જીવનશૈલી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

શું માતા-પિતા પોતાની ફરજો તો નથી ચૂકી રહ્યા ને? દરેક મા-બાપ અને દીકરા દીકરીએ વાંચવા જેવી વાત, લેખકના દૃષ્ટિકોણથી

આજે મારે એક વિષય ઉપર વાત કરવી છે, જે કદાચ આજ પહેલાં કોઈએ કરવાની હિંમત નહીં કરી હોય, અને હું પણ કદાચ ના જ કરતો પરંતુ મારા મનમાં આવેલા એક વિચારે મને આ વાત કરવા મજબુર કર્યો છે. મને પણ લાગ્યું કે આ વિષયને તમારા સૌની સામે લાવવો જોઈએ, મારી આ વાતથી ઘણાં લોકો મારી વાતનો વિરોધ કરશે, ઘણાં સમર્થન પણ આપશે, પણ આપ સૌને વિનંતી છે કે પહેલા મારી વાતને યોગ્ય રીતે સમજજો પછી જ આપનો અભિપ્રાય આપજો..

Image Source

વાત આપણાં મા-બાપ સાથે જોડાયેલી છે, દુનિયાના દરેક માં-બાપ પોતાના દીકરા દીકરીને એક ઊંચાઈએ જોવા માંગે છે, સાથે સાથે એમની ઈચ્છા એમ પણ હોય કે પોતાનું સંતાન પોતાની સાથે પોતાના મા બાપનું પણ નામ રોશન કરે…. “કોઈનો દીકરો જો કોઈ ઊંચી પદવી પર પહોંચી ગયો તો, મા-બાપ ગર્વ લે છે અને દુનિયા સામે છાતી પહોળી કરી ને ચાલી શકે છે.” અને ચાલવું જ જોઈએ, કારણ કે એ એમનો હક છે. ખરું ને..???

Image Source

પણ શું ક્યારેક તમને એવું નથી લાગતું કે મા-બાપ દીકરા-દીકરી માટે પ્રેમનું નહીં પણ પોતાના માન સન્માનનું એક સાધન બની જાય છે? અને એ પ્રકારે જ એ પોતાના બાળક ને તૈયાર કરતાં હોય છે? યુવાન થતાં દરેક સ્ત્રી પુરુષની ઈચ્છાઓ કંઈક જુદી હોય છે, પણ મા-બાપ એ ઈચ્છાઓને એક જુદા પ્રકારનો વળાંક આપી દેતા હોય છે, અને એમને જે તમને બનાવવા છે એ બનાવે છે, દરેક માતા પિતા ત્યારે એવું જ ઈચ્છે છે કે મારું સંતાન થોડા સારા એવા પૈસા કમાય, પણ એ લાલચે એ ભૂલી જાય છે કે એ સંતાન કેટલું સહન કરતો હોય છે. બાળક નાનું હોય ત્યારે પોતાને ક્યાં દુઃખે છે એની વાત સહજતાથી પોતાના માતા પિતાને કરે છે પણ જ્યારે તે પોતાના પગ ઉપર ઉભો હોય ત્યારે શરમ સંકોચ કહો કે એક મર્યાદા કહો એના લીધે તે પોતાના માતા પિતાને કોઈ વાત જણાવી નથી શકતો, ચાલો આ તો કેરિયર લક્ષી વાત થઈ, આ વાત તો 3 ઇડિયટ મૂવીમાં બહુ સારી રીતે તમે સમજી શક્યા હશો…!!!

Image Source

બીજી રીતે જોવા જઈએ તો દીકરા કે દીકરીના લગ્ન કરાવવા માટે દરેક માતા પિતા એવું ઇચ્છતા હોય કે એને સારું ઘર મળે, પણ એ સારા ઘરની લાલચમાં એવું પણ ભૂલી જાય છે કે જેના માટે છોકરો કે છોકરી પસંદ કર્યા છે એ સારો છે કે નહીં? માત્ર પૈસાદાર ઘર શોધી અને લગ્ન કરાવી દે છે, પણ સમય જતાં જે ભોગવવાનું થાય છે તે તેમના સંતાનને થાય છે સારો વર કે સારી વહુ મળી તો પરિવાર શાંતિથી જીવે, નહીં તો બંધ બારણે થતાં ઝગડા ક્યાં કોઈથી છાના છે?

