કૌશલ બારડ લેખકની કલમે

દિપડાના મોંમાંથી મિત્રને જીવતો છોડાવનાર ગીરના સાડા 6 વર્ષના બાળકને મળશે વીરતા પુરસ્કાર! વાંચો આખી વાત

એક જાણીતું તથ્ય છે કે, જ્ઞાન ઉંમરથી પર છે. એવું જ બહાદુરીનું પણ છે. હિંમત માટે પણ કોઈ આયુષ્ય સીમા નિર્ધારીત નથી હોતી. એ તો પાંચ વર્ષના બાળકમાં હોય અને વીસ વર્ષના જુવાનજોધમાં ના પણ હોય! એ વાત અલગ છે કે, બાળકનો ઉછેર કઈ રીતે થયો છે એ બાબત નીડરતાના ગુણ માટે મહત્ત્વની છે.૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૭નો દિવસ અને ગીરના જંગલને સીમાડે આવેલું કોડિનાર તાલુકાનું અરીઠીયા ગામ. ગીરના જંગલમાંથી અવાનવાર રાની પ્રાણીઓ આસપાસના વિસ્તારોમાં નીકળી પડે છે. સોમનાથના દરિયા કિનારા સુધી પણ સિંહ-દિપડાની ત્રાડો ગાજી ઉઠે છે તો ગીરના નાકે જ આવેલા અરીઠીયા ગામનું તો શું કહેવું?

રમતમાં મશગૂલ એવાં બે બાળકો રમી રહ્યાં છે. સાડા છ વર્ષનો જયરાજ ગોહિલ અને એનાથી એકાદ વર્ષ મોટો નિલેશ ભાલીયા. પાસે રમકડાં છે, મેળામાંથી લીધેલ નાનકડો ખટારો છે. બંને ફૂલડાં પોતપોતાની મોજમાં છે.

સંધ્યા ઢળી ચૂકી છે અને અરબ સાગરમાં ડૂબું-ડૂબું થતો સુરજ સોમૈયા દાદાના શિખર પર છેલ્લું કિરણ ફેંકવાની તૈયારીમાં છે.

બરાબર એ ટાણે બે શિશુઓને કદાચ ક્યારનો તાકી રહેલો દિપડો ત્રાટક્યો અને નિલેશને બોચીમાંથી ઝાલી લીધો! સિંહ કરતા દિપડા વધુ ખતરનાક હોય છે, જેને ભયાનક બનાવતો ગુણ(અવગુણ) છે : એમની ખુંધાઈ. એ અચાનક ઝપટ કરે છે અને ઘોડિયામાં સુતેલા બાળકને, ખેતરમાં ખળામાં ખાટલે પોઢી ગયેલા શિશુને કે કોઈ વાર તો મોટા માણસ પર પણ એકદમ જ રોબર્ટ ક્લાવની ખુંધાઈ ધારણ કરી ઝપટ બોલાવી દે છે. ગીરના આસપાસના વિસ્તારોમાં વારેવારે દિપડાના આતંકના બનાવો વાવડે છે.સાતેક વર્ષના નિલેશને દિપડાએ એકદમથી આવીને સીધો ગળેથી જ ઝાલી લીધો. નિલેશનો દોસ્ત જયરાજ ઘડીભર તો હેબતાઈ ગયો. સાડા છ વર્ષની ઉંમરનું આજનું બાળક દિપડાને જોઈ જાય તોયે શું થાય એની તમે કલ્પના કરી શકો. પણ આશ્વર્યની અવધિ તો ત્યારે થઈ કે, જયરાજે ડરીને ભાગવાને બદલે કે રાડારોડ કરવાને બદલે પાસે પડેલો એક પથ્થરો ઉપાડીને સીધો દિપડાને માર્યો. પણ એનાથી દિપડાને કોઈ અસર ના થઈ. એટલે એ બાળકે પોતાની પાસે રહેલો રમકડાનો ખટારો ફેરવીને દિપડાના મોં પર ઝીંક્યો. કોઈ વિચિત્ર અવાજ થયો અને દિપકો નિલેશને છોડીને ભાગી જ ગયો!

કલ્પનાતીત વાસ્તવિકતા લાગે છે ને! જેના મોઢામાં હજી દૂધ ગંધાય છે એવું બાળક ઉઠીને એક ખૂંખાર દિપડાને દબડાવી મૂકે? જે કહો તે, પણ વાત સત્ય છે અને આ વર્ષે જયરાજસિંહ ગોહિલને તેમની બહાદુરી બદલ રાષ્ટ્રીય વિરતા પુરસ્કાર પણ મળવાનો છે!

