7 વર્ષ પછી ફરી પાછો ખુલી રહ્યો છે અજય દેવગણનો કેસ, શું આ વખતે કરશે પોતે કરેલી હત્યાની કબૂલાત ? જુઓ વીડિયો

દૃશ્યમ-ભાગ 2: રુવાડા ઉભા કરી દે એવું રહસ્ય અને રોમાંચથી ભરપૂર અજય દેવગણની ફિલ્મનું ટ્રેલર, શું આ વખતે તે પોતાનો ગુન્હો સ્વીકારશે કે પોલીસને આપશે ચકમો ?

ફિલ્મી દુનિયાના દીવાના આપણા દેશમાં ઠેર ઠેર ભર્યા પડ્યા છે.નવી ફિલ્મ આવતા જ દર્શકો આ ફિલ્મને જોવા માટે થિયેટરમાં ઉમટી પડતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાં બોયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, પરંતુ છેલ્લે આવેલી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”એ કમાણીના મામલામાં આ ટ્રેન્ડને પણ તોડી નાખ્યો, ત્યારે દર્શકોમાં જે ફિલ્મને લઈને આજે પણ ચર્ચા ચાલી રહી છે એ ફિલ્મ છે “દ્રશ્યમ”, જેનો બીજો ભાગ જલ્દી જ આવવાનો છે.

ફિલ્મ ‘દ્રશ્યમ 2’નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. અજય દેવગણ ફરી એકવાર વિજય સલગાંવકર તરીકે પાછો ફર્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે સાલગાવકર પરિવાર સાથે અક્ષય ખન્ના અને તબ્બુ પંગો લેવાના છે.18 નવેમ્બર 2022ના રોજ થિયેટરમાં આવનારી આ ફિલ્મના ટ્રેલરમાં સાત વર્ષ પછી સલગાંવકર તેના ભૂતકાળ સાથે ફરી જોડાતા જોવા મળે છે.

ટ્રેલરની શરૂઆતમાં અજય દેવગણ ઉર્ફે વિજય સલગાંવકરનો ડાયલોગ સાંભળીને લાગે છે કે તેણે આ વખતે પોલીસ સામે હાર માની લીધી છે. તે કહે છે, “સત્ય એક વૃક્ષ જેવું છે. તમે જેટલું ઈચ્છો તેટલું દાટી દો, તે એક યા બીજા દિવસે બહાર આવશે.” જોકે બીજી જ ક્ષણે સાત વર્ષ જૂનો વિજય દેખાય છે. તે પોલીસને કહે છે કે સાત વર્ષ થઈ ગયા છે પરંતુ આજે પણ તેના પરિવારને હેરાન કરવામાં આવે છે. આ સાથે તે પોતાના પરિવારને સતત મજબૂત કરતો જોવા મળી રહ્યો છે. દરેક દ્રશ્ય વિજયની તરફેણમાં જોવા મળે છે.

પણ પછી અક્ષય ખન્નાની એન્ટ્રી થાય છે. તે પોતાની રીતે કેસ ઉકેલવાનો પ્રયાસ કરે છે. પરંતુ મામલો ફરી એકવાર અટકી જાય છે. ત્યારબાદ તબ્બુની એન્ટ્રી થાય છે. આ વખતે અભિનેત્રી પોલીસ અધિકારી તરીકે નહીં પરંતુ માતા તરીકે કેસમાં જોડાય છે. અક્ષય અને તબ્બુ, એક પછી એક, વિજયને વિચારવાનો સમય આપતા નથી અને કેસને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કરે છે.

અને છેલ્લે વિજય તેની કબૂલાત રેકોર્ડ કરતો જોવા મળે છે. ટ્રેલર જોતી વખતે મારા મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે… શું આ વખતે સાલગાવકર પરિવાર પોલીસ ચંગુલમાં ફસાઈ જશે? કે ગત વખતની જેમ આ વખતે પણ વિજય પોલીસને ચકમો આપી શકશે? આખરે શું થશે તે તો નવેમ્બર મહિનામાં ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

Niraj Patel