હેલીકૉપ્ટર ક્રેશ અકસ્માત કે ષડયંત્ર ? બિપિન રાવતના હેલીકૉપ્ટર ક્રેશની ઘટના ઉપર નિવૃત્ત બ્રિગેડિયર સુધીર સાવંતને શંકા, આપ્યું ચોંકાવનારું નિવેદન

બુધવારના રોજ  તમિલનાડુના કુન્નૂરમાં એરફોર્સ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું મોત થયું હતું. આ અકસ્માતમાં તેમની પત્ની અને અન્ય 11 લોકોના પણ મોત થયા હતા. જ્યારે અકસ્માત થયો ત્યારે હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાંથી 13ના મોત થયા હતા. જ્યારે એક ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ ઘટનાને લઈને આખા દેશમાં હોબાળો મચી ગયો હતો. દરમિયાન હવે આ ઘટનામાં ષડયંત્રની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે હેલિકોપ્ટર દુર્ઘટના કેસમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. તેમને આરોપ લગાવ્યો કે આ અકસ્માત નથી પરંતુ કાવતરું હતું. LTTના સ્લીપર સેલ આની પાછળ હોઈ શકે છે કારણ કે જ્યાં અકસ્માત થયો છે તે વિસ્તાર LTTનો જ વિસ્તાર છે. પૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે આ ઘટનાની NIA દ્વારા તપાસની માંગ કરી છે.

દુર્ઘટના બાદ એરફોર્સે તપાસના આદેશ આપ્યા હતા. હવે વાયુસેના તેના સ્તરે દુર્ઘટનાના કારણની તપાસ કરી રહી છે. જો કે આ દુર્ઘટના કેવી રીતે થઈ અને તેની પાછળ કોઈ કાવતરું છે કે કેમ તે અંગે એરફોર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સામે આવ્યું નથી. તમને જણાવી દઈએ કે જનરલ બિપિન રાવત વેલિંગ્ટન (નીલગીરી હિલ્સ) સ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ (DSSC) જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી, જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના હતા.

બ્રિગેડિયર સાવંત જણાવે છે કે કોઈપણ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ ત્રણ કારણ હોય છે. પ્રથમ- ટેક્નિકલ ફોલ્ટ, બીજું- પાયલોટ એરર અને ત્રીજું- બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવો. પ્રથમ બે કેસમાં પાયલોટ અને એર કન્ટ્રોલનું કોમ્યુનિકેશન થાય છે. પાયલોટ મદદની માગ કરે છે અને આ તમામ વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ હોય છે. હવે બ્લેક બોક્સ પણ મળી ગયું છે. આ કારણે જો આ દુર્ઘટના હશે તો માહિતી બહાર આવી જશે.

જોકે ત્રીજી શક્યતા એવી છે કે હેલિકોપ્ટરમાં બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હોય. એવામાં પાયલોટ અને એર કન્ટ્રોલની વચ્ચે કોઈ કોમ્યુનિકેશન થઈ શકતું નથી અને બધું અચાનક જ થઈ જાય છે. આ વિસ્તાર LTTEનો ગઢ હોવાથી આ હુમલા પાછળ LTTEના સ્લીપર સેલનો હાથ હોવાની શક્યતા છે.

જનરલ બિપિન રાવત એરફોર્સના Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતા જે ક્રેશ થયું હતું. તેમાં તેમની સાથે તેમના પત્ની પણ હતા. વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે DSSCના ડાયરેક્ટીંગ સ્ટાફ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ SC આ અકસ્માતમાં ઘાયલ થયા છે અને હાલમાં તેઓ વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાયુસેનાએ ટ્વીટ કર્યું કે, “ખૂબ જ દુઃખ સાથે પુષ્ટિ કરવામાં આવે છે કે હેલિકોપ્ટરમાં સવાર જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત અને અન્ય 11 લોકો દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.”

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું હતું કે રાવત અને અન્યોને લઈને હેલિકોપ્ટર સવારે 11:48 વાગ્યે નજીકના કોઈમ્બતુરના સુલુર એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી અને 45 મિનિટ પછી ઉધગમમંડલમના DSSC, વેલિંગ્ટન ખાતે ઉતરવાનું હતું. તેમણે જણાવ્યું કે દુર્ઘટના બપોરે 12.22 વાગ્યે થઈ હતી. અગાઉ સીડીએસ એમ્બર એરક્રાફ્ટ દ્વારા સવારે 11.34 વાગ્યે દિલ્હીથી એરફોર્સ બેઝ પહોંચ્યા હતા.

Niraj Patel