એટલું તો ચોક્કસ નોંધી રાખજો કે ગીરની ભૂમિમાં જ એવી ખુમારી છે. ઝવેરચંદ મેઘાણીની પેલી ‘ચારણકન્યા’ની કવિતા તો સાંભળી જ છે ને? તુલશીશ્યામ પાસેના નેસડામાં એક ચૌદ વર્ષની ચારણની દિકરીએ હાથમાં લાકડી લઈને વાછરડુંને મારીને ખાવા જતા જંગલના સમ્રાટ સિંહને ભગાડેલો! બસ, અહીં પણ એવું જ કંઈક થયું. ગીરની પ્રજા અડધી રાતે જંગલને સીમાડે આવેલા શેરડીના ખેતરોમાં પાણી વાળે છે અને એની ક્યારીઓમાંથી વનરાજો સેંજળ પીવે છે!જયરાજસિંહ અભેસિંહ ગોહિલનું આ પરાક્રમ કોઈ આશ્વર્યથી કમ નથી. પોતાના મિત્રને જાનના જોખમે મોતમાં મુખમાંથી જીવતો છોડાવવા માટે એમની બહાદુરીની પ્રશંસા તો વાત સાંભળનાર બધાં કરે છે. રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ૨૬મી જાન્યુઆરીની પૂર્વસંધ્યાએ દેશભરમાંથી અદ્ભુત બહાદુરી બતાવનાર ૬ થી ૧૮ વર્ષની ઉંમર સુધીના બાળકો-કિશોરોને આપવામાં આવે છે અને પ્રજાસત્તાક દિનની પરેડમાં તેમને હાથી પર બેસાડવામાં આવે છે! સલામ છે જયરાજસિંહની બહાદુરીને! ખરેખરો સિંહ હો બાપ!

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર/National Bravery Award ભારતીય બાળ કલ્યાણ સમિતિ દ્વારા ભારત સરકારના સહયોગથી આપવામાં આવે છે. ભારત સરકારનું મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય તેમાં સહયોગી બને છે. ૧૯૫૭થી શરૂ થયેલા આ એવોર્ડ મેળવનાર બાળકને છેવટના અભ્યાસ સુધી આ સંસ્થા તરફથી શિષ્યવૃત્તિ જેવી સહાયો આપવામાં આવે છે.

પરંતુ, હાલ એવોર્ડ આપતી આ સંસ્થા કંઈક નાણાકીય ગરબડીના વિવાદમાં સપડાઈ છે અને હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આથી, ભારત સરકારે બાળ કલ્યાણ પરિષદ સાથે છેડો ફાડી નાખ્યો છે. પણ આ એ વખત છે જ્યારે એવોર્ડ મેળવનારા ૨૧ બાળકોના નામની જાહેરાત થઈ ચુકી છે! હવે કહે છે કે, આ બાળકોને સંસ્થા જ એવોર્ડ આપશે. રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને મળવાનો મોકો અને પરેડમાં ભાગ કદાચ આ બાળકો નહી લઈ શકે!ભારત સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર નામે આ વખતેથી નવેસરથી એવોર્ડ ચાલુ કર્યાં છે, જેમાં આ વખતે વિવિધ ક્ષેત્રના મહત્ત્વના ૨૬ બાળકોની પસંદગી કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિને તેમને એવોર્ડ આપવામાં આવશે. આ બાળકો વિવિધ ક્ષેત્રમાંથી હશે. જ્યારે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર માત્ર બહાદુરીના કિસ્સામાં જ આપવામાં આવે છે.

બાય ધ વે, સંસ્થા અને સરકાર વચ્ચે જે ચાલી રહ્યું હોય તે પણ હવે જયરાજસિંહ ગોહિલ સહિતના ૨૧ બાળકોને આ વખતે માત્ર સંસ્થા દ્વારા એવોર્ડ આપીને વળાવી દેવાય એ તો થોડું અજૂગતું જ લાગે. અત્યાર સુધી એમને પણ હોંશ હતી કે, અહા! પોતે રાજપથ ઉપર પરેડ કરશે અને આખો દેશ જોશે. ભગવાન કરે ને કમસેકમ આ વર્ષે તો બાળકોનો પરેડમાં સમાવેશ કરવામાં આવે! એમનો હોંસલો ના તૂટે એટલું જ બસ! ]

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks