કૌશલ બારડ લેખકની કલમે

અતૂટ પ્રેમની અદ્ભુત સત્યઘટના : કેદારનાથની હોનારતમાં ગૂમ થયેલી પત્નીને શોધવા ગજેન્દ્રસિંહે આકાશપાતાળ એક કરી દીધું!

રાજસ્થાનના અલવરમાં એક સામાન્ય સ્થિતી ધરાવતો પરિવાર રહેતો. ૪૫ વર્ષના વિજેન્દ્રસિંહ રાઠોડ એક ટ્રાવેલ્સ એજન્સીમાં કામ કરતા. ઇ.સ.૨૦૧૩ની વાત છે. તેમની પત્ની લીલાએ જીદ પકડી કે, મને એકવાર કેદારનાથનાં દર્શન કરાવો! એ સમય દરમિયાન કેદારનાથ માટેની એક યાત્રા વિજેન્દ્રસિંહ કામ કરતા એ ટ્રાવેલ એજન્સીમાંથી જઈ રહી હતી. બંને જણા ટ્રાવેલ્સમાં કેદારનાથ જવા રવાના થયા.

લૂંટાઈ ગયો મારો લાડખજાનો!:
૨૦૧૩ના જૂન મહિનામાં કેદારનાથમાં થયેલી હોનારતને તો આજે પણ કોણ ભૂલી શક્યું છે? મૂશળધાર વરસાદને પરિણામે થયેલા ભૂસ્ખલનને લીધે અને ગ્લેશિયરમાંથી વહેતી નદીનું પાણી આખા કેદારક્ષેત્રમાં ફરી વળવાને કારણે જે મોતનું તાંડવ સર્જાયેલું એમાં હજારો લોકોએ પોતાના સ્વજનો ખોયાં છે.

વિજેન્દ્ર સિંહ અને તેમની પત્ની લીલા કેદારનાથ નજીક એક હોટલમાં રોકાયા હતા. એ વખતે લીલા હોટલમાં હતી અને વિજેન્દ્રસિંહ બહાર ગયેલા. બરાબર એ જ વખતે પહાડીઓ પરથી અગણિત જથ્થામાં ધોધમાર પાણી ધસી આવ્યું. ચારેતરફ હો-હા થઈ ઊઠી. થોડી જ વાર થઈ અને જાણે કશું બચ્યું નહી એવું લાગવા માંડ્યું. લાંબા સમય સુધી આ ભિષણ હોનારત ચાલુ રહી.

વિજેન્દ્રસિંહે માંડમાંડ પોતાનો જીવ બચાવ્યો. એને પોતાની પત્નીની ચિંતા કોરી ખાવા લાગી. પાણીનું વહેણ થોડું શાંત થયું એટલે ગાંડાની જેમ તેણે હોટલ ભણી દોટ દીધી. પણ ત્યાં હતું જ શું? કંઈ નહી! વિકરાળ જળસ્ત્રોત પોતાની સાથે બધું લઈ ગયો હતો. ખરેખર, ત્યાં કંઈ નહોતું!

Image Source

મારી લીલા જીવે છે!:
આ દ્રશ્ય વિજેન્દ્રસિંહથી જોયું ન ગયું. એનું માથું ભમવા લાગ્યું. પણ અંતરના ઉંડાણમાંથી એક સૂર ઉઠતો હતો : તેની લીલા જીવે છે! કોઈપણ માણસ તર્ક લગાવી શકે કે, તેની પત્ની હવે જીવતી હોય એ માત્ર કલ્પનાની જ વાત હતી. પણ વિજેન્દ્રસિંહ એવું દ્રઢપૂર્વક માનતા થયા કે લીલા જીવે છે!

લીલાને ભાળી છે કોઈએ?:
વિજેન્દ્રસિંહની પાસે લીલાની એક તસ્વીર હતી, જે તેમનાં પાકીટમાં રહેતી. આ તસ્વીર હાથમાં લઈને તે ફરવા માંડ્યા. જે કોઈ મળે તેને પૂછતા, “ભાઈ, આ ફોટોમાં દેખાય છે એ સ્ત્રીને જોઈ છે ક્યાંય?” જવાબ નકારમાં આવતો. “બહેન-માજી! આ બાઈને જોઈ છે ક્યાંય?” માજી આંખની છાજલી કરીને ફોટો જોતા અને પછી ડોકું ધૂણાવી દેતાં!

“અલ્યા, કોઈએ મારી લીલાને જોઈ છે ખરી?”

પણ કોઈએ ભાળી હોય તો જવાબ આપે ને! ફરીને ગજેન્દ્રસિંહની નજર ત્રિલોકનાથ શંકર ભણી જતી. એને વિશ્વાસ આવતો કે, હો ન હો…પણ મારી લીલા જીવતી તો છે જ!

આમને આમ દિવસો વીતવા માંડ્યા. બેહાલ, લઘરવઘર ગજેન્દ્રસિંહ હાથમાં તસ્વીર લઈને ભટકતા જ રહ્યા. એ પછી તો અઠવાડિયાં વીત્યાં, પખવાડિયાં વીત્યાં, મહિનો પણ થવા આવ્યો. રાહત કાર્ય પૂરજોશમાં ચાલતું હતું. અનેક લોકોના સ્વજનો આ હોનારતમાં ખોવાયાં હતાં. ઘણા લોકોએ આશા પણ મૂકી દીધેલી. આર્મીના જવાનોની મદદ સતત ચાલુ હતી.

