...
   

સર્જને કરી દીધી કમાલ: દર્દીથી 5000 Km દૂર હતા ડોક્ટર, રોબોટની મદદથી કર્યુ ફેફસાના ટ્યુમરનું ઓપરેશન, જુઓ

સર્જને કરી દીધી કમાલ, 5 હજાર કિમી દૂર હોવા છત્તાં ફેફસાનું ટ્યુમર નીકાળી હાંસિલ કરી મોટી સફળતા

AI (આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ), મશીન લર્નિંગ અને રોબોટ્સ જેવા શબ્દોથી આપણે પહેલેથી જ પરિચિત છીએ. આ બધી ટેક્નોલોજીઓ ધીમે ધીમે આપણા જીવનનો એક ભાગ બની રહી છે. હેલ્થકેર સેક્ટરમાં ટેકનોલોજીનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. ચીનમાં આનું એક નવું ઉદાહરણ જોવા મળ્યું. ચીનમાં 5000 કિલોમીટર દૂરથી રોબોટ્સની મદદથી સર્જરી કરવામાં આવી.

શાંઘાઈ ચેસ્ટ હોસ્પિટલના સર્જને તેમના સાથીઓની મદદથી એક રિમોટ ઓપરેશન કર્યું. તેમણે દર્દીના ફેફસામાંથી ટ્યુમર કાઢ્યુ. ઓપરેશન સમયે સર્જન શાંઘાઈમાં હતા, જ્યારે દર્દી અને સર્જિકલ રોબોટ કાશગરમાં હતા. બંને વિસ્તારો વચ્ચે 5000 કિલોમીટરનું અંતર છે. આ સર્જરી 13 જુલાઈના રોજ કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ ડોક્ટર Luo Qingquan દ્વારા કરવામાં આવ્યું.

ડૉક્ટરે કહ્યું કે આ ટેક્નોલોજી બતાવે છે કે ભવિષ્યમાં લોકો મોટા શહેરોમાં ગયા વિના તેમની સારવાર કેવી રીતે કરાવી શકશે. રિપોર્ટ અનુસાર ચીનની આ પહેલી હોસ્પિટલ છે જેમાં રોબોટની મદદથી ચેસ્ટ સર્જરી કરવામાં આવી છે. રોબોટિક સર્જરીની સાથે સાથે શાંઘાઈ ચેસ્ટ હોસ્પિટલ રોબોટિક ટેક્નોલોજીમાં સંશોધન અને વિકાસ કરી રહી છે. ભારતમાં પણ આવી સર્જિકલ રોબોટ સિસ્ટમ છે, જેને ડૉ.સુધીર શ્રીવાસ્તવના SSI Mantra એ ડેવલોપ કરી છે.

આ રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરીને ડૉક્ટરો દર્દીની નજીક ન રહેતાં પણ સર્જરી કરી શકશે. ભારતીય સર્જિકલ રોબોટ મોડ્યુલર ડિઝાઇન છે, જેમાં 5 હાથ છે જેને અલગ કરી શકાય છે. આ ઓપરેશન માટે સર્જનને કંસોલ સ્ટેશન પર બેસવાનું હોય છે, જેના પર 32-ઇંચનું મોનિટર ઇન્સ્ટોલ કરેલું હોય છે અને 3D વિઝન ઉપલબ્ધ હોય છે. તેમાં સેફ્ટી કેમેરા પણ આપવામાં આવ્યા છે, જે ડોક્ટરની હાજરીને શોધી કાઢે છે. જો ડૉક્ટર આમ-તેમ જોવે તો સર્જરી રોકાઇ જાય છે. ભારતમાં 40 કિલોમીટર દૂરથી રોબોટની મદદથી સર્જરી કરવામાં આવી છે.

Shah Jina