પાટણમાં હીટ એન્ડ રન ! ડમ્પરના ચાલકે બાઈકને અડફેટે લેતા 3ના મોત, એક જ ગામના ત્રણ યુવકોના મોતથી પરિવાર સહિત ગામમાં ઘેરા શોકની લાગણી

પાટણ હિટ એન્ડ રન કેસમાં એક જ ગામના ત્રણ યુવાનોના મોત, ડમ્પરના ચાલકે બાઈકને અડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત

Patan Hit And Run : ગુજરાતમાંથી ઘણીવાર હિટ એન્ડ રનના કેસ સામે આવે છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં જ પાટણમાંથી આવો મામલો સામે આવ્યો. જેમાં પાટણ-શિહોરી હાઈવે પર ભુતિયાવાસણા પાસે રાત્રે બાઈક સવાર ત્રણ યુવકોને કોઈ અજાણ્યા ડમ્પરે પાછળથી ટક્કર મારી અને જેને કારણે બે લોકોના ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા, જ્યારે એકનું સારવાર માટે લઈ જતા રસ્તામાં મોત થયું.

ત્યારે ઘટના બાદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી. સરસ્વતી તાલુકાના અઘાર ગામના ત્રણ મિત્રો અદુજી સોલંકી, અર્જુનસિંહ સોલંકી અને જગતસંગ સોલંકીના મોત થતા ગામમાં ગમગીની છવાઈ ગઇ હતી. ત્રણેય મિત્રો મોડી રાત્રે પાટણથી ઘરે જઈ રહ્યા હતા અને આ દરમિયાન અજાણ્યા ડમ્પર ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારી ભુતિયાવાસણા ગામ નજીક બાઈકને પાછળથી ટક્કર મારી હતી.

જેને કારણે ત્રણેય રોડ પર પટકાયા અને તેમાંથી બેને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ રસ્તામાં તેનું પણ મોત નિપજ્યું. ત્યારે એક જ ગામનાં ત્રણ યુવકોના મોતને પગલે પરિવાર સહિત ગામમાં પણ શોકની લાગણી છવાઈ હતી. ઘટનાની જાણ થતા પોલિસ દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃતકના મોટા ભાઈ મહેન્દ્રસિંહ રેવાજી સોલંકી દ્વારા અજાણ્યા ડમ્પર (ટર્બો) સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

Shah Jina