Gitanjali Aiyar passes away : મનોરંજન અને ટીવી જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવતી રહે છે. જેને સાંભળીને ચાહકોને પણ આઘાત લાગે છે અને ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાઈ જતો હોય છે. ત્યારે હાલ એક ખબરથી ચાહકોને ધ્રાસ્કો લાગ્યો છે. દૂરદર્શનના ખ્યાતનામ અને દેશના પહેલા અંગ્રેજી ટીવી એન્કર ગીતાંજલિ અય્યરનું નિધન થયું છે. તેમના નિધનથી ચાહકો શોકમાં ગરકાવ થઇ ગયા છે.
ગીતાંજલિ અય્યરનું 7 જૂન બુધવારે નિધન થયું હતું. તેમની ઉંમર 76 વર્ષની હતી. તેમણે 30 વર્ષથી વધુ સમય સુધી દૂરદર્શનમાં કામ કર્યું. અય્યરના નિધનથી ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર અય્યરને શ્રદ્ધાંજલિ આપતા ઘણા લોકો તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ગીતાંજલિ અય્યરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ગીતાંજલિ અય્યર 1971માં દૂરદર્શન સાથે જોડાયા. ટીવી પત્રકારત્વની લગભગ 30 વર્ષની કારકિર્દીમાં તેમને ચાર વખત શ્રેષ્ઠ એન્કરનો એવોર્ડ મળ્યો. ગીતાંજલિ અય્યર શ્રેષ્ઠ એન્કરની સાથે તેની અનોખી હેરસ્ટાઈલ માટે પણ પ્રખ્યાત હતી. આધુનિક લુક સાથે સાડીનું કોમ્બિનેશન તેની અલગ ઓળખ હતી.
પ્રસિદ્ધ ન્યૂઝ એન્કર હોવાની સાથે, ગીતાંજીલ અય્યરે અભિનયની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવી. તેણે ટીવી સિરિયલ ખાનદાનમાં કામ કર્યું હતું. તેમણે 2002માં આઉટલુક ઈન્ડિયામાં લખેલા તેમના લેખમાં જણાવ્યું હતું કે દૂરદર્શનનું રાષ્ટ્રીયકરણ અને 1982 એશિયન ગેમ્સ બાદ તેમને દેશભરમાં ઓળખ મળી હતી. તેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો.