પશ્ચિમ બંગાળના હસનાબાદમાં પુરૂષ ડૉક્ટર દ્વારા સારવાર માટે આવેલી મહિલા દર્દી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલાના કહેવા પ્રમાણે, સારવારના નામે ડોક્ટરે તેને ટ્રાંક્વીલાઈઝિંગ સીરમનું ઈન્જેક્શન આપ્યું, જેના કારણે તે બેભાન થઈ ગઈ. ત્યારબાદ ડોક્ટરે તેના પર દુષ્કર્મ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે મહિલા અને તેના પતિની ફરિયાદના આધારે આરોપી ડૉ.નૂર આલમ સરદારની ધરપકડ કરવામાં આવી છે.
પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે થોડા દિવસ પહેલા તેનો પતિ કામ માટે શહેરની બહાર ગયો હતો. આ દરમિયાન તે બીમાર પડી હતી અને સારવાર માટે ડો.નૂરઆલમ સરદાર પાસે ગઈ હતી. પીડિતાના જણાવ્યા મુજબ, નૂર આલમે તેને પહેલા બેભાન કરવાનું ઈન્જેક્શન આપ્યું અને જ્યારે તે બેભાન થઈ ગઈ ત્યારે તેણે તેની સાથે દુષ્કર્મ કર્યો. પીડિતાનો આરોપ છે કે આરોપી ડોક્ટરે તેના ફોન પર તેના અંગત ફોટોગ્રાફ્સ લીધા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરી.આરોપીએ મહિલાને બ્લેકમેલ કરીને તેની પાસેથી 4 લાખ રૂપિયા પડાવી લીધા અને તેની સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યો. ફરિયાદ મુજબ, પીડિતા સમાજમાં બદનામીના ડરથી આ વિશે કોઈને કહી શકતી ન હતી.
તેણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ તે સમયે શહેરની બહાર હોવાથી તે ગભરાઈ ગઈ હતી. આખરે આરોપી ડો.નૂરઆલમ સરદારના વારંવારના બ્લેકમેઈલીંગથી કંટાળીને પીડિત મહિલાએ તેના પતિને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.ડૉક્ટર સામે હસનાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી ડો. નૂર આલમ સરદારને જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારી વકીલે તેની પાંચ દિવસની પોલીસ કસ્ટડીની માંગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિતાનું ગોપનીય નિવેદન નોંધ્યું હતું.