કૌશલ બારડ લેખકની કલમે

દિકરી જન્મે તો ડિલીવરીનો બધો ખર્ચ પોતાની માથે લઇ લે છે આ ડોક્ટર!હું ભલે ઘસાઇ જાઉ પણ દિકરીઓને મરવા નહી દઉ! વાંચો સ્ટોરી

ઇ.સ.૧૯૬૧ની વસ્તી ગણતરી વખતે ભારતમાં દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા ૯૭૪ જેટલી હતી.આ આંકડો ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ઘટીને ૯૧૪ જેટલો થઇ ગયો!આ પરિસ્થીતી વિચારણીય નથી,ભયંકર ચિંતાજનક છે.હાલની સરકાર પણ આ બાબતમાં જાગૃકતા લાવવા અને ‘બેટી બચાવો’ના વિચાર બુલંદ કરવા પ્રયત્નશીલછે પણ તોયે હજી જોઇએ એવો ફેરફાર થયો નથી.

નાનકડી બાળકીને ગર્ભમાં જ સમાપ્ત કરી નાખવાની ક્રુરતા આપણે ત્યાં હજી દેશના દરેક ખૂણામાં અંધારામાં ચાલુ જ છે.દરવર્ષે આવી તો કેટલીય બાળાઓ ઉગતા જ આથમી જતી હશે?

૨૦૧૧ની વસ્તી ગણતરીમાં મહિલાઓની સંખ્યામાં નોંધાયેલા ધરખમ ઘટાડે પૂણેના એક ડોક્ટરને હલાવી નાખ્યો.એ માણસ બાળકી પ્રત્યેના સમાજના ઓરમાયા વર્તનથી ખળભળી ઉઠ્યો.જો આમને આમ ચાલતું રહેશે તો?એ વિચાર જ તેને હમમચાવી મુકતો.

બાપે કુલીનું કામ કરીને અને માંએ પરઘર વાસણ માંજીને પાંચ પૈસા લાવીને તેને ભણાવેલો.ગરીબી તેણે જોઇ હતી,અનુભવી હતી.એક ટંક ખાવા માટે એના પરીવારે શું કર્યું છે એનું તેને ભાન હતું.બનવું હતું તો પહેલવાન પણ માંએ કહ્યું કે,બેટા!થોડું ઓછું ખાને.તું વધારે ખાઇશ તો તારા બે ભાઇઓ ભૂખ્યાં રહેશે!આવી કઠોર પરિસ્તીથીમાંથી નીકળીને આ બાળક ડોક્ટર બન્યો હતો.

ગરીબીમાં ખાનદાની રાખવી મુશ્કેલ છે.પણ જે કુટુંબ આમ કરવામાં સફળ થાય તેના ખોરડાની ખાનદાની ખરેખર દીપી ઉઠે છે.ડોક્ટરમાં પણ લોહીની ખાનદાની હતી.

એ વખતે વડાપ્રધાન શ્રીમનમોહન સિંહે આ વાતને “રાષ્ટ્રીય શરમ”ગણાવી હતી.લોકોને જાગૃકતા લાવવા હાકલ કરી હતી.અને આ ડોક્ટરે એ વાતને પકડી લીધી.તેની “મેડીકેર હોસ્પિટલ”ને તેણે બેટી બચાવોના કાર્ય માટે જાણે ધર્મશાળા જ બનાવી દીધી.૨૦૦૭માં તેણે હોસ્પિટલની સ્થાપના કરેલી.ડોક્ટરનું નામ છે – ગણેશ રાખ.

તારીખ ૩ જાન્યુઆરી,૨૦૧૨ના દિવસે બેટી બચાવોના મહાકાર્યનું અભિયાન ડો.ગણેશ રાખ દ્વારા આરંભાયું.”મુલગી વાચવા અભિયાન”-મુલગી અર્થાત્ મરાઠીમાં બેટી.બેટી બચાવો અભિયાનની બુલંદી એક દિપક તરીકે તેણે આરંભી.

નક્કી થયું કે,તેમના દવાખાનામાં જન્મનાર બાળકીની પ્રસુતિ એકદમ મફતમાં કરવામાં આવશે!બાળકીને જન્મ આપનાર માતા કે એના પરીવાર પાસેથી રૂપિયો પણ લેવામાં નહી આવે.એટલું જ નહી,હોસ્પિટલમાં બાળકીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ઘરની પરિસ્થીતી એટલી સારી નહોતી તેથી ડો.ગણેશની પત્નીએ અને ભાઇઓએ આ રીતની સેવાનો વિરોધ કર્યો.પણ એ વખતે ગણેશના પિતાએ કહ્યું,”બેટા!આ જ રસ્તે કાર્ય કરજે.ભલે ખોટ આવે.અરે જરૂર પડશે તો હું પાછો મજૂરી કરી લઇશ પણ હવે આ ખાનદાની ના મૂકતો!”કરૂણાની લાગણી જેની રગેરગમાં દોડતી હોય એના પુત્રને પણ થોડા ચિતરવા પડે!

સેવા કાર્ય આરંભાયું.પરિસ્થીતી બદલાવા લાગી.બેટી બચાવોની ઝુંબેશ શરૂ થઇ.દિકરીનો જન્મ થાય એટલે ડોક્ટર દોડીને વધામણી આપે.એનો તમામ ખર્ચ હોસ્પિટલ માથે!મીઠાઇ વહેઁચાય અને ઉજવણી પણ થાય.ક્યારેક તો ડોક્ટરોની ટીમ જ આવનાર બાળકીનું નામ રાખી દે.

ગણેશ રાખ કહે છે કે,હું એવી સ્થિતી પણ જોઇ ચુક્યો છું કે જ્યારે બાળકીનો જન્મ થાય તો આ સમાચાર પરીવારને આપવા એના કરતાં કોઇ મરણના સમાચાર આપવા સારા…!માં રોવા માંડતી,પરીવાર કકળાટ કરતો.અરેરે..!દિકરો જન્મે એ માટે તો અમે કેટલા ઠેકાણે માનતા રાખેલી,ફલાણા બાબા પાસે ગયેલા.વહુને અવનવા અખતરામાંથી પસાર કરાવેલી.ને જન્મી જન્મી તો આ નભાઇ..!શું લેવા આવી હશે ગોઝારી?!…

આ સમસ્યાને નાથવા ડો.ગણેશ રાખે પોતાના બળે એક દિપક જલાવ્યો છે.સમાજને માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યાં છે તેઓ.અભિયાન આરંભ્યાના ત્રણેક વર્ષમાં ગણેશ રાખે ૪૫૪ જેટલી બાળકીઓની મફતમાં પ્રસુતિ કરાવી છે.હજુ પણ સેવાયજ્ઞ ચાલુ જ છે.આજે તો ડો.ગણેશ રાખનું નામ ઘણું જ આદરપૂર્વક લેવામાં આવે છે.

પ્રેરણા આપનાર તો ઘણા બેઠા હોય છે,એમાંથી બહુ જ ઓછા એવા હોય છે જેઓ પોતે કાર્ય કરીને પ્રેરણા આપે છે.ભારતીય સમાજના સહુથી મોટા કુરીવાજને નાથવા આવી જાત ઘસીને મહેનત કરનારા વ્યક્તિઓને હેટ્સ ઓફ સેલ્યુટ!

લેખક – કૌશલ બારડ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.