“દિવ્યાંગની દિલચસ્પ દાસ્તાન-અજીત પંચાલ” વાંચો સત્ય ઘટના અસલી હીરો વિશે – મુકેશ સોજીત્રાની કલમે

0

જયારે હું પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યારે એક પાઠ આવતો હતો. જેનું નામ “અપંગના ઓજસ”. પાઠ વાંચતી વખતે વોલ્ટર ડેવિસ મારા મગજમાં સજીવન થતો. અત્યારે પણ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આ પાઠ ભણાવવામાં આવે છે. પણ આપ સહુને નવાઈ લાગશે કે એક વોલ્ટર ડેવિસ જેવું એક સાવ સાચુકલું પાત્ર આપણા ગુજરાતમાં છે. એમની સિદ્ધિઓ પણ કઈ નાનીસુની તો નથી જ!! શારીરિક રીતે અસહાય પણ માનસિક રીતે મક્કમ મનોબળ વાળો એક યુવાન શું કરી શકે એની વાત મારે તમને આજે કરવી છે. ચૂંટણીમય માહોલમાં બળતરાવાળી ઘટનાઓ બહુ સાંભળી પણ આજે સાંભળીયે એક અંતરને તાજગી આપતી વાત!! એક દિવ્યાંગની દિલચસ્પ દાસ્તાન!!સમય છે ૨૦૧૪નો!!
ત્રણ મિત્રો આબુ ફરવા જાય છે. અંકિત ચૌધરી , સારંગ ચૌધરી અને અજીત પંચાલ!! અજીત પંચાલ બીઈ ઈલેક્ટ્રીકલ એન્જીનીરીંગના છટ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરે!! યુવાનીના એ દિવસો.. મનમાં અનેક તરંગો ઉઠતા. ડીગ્રી મળી જાય પછી નોકરી!! પછી સંસારનું સુખ!!અજીતભાઈ પંચાલના પિતાજીનું નામ અમૃતભાઈ પંચાલ ઉમર ૫૨ વરસ માતાજીનું નામ મધુબેન ઉમર વરસ ૪૯ વરસ એક મોટોભાઈ યોગેશભાઈ એ ડીગ્રી એન્જીનીયર!! મધ્યમવર્ગીય પરિવાર સુખેથી જીવતો હતો.માઉન્ટ આબુથી નીચે ઉતરતા હતા ત્યાં અચાનક જ કારનું ટાયર ફાટ્યું!! બે મિત્રો આગળ હતા અને અજીત પંચાલ કારમાં પાછળ બેઠા હતા. કાર રસ્તો છાંડી ગઈ અને ખીણમાં ઉતરી ગઈ. નીચે એક ઝાડમાં અટવાઈ. કારની ડીકી ખુલી ગઈ અને અજીતભાઈ નીચે સાઈંઠ ફૂટ ઊંડી ખીણમાં પટકાયા અને આંખે અંધારા આવી ગયા. કારની આગળ સાઈડ બેઠેલા બને મિત્રો કારમાંથી ઝાડ પર આવ્યાં અને બચાવો બચાવો ની બુમો પાડવા લાગ્યા. રસ્તા ઉપરથી પસાર થતા માણસો પણ મદદે આવ્યા. ઝાડને પકડી પકડીને ભેખડના સહારે બધાએ નીચે ઉતરીને અજીતભાઈ ને ઉપર લાવ્યા. માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પીટલમાં અજીતભાઈને દાખલ કર્યા. માથા પર સખત ઈજા થઇ હતી. માથા પર ટાંકા લેવામાં આવ્યા. કેડના ભાગમાં અસહ્ય દુઃખાવો થતો હતો. ગ્લોબલ હોસ્પીટલના ડોકટરોએ કીધું કે કેડમાં કદાચમેજર ઇન્જરી હોઈ શકે કોઈ મોટી હોસ્પીટલમાં દર્દીને શિફ્ટ કરો.ભાઈ બીજનો દિવસ હતો.પંચાલ પરિવાર આ એક્સીડેન્ટથી સાવ અજાણ હતો.તાત્કાલિક અજીતભાઈને અમદાવાદ લાવવામાં આવ્યા અને પરિવારને મિત્રોએ જાણ કરી. “અજીતભાઈને એક્સીડેન્ટ થયો છે તમે અમદાવાદ આવો” અજીતભાઈના મમ્મી પાપા અમદાવાદ દોડી આવ્યા. દીકરાના અકસ્માતના સમાચાર કોઈ પણ મા બાપને મળે એટલે એ સાન ભાન ગુમાવી બેસે એ સ્વાભાવિક છે. ઘરે હતા એટલા વીસ હજાર રૂપિયા લઈને અમૃતભાઈ હોસ્પીટલે પહોંચ્યા. પણ હોસ્પિટલવાળાએ ખરે ટાંકણે રોન કાઢી.“ઓપરેશન કરવું પડશે. એક લાખ જમા કરાવો પછી જ દર્દીને ઓપરેશન થીયેટરમાં લઇ જવાશે ત્યાં સુધી નહિ” આખો પરિવાર મૂંઝાઈ ગયો હવે તાત્કાલિક શું કરવું એની ગડમથલમાં આખો પરિવાર ગરકાવ થઇ ગયો.
અચાનક જ અમૃતભાઈને બનાસકાંઠા ડેરીના મેનેજીંગ ડીરેકટર અને એ વખતે આણંદ ખાતે એનડીડીબીમાં મોટુ પદ સંભાળતા સંગ્રામભાઇ ચૌધરી યાદ આવ્યા. સંગ્રામભાઇ ચૌધરી બનાસ ડેરીમાં હતા ત્યારે અમૃતભાઈ તેની કાર ચલાવતા હતા. પણ સગા ભાઈથી વિશેષ તેનું ધ્યાન રાખતા હતા.

