ખબર

સુરતની ગ્રીષ્માના હત્યાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ધોરાજીમાં યુવતી ઉપર પ્રેમીએ ધારદાર છરીથી કર્યો હુમલો, નાક આને વાળ કાપી નાખ્યા

સુરતમાં થયેલ ગ્રીષ્માની હત્યાના પડઘા આજે આખા ગુજરાતની અંદર પડી રહ્યા છે. ગ્રીષ્માની જે રીતે હત્યા કરી દેવામાં આવી હતી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને હજુ પણ એ ઘટના આંખો સામે ખડી થઇ જાય છે, ત્યારે આવી જ એક ઘટના ગુજરાતના ધોરાજીમાં પણ સામે આવી છે. જ્યાં પ્રેમિકા ઉપર પ્રેમીએ છરીથી હુમલો કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીના આંબાવાડી કોલોનીમાં રહેતી 25 વર્ષીય ફરજાબેન નામની મહિલા ઉપર મૂળ આટકોટના અને હાલ રાજકોટ રહેતા સુલતાન ઉર્ફે ટીપુ જનમામદભાઈ જુણેજા નામના પ્રેમીએ હુમલો કર્યો હતો. આ મહિલા એક વર્ષ પહેલા પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તેના પ્રેમી સુલતાન સાથે રાજકોટ રહેતી હતી.

પરંતુ બાદમાં ફરજા તેની માતા પાસે ધોરાજી ચાલી ગઈ હતી. જેના બાદ સુલતાન ફરજાને રાજકોટ આવી જવા માટે દબાણ કરી રહ્યો હતો. પરંતુ ફરજા પાછી રાજકોટ ના આવતા તેના પ્રેમી સુલતાને તેના એક મિત્ર સાથે મળી અને ધોરાજી જઈને છરીથી હુમલો કર્યો હતો. જેને લઈને આખા પંથકમાં ચકચારી મચી ગઈ છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સુલતાને ફરજાના પેટમાં છરીનો ઘા મારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફરજાએ પોતાના બંને હાથથી બચવાનો પ્રયત્ન કર્યો હતો જેના કારણે તેના હાથમાં ઈજાઓ પહોંચી હતી. જેના બાદ ફરજાને જમીન ઉપર પછાડીને તેના મિત્રએ પકડી રાખી અને સુલાતાને ગળું દબાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. જેના બાદ ફરજાના ગાલ ઉપર છરી વડે ઈજાઓ પહોંચાડી અને નાક કાપી નાખ્યું હતું.

આ ઘટના બાદ બંને મિત્રો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જેના બાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા તેને રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.  ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી.

ફરજાએ જણાવ્યું હતું કે સુલતાન મારા પર અસહ્ય સિતમ ગુજારતો હતો, ડગ પીવડાવીને મારી પાસે ખોટાં કામ પણ કરાવતો હતો. તેમજ મારા જ અશ્લીલ ફોટા મને બતાવીને જાહેર કરવાની ધમકી પણ આપતો હતો. ફરજાની ફરિયાદના આધારે આ બનાવમાં પોલીસે ગણતરીની કલાકમાં પ્રેમી સુલતાન અને તેના મિત્ર રાહુલની ધરપકડ કરી લીધી.