દિવાળીના તહેવારો ચાલુ થઈ ગયા હતા. ધનતેરસનો દિવસ હતો. રાત્રિના નવ વાગ્યા હતા પણ તહેવારોનો સમય હોવાથી શહેરમાં ખુબ ભીડ હતી. લોકો ખરીદી કરી રહ્યા હતા.

એમ.દશૌની નામનો એ યુવક ઓફિસમાંથી નીકળવાની તૈયારીમાં હતો. દિવાળીના તહેવારો મનાવવા એને પોતાના ઘરે લખનઉ જવાનું હતું. ઓફિસનો આજે છેલ્લો દિવસ હતો. નવેક વાગ્યાના સુમારે ઓફિસ પરથી તે છૂટ્યો અને પોતાની કાર સ્ટાર્ટ કરી.
બે-ત્રણ કિલોમીટર એની કાર માંડ ચાલી હશે ત્યાં આગળ રસ્તા વચ્ચે કંઈક બન્યું હોય તેવું લાગ્યું. મોટરસાઇકલો અને લોકોએ ટ્રાફિકજામ સર્જી દીધો હતો. કોઈકનું એક્સિડેન્ટ થયું હોય તેવું લાગતું હતું. બાકી રસ્તા વચ્ચે ભીડ શા માટે એકઠી થાય? ઘણીવાર સુધી આ જ પરિસ્થિતી રહી. કાર આગળ ચાલી જ નહી. આથી નીચે ઉતરીને તે યુવાને શું બન્યું છે તે જોવા જવાનું વિચાર્યું.

ભીડમાંથી માર્ગ કરીને દસ-પંદર ડગલાં આગળ વધ્યો પછી તેણે જોયું તો, એક આધેડ ઉંમરની બાઈ રસ્તા વચ્ચે બેભાન હાલતમાં પડી હતી. એનાં શરીરમાંથી નીકળેલાં લોહીથી રસ્તો રક્તભીનો બન્યો હતો. સ્ત્રીની આજુબાજુ માટીનાં કોડિયાં પણ વેરાયેલાં પડ્યાં હતાં. આ બાઈ દિવાળીના પરબે કોડિયાં વેંચવા નીકળી હતી અને કોઈક વાહનચાલકની ઠોકર ખાઈને રોડ વચ્ચે નિ:સહાય પડી હતી.
લગભગ ૪૦ જેટલા લોકોનું ટોળું ત્યાં હતું. ઘડીભર બધાએ તે સ્ત્રીની હાલત પર દયાભાવ બતાવતાં વાક્યો ઉચાર્યાં અને પછી આવું કરતૂત કરનાર વાહનચાલકને ગાળો ભાંડતા બધા આઘાપાછા થવા માંડ્યા. પેલો યુવક પણ મનમાં ‘કોઈને કંઈ નહી તો આપણે શું?’ બબડીને પોતાની કારમાં બેઠો.
કાર લઈને તે જેવો રસ્તા વચ્ચે પડેલી સ્ત્રી પાસેથી પસાર થયો કે અનાયાસે જ તેની નજર તેના પર પડી. અચાનક તેણે ગાડી રોકી જ દીધી. હજુ પણ ત્યાં અમુક લોકો ઊભા હતા. એક-બે માણસોને તેણે કહ્યું કે, આ બાઈને ઉપાડવા લાગો તો મારી ગાડીમાં તેને જિલ્લાનાં સરકારી દવાખાને પહોંચાડી દઉં! તેની વાત પર અમુક લોકોએ અણગમો દર્શાવ્યો : “આ બાઈ તમારી કોઈ સગી થાય છે? તો પછી શું કામ પારકી પડોજણમાં પડો છો, સાહેબ? વળી, આ જીવે છે કે નહી એ પણ ખબર નથી!”

પણ એ ના માન્યો. આખરે એકાદ વ્યક્તિની મદદથી તેણે સ્ત્રીને ઉપાડીને કારની પાછલી સીટ પર સૂવાડી. ઝડપથી તેણે કાર સ્ટાર્ટ કરી અને જિલ્લા અસ્પતાલે લઈ આવ્યો. અહીં પણ કોઈ ઇમરજન્સી ડોક્ટર મોજૂદ નહોતા. બાઈનો શ્વાસ ચાલતો હતો એ ધરપત હતી. તેને માથામાં ઈજા થઈ હતી અને ઘણું લોહી વહી ગયું હતું.
થોડીવારમાં ડોક્ટર આવ્યા અને બાઈને ઇમરજન્સી રૂમમાં સારવાર હેઠળ લીધી. એ યુવક બહાર બેઠો. થોડો સમય વીત્યો અને વોર્ડબોય આવ્યો. આવીને તેણે એ યુવકને કહ્યું કે, “સમયસર પહોંચી ગયા એટલે બહુ વાંધો નહી આવે. દર્દીના કોઈ સ્વજનને ફોન કરીને તેડાવી લો.”
હવે સ્વજનને ક્યાં ગોતવા? યુવાને વોર્ડબોયને આખી વાત કહી સંભળાવી. વોર્ડબોય પણ તેને પ્રશંસાભરી નજરે જોઈ રહ્યો અને કહી ઉઠ્યો કે, “તમે આ સ્ત્રીની જિંદગી બચાવી લીધી!”
યુવાને વોર્ડબોયના હાથમાં ૩૦૦૦ રૂપિયા મૂક્યા અને કહ્યું કે, “એ બાઈ ભાનમાં આવે એટલે આમાંથી ૨૫૦૦ રૂપિયા એને આપી દેજે અને ૫૦૦ તું રાખજે. કંઈ કામ હોય તો આ મારા નંબર પર ફોન કરી દેજે.”

પછી એ યુવાન નીકળ્યો. તેણે પોતાની દિવાળી સુધારી લીધી હતી!
પ્રસંગ સત્યઘટનાનો છે.
આર્ટિકલ પસંદ પડ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.