“તમે ચિંતા ન કરો હું અત્યારે જ નીકળું છું” સંગ્રામભાઇ રાતોરાત ચાર વાગ્યે અમદાવાદ આવ્યા. પંચાલ પરિવારના સગા સંબંધી પણ આવી પહોચ્યા. એ હોસ્પીટલમાંથી રજા લઈને બીજી એક હોસ્પિટલ “સવ્ય સ્વાઈન હોસ્પિટલ”માં અજીતભાઈને દાખલ કર્યા. ત્યાં ડોકટર ભરતભાઈ અને ડોકટર અજય કૃષ્ણન બધા જ રીપોર્ટસ અને જરૂરી ચેક અપ કરીને કીધું.“ ઈજા ગંભીર છે. મણકા તૂટી ગયા છે બે સળિયા અને બાર સ્ક્રુ નાંખવા પડશે.ઓપરેશન સફળ થશે તો પણ આ વ્યક્તિ આજીવન હલન ચલન કરી શકશે નહિ. ચાલી શકશે નહિ. નીચેનું આખું અંગ જ ખોટું પડી ગયું છે”
ઓપરેશન કરવામાં આવ્યું. અજીતભાઈના શરીરમાં બે મોટા સળિયા અને બાર જેટલા સ્ક્રુ ફીટ કરવામાં આવ્યા. હવેની આખી જિંદગી વ્હીલચેરમાં કાઢવાની હતી.સહુ નિરાશામાં ગરકાવ હતા. જગાણા ગામથી શુભ ચિંતકોના ટોળે ટોળા હોસ્પીટલમાં ખબર અંતર પૂછવા માટે આવવા લાગ્યા. પાંચ દિવસ હોસ્પીટલે રાખીને પછી એને રજા આપવામાં આવી. સંગ્રામભાઇ ચૌધરીએ આવી પડેલ વિપતિમાં પંચાલ પરિવાર ની પડખે ઉભા રહ્યા.ઘરે આવીને ફીઝીયોથેરાપીસ્ટની મદદથી કસરત શરુ થઇ. છાતીથી નીચેના ભાગમાં પેરાલીસીસ થઇ ગયો હોવાથી એ ભાગ સાવ સંવેદનહીન થઇ ગયો હતો. પેશાબ કે સંડાસ જવાનું હોય તોય અજીતભાઈને કશી જ ખબર ના પડે. દર બે કલાકે નળી દ્વારા પેશાબ કરાવવાનો અને એજ પ્રક્રિયા મળ ત્યાગ માટે કરવાની. માતા પિતા ની સેવા તો શરુ જ હતી પણ એના મિત્રોએ રંગ રાખ્યો.સાચી મિત્રતા શું કહેવાય એ અજીતભાઈના મિત્રોએ બતાવી આપ્યું. મને ફોન પર વાત કરતા કરતા અજીતભાઈ ગળગળા થઈને કહ્યું.“મુકેશભાઈ મારાથી ચાલી ન શકાય મારા મિત્રો નરેશભાઈ, પાર્થભાઈ, ગીરીશભાઈ મને તેડી તેડીને બહાર લઇ જતા. મને બાથરૂમમાં લઇ જાય. ઘરે હું કંટાળી ન જાવ એ માટે એ મને બહાર લઇ જતા. અને એ પણ હસતાં હસતાં!! કંટાળાની એક પણ રેખા ચહેરા પર લાવ્યા વગર મારા મિત્રો રાત દિવસ મારી પથારીની આજુબાજુ ખડે પગે રહેતા. મારા મિત્રોએ મારી જે સેવા કરી છે એ કોઈ ન કરી શકે. બસ આ મિત્રો અને મારા માતા પિતાના આશીર્વાદથી મને જીવવાનું નવું બળ મળ્યું છે.”
હવે અજીતને આગળ અભ્યાસ કરવાની ઈચ્છા જ નહોતી તેમ છતાં તલાટીની પરીક્ષા એણે સારા ગુણે પાસ કરી પણ સિવિલ સર્જન ડોકટરનું અપંગતા નેવું ટકાનું પ્રમાણ પત્ર નોકરીની આડે આવ્યું. નેવું ટકા અપંગ શરીર નોકરીને લાયક નથી એટલે સરકારી નોકરી તો ના મળી પણ અજીતભાઈનું મન વિચારે ચડી ગયું. એવામાં સોશ્યલ મીડિયાના માધ્યમોથી ખ્યાલ આવ્યો કે આવા દિવ્યાંગ લોકો માટે પેરા રમતોત્સવનું આયોજના થાય છે. ખેલ મહાકુંભમાં અજિતભાઈએ ભાગ લીધો. તાલુકા લેવલે અને જીલ્લા લેવલે તો એ મેડલ જીતી લાવ્યા પણ રાજ્ય લેવલે એને જ્યારે મેડલ મળ્યા ત્યારે એનું મન એક ચૂકાસ દિશામાં આકાર લઇ રહ્યું હતું. ૨૦૧૭ અને ૨૦૧૮ માં નેશનલ લેવલે એ ત્રણ રમતોમાં મેડલ લઇ આવ્યા અને વિશ્વ લેવલે એની પસંદગી થઇ!!

