આ બે શુભ સંયોગ સાથે શ્રાવણનો પ્રારંભ, ભોળાનાથના આશિર્વાદ મેળવવા આ રીતે કરો પહેલા દિવસે પૂજા

ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનાની શરૂઆત બે શુભ સંયોગ સાથે થઈ છે. હવે આવતા એક મહિના સુધી ભગવાન શંકર પોતાના ભક્તો પર કૃપા વરસાવશે. શ્રાવણ મહિનામાં ભગવાન શંકર આશિર્વાદ આપવા સાક્ષાત કૈલાસ પર્વત પરથી ઉતરી આવે છે. શિવ મંદિરમાં ભોળાનાથના નાદ ગુંજે છે. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી શિવાલયોનું વાતાવરણ શિવય બની જાય છે.

આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત વિષ્કુંભ અને પ્રીતિ યોગ સાથે થઈ છે. આ યોગમાં જન્મ લેનાર જાતક પરમ ભાગ્યશાળી હોય છે. આવા જાતકો જીવનમાં ધન,વૈભવ અને સુખોનો લાભ ઉઠાવે છે. શ્રાવણમાં આ યોગમાં રુદ્રાભિષેક કરવાથી દુખ દૂર થાય છે. મહાદેવની કૃપાથી અધૂરા કામો પૂર્ણ થાય છે.

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે પહેલા દિવસે શિવલિંગ પર સવારે જળ અને બિલી પત્ર ચઢાવો. શિવલિંગ પર દૂધનો અભિષેક કરો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે તાંબાના પાત્રથી દૂધ અર્પણ ન કરો. શિવ પંચાક્ષર સ્ત્રોત્રનો જાપ કરો. પૂજા બાદ જલપાન કે ફળાહાર કરો. રુદ્રાક્ષ ધારણ કરવા માટે શ્રાવણ મહિનો સૌથી યોગ્ય છે.

પૌરાણીક કથા અનુસાર શ્રાવણ મહિનામાં સમુદ્ર મંથન થયું હતું. સૃષ્ટિની રક્ષા માટે મંથનમાંથી નિકળેલા કાલકૂટ ઝેરને ભગવાન શંકર પી ગયા હતા. તેથી તેમનો કંઠ નીલો (વાદળી) થઈ ગયો હતો. ત્યારથી ભગવાન શંકરનું નામ નીલકંઠ પડી ગયું. બધા દેવી દેવતાઓએ ભગવાન શીવજીને રાહત પહોંચાડવા અને ઝેરના પ્રભાવને ઓછો કરવા ભગવાન શંકર પર શિતળ જળનો અભિષેક કર્યો. ત્યારથી શિવજીને શિતળ જલ બહુ પ્રિય છે અને તેથી જ શ્રાવણ મહિનામાં ભગવાન શંકરના ભક્તો શિવલિંગ પર જળાભિષેક કરે છે.

એવું કહેવાય છે કે ભગવાન શંકરના પત્ની દેવી સતીએ ભગવાન શંકરને દરેક જન્મમાં મેળવવા તપ કર્યું હતું. માતા સતીનો બીજો જન્મ પાર્વતીના રૂપમાં થયો હતો. દેવી પાર્વતીએ ભગવાન શંકરને પોતાના પતિના રૂપમાં મેળવવા શ્રાવણ મહિનમાં આકરુ તપ કર્યું હતું. એવું કહેવાય છે કે ભગવાન શંકરે આ જ મહિનામાં દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. તેથી ભગવાન શંકરને શ્રાવણ મહિનો બહુ પ્રિય છે. શ્રાવણમાં સોમવારનું વર્ત, ઉપાસના અને કથાનો આગવું મહત્વનું છે.

YC