હવે માત્ર થોડા જ દિવસમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. 10 દિવસ સુધી ગણપતિ બાપ્પા આપણા ઘરે કે આપણા ઘરની આસપાસ હાજર રહેશે. જો કે આ કોરોના વાયરસના ખતરાના કારણે આ વર્ષે દર વર્ષની જેમ મોટા ઉત્સવો નહિ થાય, પરંતુ ભક્તોની ભક્તિમાં કોઈ ખોટ આવવાની નથી.

આપણે બધા જ જાણીએ છીએ કે ગણપતિને સૌથી વધુ મોદક ભાવે છે. તો આ ગણેશ ચતુર્થી ઉપર ખાસ ગણપતિ બાપાને ભોગ ધરાવવા માટે ડ્રાયફ્રુટ મોદક બનાવો. જે ખાવામાં પણ ખુબ જ સરસ છે. આ બનાવવામાં પણ 15થી 20 મિનિટ જેટલો જ સમય લાગશે (2-4 વ્યક્તિ માટે) ચાલો જોઈએ તેની રેસિપી.

ડ્રાયફ્રુટ મોદક બનાવવા માટેની સામગ્રી:
- એક કટોરી બદામ
- એક કટોરી કાજુ
- અડધી કટોરી પિસ્તા
- અડધું નારિયેળ
- એક કટોરી અંજીર
- એક મોટી કટોરી ખજૂર, બીજ કાઢેલું
- બે મોટી ચમચી બટર અથવા ઘી
- અડધી કટોરી ખસખસના દાણા
- મોદક બનાવવાનો સંચો


ડ્રાયફ્રુટ મોદક બનાવવાની રીત:
- સૌથી પહેલા બદામ, કાજુ, પિસ્તા, નારિયેળ અને અંજીરને મિક્સરના જારમાં નાખીને અધકચરું પીસી લેવું.
- ત્યારબાદ ખજૂરના બીજ કાઢીને તેને મિક્સરમાં પીસી લેવું.
- ધીમી આંચ ઉપર એક નોનસ્ટિક કાઢાઈ મુકવી.
- ત્યારબાદ તેમાં ઘી અથવા બટર નાખીને ગરમ કરવું.
- જયારે ઘી અથવા બટર ઓગળી જાય ત્યારબાદ તેમાં કાજુ, બદામ વાળું જે મિશ્રણ બનાવ્યું હતું તે નાખીને 4-5 મિનિટ સુધી ધીમી આંચ ઉપર જ શેકતા રહેવું.
- ત્યારબાદ તેમાં ખજૂર અને ખસખસના દાણા નાખીને 2-3 મિનિટ સુધી હલાવતા જ શેકતું રહેવું. તમે જોઈ શકશો કે આ મિશ્રણ હવે થોડું ઓગળવા લાગ્યું હશે.
- ગેસને બંધ કરીને મિશ્રણને થોડું ઠંડુ થવા દેવું.
- ત્યારબાદ મોદક બનાવવાના સંચાની અંદર રાખીને મોદક બનાવી લેવા.
- તૈયાર છે તમારા સ્વાદિષ્ટ મોદક.
આ વાતનું પણ રાખજો ધ્યાન:
- ડ્રાયફ્રૂટને મિક્સરમાં પીસતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે ડ્રાયફ્રૂટને સરળતાથી પીસવા નહિ તો મિક્સર ખરાબ થઇ શકે છે.
- જો તમારી પાસે ખજૂર ના હોય તો ખજૂરના ગોળનો પણ તમે ઉપયોગ કરી શકો છો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.