દુઃખદ સમાચાર: દિગ્ગજ ફિલ્મમેકરનું થયું નિધન; લાંબા સમયથી હતા બીમાર- આખુ સિનેમા જગત શોકમાં ગરકાવ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અને દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેમણે 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા વધતી ઉંમરના કારણે ઘણા સમયથી બીમાર હતા. તેમની પુત્રી પિયા બેનેગલે ઈન્ડિયા ટુડેને આ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે એક દિવસ આવું થવાનું જ હતું. બેનેગલને ભારત સરકાર દ્વારા 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમની સફળ ફિલ્મોમાં મંથન, ઝુબૈદા અને સરદારી બેગમનો સમાવેશ થાય છે.

શ્યામ બેનેગલની આ દુનિયામાંથી વિદાય સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે. તેમણે 23 ડિસેમ્બરે સાંજે 6.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં જ તેમણે પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રી શબાના આઝમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ પાર્ટીની એક તસવીર પણ શેર કરી હતી. જેમાં શ્યામ બેનેગલ, શબાના અને નસીરુદ્દીન શાહ એકસાથે જોવા મળ્યા હતા. 14 ડિસેમ્બરે જન્મેલા ફિલ્મમેકર શ્યામ બેનેગલે 1974માં ફિલ્મ ‘અંકુર’થી દિગ્દર્શનની શરૂઆત કરી હતી.

આ ફિલ્મ સામાજિક મુદ્દાઓ પર આધારિત હતી. આ ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. આ સિવાય તેમની મહત્વની ફિલ્મોમાં ‘નિશાંત’, ‘મંથન’, ‘ભૂમિકા’ અને ‘સરદારી બેગમ’ સામેલ છે. તે જાણીતું છે કે ‘મંથન’ પહેલી ફિલ્મ હતી જે દર્શકોના આર્થિક સહયોગથી બની હતી. આ ફિલ્મ ડેયરી આંદોલન પર આધારિત હતી. તેમની ફિલ્મોની સૌથી મોટી ગુણવત્તા એ હતી કે તેઓએ સામાન્ય લોકોના જીવનની સત્યતા અને તેમના સંઘર્ષને પ્રામાણિકતા સાથે રજૂ કર્યો અને ભારતીય સિનેમાને શબાના આઝમી, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, અનંત નાગ જેવા મહાન કલાકારો પણ આપ્યા.

ફિલ્મો ઉપરાંત દૂરદર્શન પરની પ્રખ્યાત સિરિયલ ‘ભારત એક ખોજ’ અને ‘કહેતા હૈ જોકર’, ‘કથા સાગર’નું નિર્દેશન પણ શ્યામ બેનેગલે કર્યું હતું. શ્યામ બેનેગલે તેમના ગુરુ સત્યજીત રે અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર પણ ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. તેમની આત્મકથા ‘એક્ટ ઓફ લાઈફ’માં અમરીશ પુરીએ શ્યામ બેનેગલને ચાલતા-ફરતા વિશ્વકોશ તરીકે વર્ણવ્યા.

શ્યામએ કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ ઝુબૈદાનું પણ નિર્દેશન કર્યું હતું, જે અભિનેત્રીની કારકિર્દીની આઇકોનિક ફિલ્મ માનવામાં આવે છે.ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું હતું. શ્યામ બેનેગલે 1992માં ધર્મવીર ભારતીની લોકપ્રિય નવલકથા ‘સૂરજ કા સાતવાં ઘોડા’ પર આધારિત ફિલ્મ બનાવી હતી, જેને 1993માં હિન્દીમાં શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

જણાવી દઇએ કે, દિગ્ગજ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ આજે પંચતત્વમાં વિલીન થશે. ફિલ્મ નિર્માતાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પેડર રોડ પરના તેમના ઘરે રાખવામાં આવશે. આજે બપોરે 12 વાગ્યા બાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. આ પછી દાદરના શિવાજી પાર્ક સ્થિત સ્મશાનગૃહમાં બપોરે 2 વાગ્યે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Shabana Azmi (@azmishabana18)

તેમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવશે. શ્યામ બેનેગલના નિધનથી માત્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ આખો દેશ શોકમાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Shah Jina