ઘણીવાર વિદેશમાંથી ગુજરાતીઓ અને ભારતીયોના મોતની ખબર સામે આવે છે, જો કે થોડા સમય પહેલા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ વર્ષે માર્ચ મહિનામાં એક 23 વર્ષની પાટીદાર યુવતિ ડિમ્પલ પટેલે પેન્સિલવેનિયા ઈન્ટરસ્ટેટ 95 પર બેફામ સ્પીડે ગાડી હંકારી અકસ્માત સર્જ્યો હતો જેમાં બે લોકોના મોત થયા હતા. ત્યારે આ કેસમાં હવે ટ્રાયલ શરૂ થઈ છે.
આ અકસ્માત 3 માર્ચ 2024ના રોજ ફિલાડેલ્ફિયાના ઈન્ટરસ્ટેટ 95 પર રાતે સવા ત્રણ વાગ્યે થયો હતો, જેમાં 28 ઓગસ્ટના રોજ તેની સામે નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરવા અને પુરાવા સાથે છેડછાડ કરવાનો તેમજ બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવાનો અને બે લોકોના મોત નીપજાવવા સહિતના ચાર્જિસ લગાવવામાં આવ્યા હતા.
ત્યારે ગંભીર ચાર્જ લાગ્યા પછી ડિમ્પલ પટેલે 3 સપ્ટેમ્બરના રોજ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું. એવું સામે આવ્યુ છે કે ડિમ્પલ પ્રી-મેડિકલની સ્ટૂડન્ટ છે. ડિમ્પલે જે જગ્યાએ અકસ્માત સર્જ્યો હતો તે કન્સ્ટ્રક્શન ઝોનમાં સ્પીડ લિમિટ 45 માઈલ પ્રતિ કલાકની છે પણ ડિમ્પલ 72 માઈલ પ્રતિ કલાકની સ્પીડે કાર ચલાવી રહી હતી.
પોલીસે જણાવ્યું કે અકસ્માત થયો ત્યારે ડિમ્પલ આલ્કોહોલ અને મારિજુઆનાના નશામાં હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બેસ્ટી રોસ બ્રિજ પર બે લોકોના મોત અને ચાર ગાડીઓની એકબીજા સાથે ટક્કર થઈ હતી, જેમાં બ્રિજ પર એક બગડેલી કાર સાઈડમાં ઉભી હતી અને તે કારનો ડ્રાઈવર અને તેને મદદ કરવા પોતાની કાર સાઈડ પર કરીને નીચે ઉતરેલો બીજો એક વ્યક્તિ ડિમ્પલની કારની ટક્કરથી મોતને ભેટ્યા હતા.
અકસ્માતને નજરે જોનારે કહ્યુ- અકસ્માત થયો એની બે સેકન્ડ પહેલા ડિમ્પલ ચાલુ ગાડીએ સ્ટિયરિંગ સંભાળવાની જગ્યાએ ફોન જોઈ રહી હતી. તેણે અકસ્માત બાદ બ્રેક પણ નહોતી મારી. 3 સપ્ટેમ્બરે ડિમ્પલ પટેલે સરેન્ડર કર્યુ અને આ પછી તેને બે લાખના બોન્ડ પર મુક્ત કરવામાં આવી. જો કે ડિમ્પલ પર પુરાવાને નાશ કરવાનો આરોપ છે. ત્યારે હવે આ કેસની ટ્રાયલ શરૂ થઇ છે. મીડિયાને જોઈને પોલીસ કસ્ટડીમાં રહેલી ડિમ્પલ મોઢું છુપાવતી જોવા મળી હતી.