હાર્ટ અટેકે વધુ 2 લોકોના દ્વારકા જિલ્લામાં જીવ લીધા, ખેતરમાં કામ કરતા ખેડૂત અચાનક ઢળી પડ્યાં
ગુજરાતમાંથી લગભગ દરરોજ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવે છે. આ સિલસિલો યથાવત છે, ત્યારે આધેડ અને વૃદ્ધની સાથે સાથે યુવાએ પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે હાલમાં વધુ ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોતની ખબર સામે આવી છે. દ્વારકામાં બે ખેડૂતો અને અમરેલીમાં એક ખેલૈયાને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયુ છે.
દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતોએ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે. ઠાકર શેરડી ગામે કણજારિયા વેલજી રણમલનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની પરિવારજનોને આશંકા છે. તેઓ ખેતરમાં કામ કરતા સમયે અચાનક ઢળી પડ્યા હતા. જ્યારે ખંભાળિયાના શક્તિનગરમાં રામજી દામજી નકુમ નામના ખેડૂત પણ ખેતીકામ કરતી વખતે અચાનક મોતને ભેટ્યા.

તેમના પરિવારજનોએ પણ હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે અમરેલીમાં નવરાત્રિ દરમિયાન યોજાયેલ રામાપીરના આખ્યાન દરમિયાન એક 23 વર્ષિય યુવકને હાર્ટ એટેક આવતા દોડધામ મચી ગઈ હતી. દિનેશ શિયાળને અચાનક હાર્ટ એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.