Image Source

મૃતકની સહાય લઈ જાઓ:
વિજેન્દ્રસિંહના ઘરે સરકારી માણસનો ફોન આવ્યો. કહેવામાં આવ્યું કે, લીલાને સરકારે મૃત ઘોષિત કરી દીધેલ છે. હોનારતમાં ગૂમ થયેલા, મૃત્યુ પામેલા લોકો માટે સરકાર સહાય આપી રહી છે. સરકારી ઓફિસમાં આવીને પૈસા લઈ જાઓ!

પરિવારના લોકોએ ગજેન્દ્રસિંહને ફોન કરી કહ્યું પણ ખરું, પણ ગજેન્દ્રસિંહ માનવા તૈયાર ન થયા. તેમણે સહાય લેવાની ના પાડી દીધી. લીલા મરી જ નથી ને પણ! હવે તો તેમનાં સંતાનોએ પણ આશા છોડી દીધી હતી, સબંધીઓ પણ માની ચૂક્યાં હતાં. પણ નહોતા માનતા એક ગજેન્દ્રસિંહ! લોકોને લાગ્યું કે આ માણસ ગાંડો થઈ ગયો છે.

ઉત્તરાખંડ ખંખોળી નાખ્યું!:
સમય વીતતો ગયો. ૨૦૧૩ની સાલ પણ બદલાઈ ગઈ. વર્ષ ૨૦૧૪ આવ્યું અને એ પણ ચાલ્યું ગયું! ૧૯ મહિના વીતી ગયા. અને ગજેન્દ્રસિંહ? એ પહાડીઓ ઘૂમી વળ્યા, જંગલો ખતારી નાખ્યાં, એકેય ગામ કોરું ના રહેવા દીધું! જગત સામે આ માણસ જંગે ચડ્યો હતો : હાથમાં લીલાની તસ્વીર લઈને! પણ હજુ ક્યાંય લીલા મળી નહોતી.

આખરે લીલા મળી!:
૨૭ જાન્યુઆરી, ૨૦૧૫નો દિવસ હતો. ગંગોલી નામના એક ગામની ભાગોળે પહોંચેલા વિજેન્દ્રસિંહે હાથમાંની તસ્વીર રસ્તે જઈ રહેલા એક માણસને બતાવી, “આ બાઈને ક્યાંય જોઈ છે,ભાઈ?”

એ માણસે તસ્વીર જોઈ. ધારીને જોઈ. અને પછી બોલી ઉઠ્યો,

“અરે! આ તો એ ગાંડી બાઈનો ફોટો છે, જે અમારા ગામમાં પડી રહે છે.”

આખરે પત્તો મળ્યો, લીલાનો પત્તો મળ્યો! વિજેન્દ્રસિંહ એકદમ એ આદમીના પગમાં પડી ગયા અને તરત જ એની સાથે ગામમાં પહોંચ્યા. જઈને જોયું તો ચોરા તરફના રસ્તાની એક બાજુ લીલા બેઠી હતી! કેવી લીલા? ગંધાતો પહેરવેશ, વાળનું ઠેકાણું નહી, નિસ્તેજ જેવી આંખો અને મોં પર કોઈ પ્રકારનો ભાવ નહી! કુદરતના આવા પ્રકોપ ઝીરવીને જીવતી રહેલી એકલીઅટૂલી બાઈ ગાંડી ન થાય તો શું થાય?

ગજેન્દ્રસિંહની આંખો ચોધાર રડી પડી. ૧૯ મહિનાથી પોતાનાં હ્રદય પર રાખેલો પથ્થર આજે ખુશીની પળે ઘા થઈ ગયો. એને મંઝીલ મળી ગઈ હતી. મહાદેવે એની સબૂરીની ચરમસીમાએ આખરે સફળતા આપી હતી. પણ લીલા ગજેન્દ્રસિંહને ઓળખી ના શકી! માનસિક રીતે એ બાઈ ઠોકર ખાઈ ગઈ હતી.

Image Source

ગજેન્દ્રસિંહ લીલાને ઘરે લઈ આવ્યા. ચારેબાજુ ખુશીની લહેર દોડી ગઈ. શિવ-શંભોની મહેર થઈ ગઈ! સંતાનોએ ૧૯ મહિના પછી માતાનું મુખ જોયું હતું. આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહી રહ્યો હતો.

પ્રેમ એટલે આ! વિશ્વાસ એટલે આ! શ્રદ્ધા એટલે આ! ધમણની ધગધગતી જ્વાળા ખમીને જે લોઢું લુહારનાં ઘણે ઘડાય એમાં પછી કંઈ કહેવાપણું ના હોય. ગજેન્દ્રસિંહનો પ્રેમ આ લોઢા જેવો હતો! એમાં છીછરાપણું નહોતું, છેબછબીલાપણું નહોતું, દેહનો મોહ નહોતો, રૂપની વાત નહોતી – ઈશ્વરની સાક્ષીએ બાંધેલું અતૂટ બંધન હતું!

આર્ટિકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે લીંક શેર કરજો અને કમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો, ધન્યવાદ!
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.