દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

અંધશ્રદ્ધા અને કેટલીક નકામી પરંપરાઓ કેવી રીતે ચાલી આવે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ વાર્તામાં તમને સમજાશે, વાંચવાનું ભૂલતા નહીં

આપણો દેશ ધાર્મિક દેશ છે ધાર્મિક દેશ હોવાના કારણે કેટલીક પરંપરાઓ અને રીતિ રીવાજોમાં પણ આપણે માનીએ છીએ, ઘણી  અંધશ્રદ્ધા અને નકામા રીતિ રિવાજોને પણ આપણે હવે તો પરંપરાના રૂપમાં જ સ્વીકારીને આગળ વધવાનું ચાલુ કર્યું છે, કેટલાક કામો કરવાથી શુકન થાય અને કેટલાક કામો કરવાથી અપશુકન થાય એવું આજના આધુનિક સમયમાં પણ આપણે માનતા આવીએ છીએ.

Image Source

વર્ષોથી ચાલી આવતી આ રીત માટે આપણા મનમાં ક્યારેય એવો પ્રશ્ન નથી આવ્યો કે આ બધું કેવી રીતે શરૂ થયું? અને કોને કહ્યું હશે? કદાચ એવો પ્રશ્ન આવ્યો હશે તો પણ એનો ઉત્તર આજસુધી આપણને મળ્યો પણ નહિ હોય, પરંતુ આજે હું તમને એક વાર્તા દ્વારા જ એ વાત સમજાવીશ.

Image Source

એક આશ્રમમાં એક સંત મહાત્મા રહેતા, તેમની પાસે વિદ્યા ગ્રહણ કરવા માટે દૂર દૂરથી શિષ્યો આવતા, રાજાના સંતાનો પણ તેમની પાસે વિદ્યા ગ્રહણ કરવા માટે આવતા હતા. સાધુનો આશ્રમ જંગલની વચ્ચે એક કુદરતી વાતાવરણમાં હતો, આશ્રમનું વાતાવરણ મન મોહક હતું.

એક દિવસ એક બિલાડીનું બચ્ચું રસ્તો ભૂલી અને પાસેના ગામમાંથી નીકળી આશ્રમમાં આવી ગયું. સાધુ એ તેને ખુબ જ પ્રેમથી આશ્રમમાં આશરો આપ્યો, તે ભૂખ્યું જણાતા તેને દૂધ પણ પીવડાવ્યું, એ બચ્ચાને પણ આશ્રમમાં ગમવા લાગ્યું હતું, તેથી તે પણ આશ્રમમાં જ રહેવા લાગ્યું. બિલાડીના બચ્ચાને સાધુ માટે હેત ઉભરાતું, સાધુને પણ તે ખુબ જ ગમતું તેથી તે હંમેશા સાધુની આસપાસ જ રહેતું, સાધુ તેને લાડ પ્રેમ કરાવતા, પરંતુ સાધુ જયારે સાંજે ધ્યાનમાં બેસતા ત્યારે તે બચ્ચું તેમના ખોળામાં બેસી જાય, તેમના માથા ઉપર ચઢી જાય, ખભે બેસી જાય. જેના કારણે સાધુનું મન ધ્યાનમાં લાગતું નહિ.

Image Source

થોડા દિવસ તો સાધુએ આ બાબતે કઈ વિચાર્યું નહિ પરંતુ તેમનું રોજનું ધ્યાન ભંગ થતું હોવાના કારણે તેમને એક ઉપાય કર્યો, તેમને તેમના શિષ્યોને કહ્યું કે “તેઓ જયારે ધ્યાનમાં બેસે ત્યારે એ બિલાડીના બચ્ચાને આશ્રમની બહાર એક વૃક્ષ પાસે બાંધી દેવું.” શિષ્યો પણ ગુરુજીનો આદેશ પાળવા લાગ્યા, જયારે જયારે સાધુ ધ્યાનમાં બેસે ત્યારે ત્યારે એ બચ્ચાને ઝાડ સાથે બાંધવામાં આવતું.

હવે તો તે બચ્ચામાંથી બિલાડી પણ બની ગઈ છતાં તેને ઝાડ સાથે બાંધવાનો નિત્યક્રમ ચાલુ જ રહ્યો, શિષ્યો પણ બદલાતા ગયા, નવા આવનાર શિષ્યોને જૂનો શિષ્યો આશ્રમના બીજા નિયમો સાથે બિલાડીના બચ્ચાને બાંધવાનો સમય અને નિયમ પણ સમજાવતા, આથી હવે તો તે એક પરંપરા બની ગઈ.

Image Source

એક દિવસ સાધુ ધમગમન થયા, સાધુની ગાદી તેમના જ એક માનીતા શિષ્યએ ધારણ કરી, નવા સાધુ પણ જયારે સાંજે ધ્યાનમાં બેસે ત્યારે પણ બિલાડીને બાંધવાનો નિત્યકર્મ ચાલુ જ હતો. સમય વીતતો ગયો અને એક દિવસ તે બિલાડી પણ મૃત્યુ પામી. નવા સાધુનું મન ધ્યાનમાં લાગે નહિ, તેથી આશ્રમના શિષ્યોએ ભેગા થઇ અને એક બિલાડી લાવવાનું આયોજન કર્યું.

આસપાસના ગામમાં ફરી અને શિષ્યો બિલાડી શોધી લાવ્યા, તેને પણ નિત્યક્ર્મની જેમ જ આંજે જયારે સાધુ ધ્યાનમાં બેસે ત્યારે ઝાડ સાથે બાંધી દેવામાં આવતી. સાધુનું પણ ધ્યાનમાં મન લાગવા લાગ્યું.

Image Source

વર્ષો સુધી આજ પરંપરા ચાલુ રહી, ઘણા સાધુઓ બદલાઈ ગયા અને ઘણી જ બિલાડીઓ પણ મૃત્યુ પામી તે છતાં પણ આશ્રમનો એ નિયમ ચાલતો જ રહ્યો. હવે તો આશ્રમનો તે એક નિયમ બની ગયો હતો.

મૂળ જે સાધુએ બિલાડીને બાંધવા માટેનું કારણ બતાવ્યું હતું તે તો વિસરાઈ ગયું અને જન્મ લઇ લીધો એક નવી અંધશ્રદ્ધાએ. આમ જ આપણા સમાજમાં પણ ઘણી એવી બાબતો છે જેની પાછળનું મૂળ કારણ તો ક્યાંય વિસરાઈ ગયું પરંતુ તેને જ એક નિયમ અને અંધશ્રદ્ધા બનાવી આજે પણ માનવામાં આવે છે.

Image Source

એક ઉદાહરણ આપું તો પહેલાના સમયમાં લાઈટ નહોતી, જેના કારણે સાંજે ઘરમાં કચરો વાળવામાં નહોતો આવતો, જેને લોકોએ અપશુકન સાથે જોડી દીધુ અને આજે પણ લોકો એમ જ માને છે કે સાંજે કચરો વાળવાથી ઘરની લક્ષ્મી ચાલી જાય છે.

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team