ખબર

દેશના 4 મોટા ડોક્ટર આવ્યા એકસાથે, કોરોના પર જણાવી મહત્વની વાતો, જાણો વિગત

પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયા ભરવા છે? ન ભરવા હોય તો આ ટિપ્સ વાંચી લો

દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે સંક્રમણના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની ઘણી હોસ્પિટલ ઓક્સિજન અને રેમડેસિવિર જેવી દવાઓની અછતનો સામનો કરી રહી છે. હોસ્પિટલો પર દર્દીઓની અફરાતરફી જોતા દેશના સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ રવિવારે લોકોને સંક્રમિત દર્દીઓની સારવાર માટે જરૂરી સૂચનો આપ્યા. દેશના જાણીતા આરોગ્ય નિષ્ણાત, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, મેદાંતાના ચેરમેન ડો.નરેશ ત્રૈહન, પ્રોફેસર અને એઈમ્સના મેડિસિન ડિપાર્ટમેન્ટના એચઓડી ડો.અમીત વિગ અને જનરલ હેલ્થ સર્વિસીસના ડિરેક્ટર ડો.સુનિલ કુમારે ANI પ્લેટફોર્મ પરથી કોરોના વાયરસ સાથે જોડાયેલી સમસ્યાઓ પર વાત કરી હતી.

એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, કોરોના વાયરસની હાલની સ્થિતિમાં જનતા પેનિક છે. લોકોએ ઘરમાં ઇન્જેક્શન, સિલિન્ડર રાખવાના શરૂ કરી દીધા, જેથી કમી થઈ રહી છે. કોરોના હવે એક સામાન્ય સંક્રમણ થઈ ગયુ છે. 85-90 ટકા લોકોમાં સામાન્ય, તાવ, ઉધરસ થાય છે. તેમાં ઓક્સિજન, રેમડેસિવિરની જરૂર નથી.

આરોગ્ય સેવા નિયામક સુનિલ કુમારે કહ્યું કે, રસીને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. જો કે, રસીને લઈ કોઈ ગંભીર આડઅસરો નથી, જે છે તેને અવગણી શકાય તેવી છે. રસી અને કોવિડ સંબંધિત વ્યવહાર, બંને વસ્તુ એવી છે કે, જેમની સંક્રમણની ચેન તોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે કહ્યુ કે, મહત્વપૂર્ણ વાત એ છે કે માત્ર કેટલીક સમાચાર ચેનલ જુઓ. એક વોટ્સએપ યુનિવર્સિટી ચાલી રહી છે. તેના પર ધ્યાન ન આપો. દેશના જવાબદાર નાગરિકના વ્યવહારનું પાલન કરો. આ વ્યવહારનું તમારે, ડોક્ટરો, સમાજના અન્ય વર્ગોની સાથે-સાથે મીડિયાએ પણ પાલન કરવું પડશે.

ડો. ગુલેરિયાએ આગળ કહ્યુ કે, જે દર્દી ઘર પર છે અને જેનું ઓક્સિજન સેચુરેશન 94થી વધુ છે તેને રેમડેસિવિરની જરૂર નથી. જો આવી સ્થિતિમાં તમે રેમડેસિવિર દવા લો છો તો તમને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં રેમડેસિવિર લેવાથી ફાયદો ઓછો અને નુકસાન વધુ થશે. ડો. નરેશ ત્રેહને કહ્યુ કે, આપણા સ્ટીલ પ્લાન્ટની ઓક્સિજનની ખુબ ક્ષમતા છે પરંતુ તેને ટ્રાન્સપોર્ટ માટે ક્રાયો ટેન્કની જરૂર હોય છે, જેની સંખ્યા એટલી નથી. પરંતુ કેન્દ્ર સરકારે તેની આયાત કરી છે. આશા છે કે આવનારા પાંચથી સાત દિવસમાં સ્થિતિ કાબુમાં આવી જશે.

ડો.વિગે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ અધિકારીઓએ સંક્રમણના દર પર નજર રાખવી જોઇએ અને તેને 1 થી 5 ટકાની વચ્ચે રાખવા પ્રયાસ કરવો જોઇએ. મુંબઈમાં પોઝિટિવિટી દર 26 ટકા હતો, પરંતુ તે પ્રતિબંધો પછી ધીમે-ધીમે નીચો આવી ગયો છે અને તે 14 ટકા પર આવી ગયો છે. દિલ્હી હાલમાં 30 ટકા પોઝિટિવ રેટ પર સંઘર્ષ કરી રહ્યું છે. સંક્રમણ અટકાવવા માટે આપણે કડક નિયંત્રણો લગાવવા જ પડશે.