દેશમાં કોરોનાનુું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સૌ કોઇ ચિંતિત છે અને આવા કોરોનાના કહેરમાં પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા કેટલાક લોકો ગૌમૂત્ર, ગોબર,જેવા અનેકથી સ્નાન કરી એન્ટીબોડીઝ વધારવાના પ્રયોગો કરી રહ્યા છે. પરંતુ આનાથી ફંગલ ઇન્ફેક્શનની ચેતવણી તબીબી નિષ્ણાતો આપી રહ્યા છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડો. વસંત પટેલ આ અંગે જણાવી રહ્યા છે કે, સોશિયલ મીડિયામાં ગાયના ગોબર અને ગૌમૂત્રના સ્નાનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેવા વીડિયોને સત્ય ના મનવા. ગાયના છાણના લેપ કરવાથી, ગૌમૂત્રથી સ્નાન કરવાથી કોરોના જતો રહેશે આ માન્યતા તદ્દન ખોટી છે. આવુ કરીને, તમે ચેપી રોગને નિમંત્રણ આપી રહ્યા છો.

ગુજરાતમાં કેટલાક લોકો એવા છે જે સપ્તાહમાં એકવાર ગૌશાળા જઈને આખા શરીર પર ગાયનું છાણ અને ગૌમૂત્ર લગાવે છે કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી તેમની ઈમ્યુનિટી મજબૂત થશે અને કોરોના વાયરસના સંક્રમણનું જોખમ નહીં રહે. તમને જણાવી દઇએ કે, હિન્દુ ધર્મમાં ગાય, ગાયના છાણ અને ગૌમૂત્રને ખુબ જ પવિત્ર ગણવામાં આવ્યા છે. ઘણા વર્ષોથી ગામડાઓમાં માટીના ઘરોની સાથે સાથે છાણથી પણ લીપી લેવાની પ્રથા ચાલતી આવી છે. એટલે સુધી કે પૂજાપાઠમાં પણ છાણાનો ઉપયોગ થાય છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ ડો જેએ જયપાલે કહ્યું કે, કોઈ પણ એવું વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે ગાયના ગોબર અથવા ગૌમૂત્રથી કોરોના વિરુદ્ધ રોગ પ્રતિકારાત્મક ક્ષમતા વધે છે. તેમણે કહ્યુ હંમેશા સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ. ડોકટરની સલાહ પર જ કોઈ પણ દવા લેવી જોઈએ.