કે, પવન પુષ્કળ હતો. એટલો પુષ્કળ કે બહાર નીકળવું મુશ્કેલ હતું. હવે આ સંજોગોમાં અબોટી બ્રાહ્મણ મંદિરના શિખર પર જઈને ધજા બદલાવે કઈ રીતે? મુશ્કેલી ઉભી તો થઈ, પણ ઇતિહાસ રચાવવાનો હતો આ સંકટમાં તો!

નિર્ણય થયો. અને એ સાથે જ નીચેથી દોરી વાટે એક બાવન ગજની ધજાની નીચે બીજી બાવન ગજની ધજા પણ ફરકવા માંડી! હા, બાવન ગજની બબ્બે ધજાઓથી દ્વારિકાધીશનું વિમાન શોભી રહ્યું. અદ્ભુત નજારો સર્જાયો. પહેલી ધજા ઉતારવાનું શક્ય નહોતું એટલે બીજી ધજા ચડાવવામાં આવી. ઇતિહાસમાં આવું કદી બન્યું હોયએ નોંધાયું નથી. આ પહેલો બનાવ હતો જ્યારે દ્વારિકાધીશના મંદિર પર બે બાવનગજી ફરકી!

Image Source

પ્રભુની જ આ મરજી હોય ને! અને આ જ દ્વારિકાધીશની અદ્ભુત કૃપાથી કાંઠે પહોંચેલો ચક્રવાત વળી ગયો. ગુજરાત ઉગર્યું, સોરઠ ઉગર્યું, કચ્છ ઉગર્યું. જગતની સાત પુરીઓમાં દ્વારકાનો સમાવેશ થાય છે, ચારધામોમાં દ્વારાવતી નગરી શિરમોર છે. વશિષ્ઠ પુત્રી ગોમતી જેના પથ્થરોને પાવન કરે છે એ ભૂમિ પર કોઈ સંકટ પ્રભુ આવવા જ કેમ દે? રણછોડ એવું થાય તો રણમાં ઉતરી પડે!

Image Source

શરત બસ એ જ કે, વિશ્વાસ હોવો જોઈએ. માનવી ગમે એટલી પ્રગતિ કરી લે છતાં એક વાતનું સતત ભાન રાખવું જોઈએ કે, કુદરતની એક થપાટ તેનો સમૂળગો બુકડો બોલાવી દેવા માટે કાફી છે! વખત આવ્યે પ્રભુ યાદ આવે એ પણ શા કામનું? એનું સ્મરણ સતત રહેવું આવશ્યક છે. એની કૃપા મેળવવા માટે ધર્મ સાથે સબંધ આવશ્યક છે. અને ધર્મ સાથે સબંધ શાને લીધે બંધાય? અલબત્ત, માનવતાને લીધે!
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here