ખબર

આ મહિલા નર્સ 9 મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ કોરોના વોર્ડમાં કરતી રહી દર્દીઓની સારવાર, અંતે લાગ્યું કોરોના સંક્ર્મણ અને..

કોરોના મહામારીની અંદર ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ ભગવાન બનીને લોકોને મદદ કરી રહ્યા છે. આ દરમિયાન ઘણા કોરોના વોરિયર્સે ફરજ દરમિયાન પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, છતાં પણ આવા લોકો ઘણા માટે પ્રેરણા સમાન બની ગયા છે. આવો જ એક કિસ્સો છત્તીસગઢમાંથી સામે આવ્યો છે. જ્યાં એક નર્સ ગર્ભવતી હોવા છતાં પણ પોતાની ફરજ બજાવતી રહી, તેને એક સુંદર દીકરીને પણ જન્મ આપ્યો, પરંતુ દીકરીના જન્મ બાદ બાળકી સાથે તે પણ કોરોના સંક્રમિત બની, અને આખરે નર્સને કોરોના ભરખી ગયો.

નર્સ ગર્ભવતી હોવા છતાં પણ સતત લોકોની સેવા કરતી રહી. જયારે તેને એક દીકરીને જન્મ આપ્યો ત્યારે માં દીકરી બંને કોરોના સંક્રમિત હતા. બાળકીને તો કોઈપણ રીતે ડોક્ટરોએ બચાવી લીધી. પરંતુ નર્સને બચાવવામાં તેઓ અસમર્થ રહ્યા અને આખરે કોરોનાના કારણે નર્સનો જીવ ચાલ્યો ગયો.

જાણકારી પ્રમાણે નર્સના પતિ ભેષ કુમાર બંજારાએ જણાવ્યું કે તેમની પત્ની પ્રભા ગર્ભવતી હોવા છતાં પણ કોરોના વોર્ડમાં ફરજ બજાવી રહી હતી. તે કવર્ધા બ્લોકના ગામ લિમોમાં રહેતી હતી. જયારે તેની પોસ્ટિંગ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખૈરવાર ખુર્દ લોરમી (મુંગેલી)માં હતી. ગર્ભાવસ્થા દરમિયાન તે કાપાદાહ ગામની અંદર ભાડાના ઘરમાં એકલી રહેતી અને ત્યાંથી તે હોસ્પિટલ જતી હતી.

તેના પતિએ એમ પણ જણાવ્યું કે 30 એપ્રિલના રોજ તેને પ્રસવ પીડા થઇ ત્યારે પ્રભાને કવર્ધાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. સિઝેરિયન ઓપરેશન દ્વારા તેને એક દીકરીને જન્મ આપ્યો. હોસ્પિટલમાં રહેતા તેને ઘણીવાર તાવ પણ આવ્યો. ડિસ્ચાર્જ થવા ઉપર જયારે તે ઘરે પહોંચી ત્યારે ખાંસી પણ શરૂ થઇ ગઈ. એન્ટિજન ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તેને કવર્ધાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. ઓક્સિજન લેવલ ઓછું થવાના કારણે તેને રાયપુર રેફર કરવામાં આવી. પરંતુ 21 મેના રોજ તેનું નિધન થઇ ગયું.

નર્સના પતિએ એમ પણ જણાવ્યું કે તેને પત્નીને ઘણીવાર રજા લેવા માટે જણાવ્યું હતું. પરંતુ તે તૈયાર ના થઇ. તે કહેતી હતી કે રૂમમાં બેસીને શું કરીશ ? તેનાથી સારું છે કે ડ્યુટી કરતી રહું. તે ગર્ભાવસ્થામાં પણ સતત 9 મહિના સુધી નોકરી કરતી રહી. જયારે પ્રસવ પીડા થઇ ત્યારે નોર્મલ ડિલિવરી નહોતી થઇ રહી. ત્યારે તેને સિઝેરિયન ડિલિવરી માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી.

પ્રભાના પતિએ એમ પણ જણાવ્યું કે પ્રભા અને તેની નવજાત બાળકી બંને કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાળકીને બીજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. તે સ્વસ્થ છે અને રાયપુરમાં તેના નાનીની દેખરેખમાં છે. તો પ્રભાના ફેફસામાં 80 ટકા જેટલું ઇન્ફેક્શન થઇ ગયું હતું. જેના કારણે તેનો જીવ બચી ના શક્યો. તેમને એમ પણ જણાવ્યું કે હજુ બાળકીનું નામકરણ સંસ્કાર નથી થયું. પરંતુ પ્રભાને યુક્તિ નામ પસંદ હતું. એવામાં આજ નામ રાખવામાં આવશે.