લગ્ન એટલે એક મોટી ખુશીનો પ્રસંગ હોય છે, જ્યાં એક નહિ બે પરિવારમાં ઉત્સવનું વાતાવરણ હોય છે, પરંતુ આવા પ્રસંગોમાં ક્યારેક કોઈ પરિચિત કે સ્નેહી સ્વજનના મૃત્યુથી પ્રસંગ થોડો ઝાંખો પણ પડતો હોય છે, પરંતુ આવા પ્રસંગમાં જ વર-કન્યામાંથી કોઈ એક મૃત્યુને ભેટી જાય તો બંને પરિવારોની શી હાલત થાય? આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના ખટ્ટા ક્ષેત્રના ધનૌજી આબાદકારી ગામમાંથી. જ્યાં એક કન્યાનું લગ્ન પહેલા જ મૃત્યુ થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર 29 નવેમ્બરના રોજ ઓમપ્રકાશના લગ્ન માયા સાથે યોજાવવાના હતા. 26 નવેમ્બરના રોજ ખુબ જ ધામધૂમથી તિલક પણ ચઢાવવામાં આવ્યું, પરંતુ એજ દિવસે કન્યા પોતાના ભાઈ સાથે બાઈક ઉપર થોડો સામાન ખરીદવા માટે બજારમાં ગઈ, અને એજ સમયે એક સ્પીડ બ્રેકર ઉપર પોતાનું સંતુલન ગુમાવતા બાઈક ઉપરથી પડી ગઈ હતી.

પરિવારજનોએ તેને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી અને તે ત્યાંથી સ્વસ્થ પણ થઇ અને ઘરે આવી. શનિવારના રોજ છોકરાની પીઠી પણ ચોળવામાં આવી. બંનેપરિવારમાં ખુશીનું વાતાવરણ હતું, પરંતુ રવિવારે સવારે ચાર વાગે જ માયાની તબિયત અચાનક બગડી અને થોડી જ ક્ષણોમાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.

તો બીજી તરફ ઓમપ્રકાશનો પરિવાર જાનમાં જવાની તૈયારી કરી રહ્યો હતો એ દરમિયાન જ આ ખબર આવતા પરિવારમાં દુઃખનું વાતાવરણ ફરી વળ્યું હતું. અને વરરાજા પણ આ ખબર સાંભળી અને બેભાન થઇ ગયો હતો.