કચ્છના લખપત અને અબડાસામાં 6 જ દિવસમાં 10થી વધુના મોત…મચી ગયો હાહાકાર

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં 6 દિવસમાં જ 10થી વધુના શંકાસ્પદ મોત થયા છે, જે બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. તાવ-શરદી-ઉધરસ અને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ તેમજ મલ્ટિ ઓર્ગન ફેઇલ્યોર બાદ દર્દીનું મોત નીપજ્યુ. જો કે, મામલાની ગંભીરતા ધ્યાને લઇ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાં 25 ટીમો ઉતારી ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા અને સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે.

આ ભેદી બીમારીથી મોતને પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા કચ્છ જવા રવાના થયા હતા. તેઓ લખપત અને અબડાસામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને પગલે સ્થળ વિઝિટ કરશે અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સાથે આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા બેઠક પણ કરશે. આ ઘટનાને લઇ જિલ્લા કલેક્ટરે માહિતી આપતા કહ્યુ કે ગુજરાત સરકારની અને સ્થાનિક ટીમ આ ઘટનાને લઇ તપાસ કરી રહી છે.

તપાસની કામગીરી વચ્ચે વધુ બે લોકોના મોત નિપજ્યા. લખપતમાં અત્યાર સુધી 14 લોકોના મોત થઇ ચૂક્યા છે. મેડી ગામની મહિલા અને વધુ એક વ્યક્તિ સહિત 2ના મોત ગત રોજ નિપજ્યા હતા. કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી અનુસાર, બીમારીનાં લક્ષ્ણોમાં ખાસ શ્વાસ લેવામાં તકલીફ, છેલ્લે મરણનું કારણ આવે ત્યારે એઆરડીએસ આવે છે અને એની સાથે મલ્ટિપલ ઓર્ગન ફેઇલ. આ ભેદી રોગની ઇફેક્ટ લખપતના ચાર અને અબડાસાનાં બે ગામોમાં ખાસ છે.

Shah Jina