તિરંગામાં લપેટાયેલ પિતાનો પાર્થિવ દેહ, માંના ખોળામાં 2 મહિનાની દીકરી, આંખોમાં આંસુ લાવી દેશે શહીદ થયેલ DSP હુમાયૂં ભટ્ટની કહાની

અનંતનાગમાં શહીદ થયેલ DSP હુમાયૂં ભટ્ટની કહાની, બે મહિનાની દીકરીના માથા પરથી ઉઠી ગયો પિતાનો પડછાયો

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા અધિકારીઓમાં સેનાના કર્નલ, એક મેજર અને પોલીસ ડીએસપીનો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીએસપી હુમાયુ ભટ્ટ એનકાઉન્ટરમાં શહીદ થયા છે, તેઓ તેમની પાછળ તેમની પત્ની અને બે મહિનાની પુત્રી છોડી ગયા છે. હુમાયુ ભટ્ટના ગયા વર્ષે જ લગ્ન થયા હતા.

ડીએસપી હુમાયુ ભટ્ટ ભૂતપૂર્વ ડીઆઈજી ગુલામ હસન ભટ્ટના પુત્ર હતા અને મૂળ પુલવામા જિલ્લાના ત્રાલના હતા. તેમનો પરિવાર હવે શ્રીનગર એરપોર્ટ નજીક હુમહામાની વીઆઈપી કોલોનીમાં રહે છે. આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવારે સાંજે શરૂ થયું હતું, પરંતુ રાત્રે તેને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. બુધવારે સવારે ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી.

અધિકારીઓનું માનવું છે કે આતંકવાદીઓનું આ એ જ જૂથ છે જેણે 4 ઓગસ્ટના રોજ કુલગામ જિલ્લાના હલાણ વન ક્ષેત્રના ઊંચા વિસ્તારમાં સેનાના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. કર્નલ સિંહે તેમની ટીમનું નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓ પર હુમલો કર્યો.

જો કે, આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો અને તે ગંભીર રીતે ઘાયલ થયા. અધિકારીઓએ જણાવ્યું કે મેજર આશિષ અને ડીએસપી ભટ્ટને પણ ગોળીઓ વાગી હતી જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓ સારવાર દરમિયાન શહીદ થઇ ગયા. જમ્મુ અને કાશ્મીર પોલીસના નિવૃત્ત મહાનિરીક્ષક ગુલામ હસન ભટ્ટના પુત્ર અને બે મહિનાની પુત્રીના પિતા હુમાયુ ભટ્ટનું અતિશય રક્તસ્ત્રાવને કારણે અવસાન થયું.

જમ્મુ અને કાશ્મીર પોલીસ વતી પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે હુમાયુ ભટ્ટની શહાદત અને અન્ય સૈનિકોના જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જમ્મુ ક્ષેત્રના રાજૌરીમાં એક એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે સેનાની છ વર્ષની મહિલા લેબ્રાડોરે પણ પોતાના ‘હેન્ડલર’ને બચાવતા જીવ ગુમાવ્યો હતો.

હુમાયુ ભટ્ટની વાત કરીએ તો, તેમની પત્ની પ્રોફેસર છે, જ્યારે હુમાયુ ભટ્ટના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો ત્યારે પિતાએ પુત્રને શ્રદ્ધાંજલિ આપી. હુમાયુ ભટ્ટની બે મહિનાની દીકરી માતાના ખોળામાં હતી. ડીએસપી હુમાયુ ભટ્ટને અંતિમ વિદાય આપવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

Shah Jina