ફિલ્મના પોસ્ટરમાં કાલી માં બનેલી અભિનેત્રી પી રહી હતી સિગરેટ, ભડકેલા લોકોએ આડે હાથ લીધી

ભારતમાં જ્યાં એક તરફ પયગંબર મોહમ્મદના કથિત અપમાન માટે જાહેરમાં લોકોની હત્યા કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન પણ ચાલુ છે. હાલમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”નું ટ્રેલર રિલીઝ થયું હતું. જેને જોયા બાદ કેટલાક યુઝર્સે આરોપ લગાવ્યો હતો કે તેમાં એક સીનમાં અભિનેતાને મંદિરમાં જૂતા પહેરીને બતાવવામાં આવે છે. આવી સ્થિતિમાં દર્શકોએ નિર્માતાઓને ટ્રોલ કર્યા અને તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો.

હવે ફરી એકવાર આવો જ કિસ્સો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવ્યો છે. ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઇના ડોક્યુમેન્ટરી પોસ્ટરને લઈને ટ્વિટર પર વિવાદ ફેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિગ્દર્શક, કવિયત્રી અને અભિનેતા લીના મણિમેકલાઈએ તેમની ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં ‘માં કાલી’ના અવતારમાં દેખાઇ રહેલી અભિનેત્રી સિગરેટ પી રહી છે. તેના હાથમાં LGBT સમુદાયનો ધ્વજ પણ છે. હવે ટ્વિટર પર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દર્શકો આ પોસ્ટરનો વિરોધ કરી રહ્યા છે.

ફિલ્મ નિર્માતા લીનાએ 2 જૂન, 2022ના રોજ ટ્વિટર પર કાલીનું પોસ્ટર શેર કર્યું હતુ. આ પોસ્ટર સાથેની માહિતી શેર કરતાં તેણે કહ્યું કે તે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તેની ડોક્યુમેન્ટ્રી કાલી કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ (રિધમ્સ ઓફ કેનેડા)માં લોન્ચ કરવામાં આવી હતી. લીનાની ડોક્યુમેન્ટ્રીનું નામ કાલી છે. આ પોસ્ટરમાં મા કાલી સિગારેટ પીતી બતાવવામાં આવી છે અને આ જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે. મા કાલીના વેશભૂષામાં અભિનેત્રીના એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં LGBT સમુદાયનો ધ્વજ જોવા મળે છે.

કાલી ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર જોઈને એક યુઝરે લખ્યું, “રોજ હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચે છે. તેઓ આપણી ધીરજની કસોટી કરે છે. આટલું જ નહીં, અમિત શાહ અને પીએમઓને ટેગ કરતા કેટલાક યુઝર્સે આ પોસ્ટર અને ફિલ્મ પર કાર્યવાહીની માંગ કરી હતી. ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટર પર મોટો વિવાદ ઊભો થઇ ગયો છે. યુઝર્સ લીના મણિમેકલઇની ધરપકડની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેને લોકો ખૂબ ખરી ખોટી સંભળાવી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર #arrestleenamanimekalai ટ્રેન્ડ પણ થઇ રહ્યુ છે.

Shah Jina