ચાઈનામાં બેજીંગમાં યોજાયેલ પેરા ચેમ્પીયનશીપમાં કે જેમાં તેની સામે ૧૭ દેશોના સ્પર્ધકો હતા એમાં એમણે ચક્રફેંક અને ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ લઇ આવ્યા!! વિદેશની ધરતી પર ભારત દેશનું નામ રોશન કર્યું.ડોકટરોએ કહી દીધેલું કે આ વ્યક્તિ પોતે ચાલી નહિ શકે.. વાત પણ સાચી જ હતી પણ વ્હીલચેરમાં બેઠા બેઠા દીવ્યાંગો માટેના સહુથી મોટા રમતોત્સવ એવા પેરા ચેમ્પિયનશીપમાં માં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવું અને દેશને માટે બે ગોલ્ડ મેડલ લાવવા એ નાની સુની વાત તો નથી જ. આ સિદ્ધિ કાઈ એમ ને એમ તો નહિ જ મળી હોય!! મહિનાઓ સુધી એણે કઠીન પરિશ્રમ કર્યો છે. વળી અરધું જ શરીરને!! ભલે શરીર અરધું જ કામ કરતુ હતું પણ હિમત તો એની બમણી હતી ને!! મનોબળ ચાર ગણું હતું એટલે જ અત્યારે આ સિદ્ધિને પામી ચુક્યા છે!!

કઠીન પરિસ્થિતિમાં પણ માણસ ધારે તો પોતાનો અલગ જ મારગ કંડારી શકે છે એ અજીતભાઈ પંચાલે સિદ્ધ કરી દીધું. અજીતભાઈને તેમની આ સિદ્ધિ બદલ અભિનદન!! પણ ખાસ અભિનંદન તો એના મિત્રોને પણ આપવા રહ્યા કે મિત્ર એટલે શું એ એ લોકોએ બતાવી આપ્યું.

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.
મુપો ઢસા ગામ તા. ગઢડા જી . બોટાદ પીન ૩૬૪૭૩૦Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.