Image Source

દીકરી હોય એટલે માતા પિતા એમ વિચારે એના લગ્ન થાય, સાસરે વળાવી એટલે એમની જવાબદારી પૂર્ણ. એક સારું પૈસાદાર ઘર શોધ્યું, સારી નોકરી વાળો છોકરો પણ મળી ગયો, ઘરમાં તમામ ચીજ વસ્તુઓ છે હવે દીકરીને શું ચિંતા? એમ વિચારી લગ્ન કરાવી દે, પણ સાસરિયે જતી એ દીકરી ત્યાં ખરેખર ખુશ હોય છે? સાસુ નણંદના મહેણાં ટોણાં, પતિનો કોઈ બાબતે સાથ ના આપવો, પૂરતો સમય ના આપવો, પૂરતી આઝાદી ના મળવી, એ બધી બાબતોના કારણે એ દીકરી અંદરની અંદર તૂટી જાય છે, માત્ર પૈસાવાળા ઘરમાં જ નહીં કોઈ ગરીબની દીકરીના લગ્ન કોઈ ગરીબ પરિવારમાં થયાં હોય ત્યાં પણ આજ પરિસ્થિતિ છે, અને જો એ દીકરી પોતાના માતા પિતા પાસે કોઈ ફરિયાદ કરે તો એને સાંભળવા મળે: “બાળકો થશે પછી બધુ સારું થઈ જશે, તું થોડો સમય સહન કરી લે.” અને દીકરી મૂંગા મોઢે બધું જ સહન કરી લેતી હોય છે, જ્યારે બાળકો થઈ જાય અને પરિસ્થિતિ પહેલાં કરતાં વધારે ગંભીર થઈ જાય ત્યારે પણ માતા પિતા એમ જ કહેતા હોય છે કે “થઈ જશે બધું સારું, દુઃખે સુખે જીવન ત્યાં વિતાવી લેવાનું, આ ઘરમાંથી તારી ડોલી ઉઠી જે ઘરમાં ગઈ, ત્યાંથી તારી અર્થી ઉઠે.” આ શબ્દ ઘણાંના મુખે ઘણીવાર સાંભળવા મળતો હોય, અને દીકરી બિચારી પાછી ત્યાં જઈ અને સહન કરી લેતી હોય છે. પણ એક દિવસ એવો આવી જાય જ્યારે કેટલીક સ્ત્રીઓ સહન પણ નથી કરી શકતી અને સમય કરતાં વહેલા મોત ને વહાલું કરે છે, ત્યારે એના માતા પિતા પાસે પછતાવવા સિવાય કોઈ રસ્તો નથી હોતો. જો એમણે શરૂઆતમાં જ કોઈક યોગ્ય પગલાં લીધા હોત તો અત્યારે આ પરિસ્થિતિ ના આવી હોત. પણ માતા પિતા અને સમાજ અત્યાર સુધી એમ જ વિચારતો આવ્યો છે..”દીકરી અને ગાય, દોરે ત્યાં જાય.”

Image Source

દીકરાના પક્ષમાં પણ આવું જ થતું હોય છે, માતા પિતા જ્યારે છોકરા માટે છોકરી શોધવાનું શરૂ કરે ત્યારે ઓળખીતાઓ અને સ્નેહીઓ ફલાણા ભાઈ ની દીકરી સારી, ઢીકના ભાઈની દીકરી સારી અને જેમ તેમ કરી એક છોકરી પસંદ કરી દીકરાના લગ્ન કરવી દે, કેટલાક અંશે માતા પિતાની પસંદગી ઉપર દીકરો કે દીકરી પૂર્ણ વિરામ મૂકી દેતા હોય છે અને લગ્નબાદ પોતાનું જીવન શરૂ કરે, પણ એજ પત્ની જ્યારે સાસુ સામે ઝગડા કરે ઘરમાં સારું ના રાખે, પોતાના પતિને પોતાના મા બાપથી અલગ કરી દે. ત્યારે દીકરો કેટલાક અંશે માતા પિતાને ખોટો પણ લાગતો હોય છે, માં અને પત્ની વચ્ચે રહેલો એ દીકરો સૂડી વચ્ચેની સોપારી સમાન બની જતો હોય છે, ના તે પોતાની પત્ની ને કાંઈ કહી શકે, ના પોતાના માતા પિતાને. પણ જો એજ પરિસ્થિતિ જન્મતાની સાથે એનો નિકાલ લાવ્યા હોય તો કેવું સારું ? પણ ના… દરેક મા બાપ ને સમાજમાં પોતાની આબરૂ વહાલી છે, દિકરા કે દીકરીનું સુખ નહિ, સમાજમાં ચાર લોકો વાતો કરશે એ ડરે એમનાં દીકરા દીકરીનું ભવિષ્ય જોખમમાં મૂકી દેતા હોય છે, અને એના જ કારણે પરિસ્થિતિનો નિકાલ
આવે એ પહેલાં જ કેટલાય દીકરા દીકરીઓ આત્મહત્યા કરી લેતાં હોય છે.

Image Source

વાત થોડી કડવી છે પણ વિચારીએ તો ઘણું અંદરથી નીકળે એમ છે, માત્ર મેં દર્શાવી એજ બાબતો નહીં પણ આના સિવાય ઘણી બાબતો હશે.. જે માતા પિતાની પણ વિરોધમાં જઇ શકે છે. માતા પિતા જેવો નિસ્વાર્થ પ્રેમ આ દુનિયામાં કોઈના કરી શકે એ વાત ક્યારેક માનવામાં પણ નથી આવતી, હું માનું છું કે દરેક દીકરા દીકરીની પોતાના માતા પિતાને ખુશ રાખવાની, એમના ઘડપણનો સહારો બનવાની જરૂર છે, અને જે માં બાપે આપણને નાનપણથી લઈ અને મોટા કર્યા એમનું ઋણ તો ક્યારેય ચૂકવી શકાય એમ નથી, પણ આજે જોઈએ તો મોટાભાગના પરિવારોમાં આજ પરિસ્થિતિ છે, મારે તો બસ એટલું જ કહેવાનું કે આપણે આપણા બાળકો પાસે આવી કોઈ અપેક્ષા ના રાખીયે અને અમને સમજીએ તો કોઈ દીકરો દીકરી દુઃખી નહિ થાય કે ના કોઈ મોતને વહાલું કરશે…..!!!!

Image Source

ઘણા પરિવારોમાં પરિસ્થિતિ સેવક જુદી પણ હોય છે. માતા-પિતા મિત્રો જેવા બનીને રહેતા પણ હોય છે. દીકરો કે દીકરી વિના સંકોચે પોતાની વાતને તેમના સમક્ષ મૂકી પણ શકે છે. આવા પરિવારોમાં હંમેશા ખુશીનું વાતાવરણ જોવા મળે છે. જો તમે પણ આવા પરિવારમાં જન્મ્યા હોય તો તમે પણ ખુશકિસ્મત છો.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.