હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ આ વર્ષે કરાવેલા “દીકરી જગત જનની” લગ્નોત્સવ બાદ દીકરી અને જમાઈઓએ વીડિયોમાં આપી ખાસ સરપ્રાઈઝ

“દીકરી જગત જનની” અંતર્ગત બીજા ગ્રુપને મનાલી પ્રવાસે મોકલેલા દીકરીઓ અને જમાઈઓ બરફ વચ્ચે કર્યું એવું કામ કે પાલક પિતા મહેશભાઈ સવાણી પણ થયા ભાવુક.. જુઓ વીડિયો

મહેશભાઈ સવાણીને આજે લોકો એક સફળ ઉદ્યોગપતિ કરતા હજારો દીકરીઓના પાલક પિતા તરીકે વધુ ઓળખે છે. તેમને અત્યાર સુધી અનાથ અને પિતા વિહોણી હજારો દીકરીઓને એક નવું જીવન આપ્યું છે અને તેમના ધામધૂમથી લગ્ન કરાવવાની સાથે સાથે એક પિતા તરીકેની તમામ જવાબદારીઓ પણ પૂર્ણ કરી છે.

મહેશભાઈ સવાણી દર વર્ષે આવી અનાથ અને પિતા વિહોણી દીકરીઓ માટે સમૂહલગ્નોત્સવનું આયોજન કરતા હોય છે. આ વર્ષે પણ તેમને આ સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં 300 જેટલી સર્વધર્મની દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ લગ્ન સમારંભની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા અને લોકોએ પણ મહેશભાઇના ખુબ વખાણ કર્યા.

ત્યારે મહેશભાઈ ફક્ત દીકરીઓના લગ્ન જ નથી કરાવતા, પરંતુ તેમને એક પિતા તરીકેનું હેત પણ આપે છે અને તમામ જવાબદારીઓ પણ નિભાવે છે. દર વર્ષે તેમને લગ્ન બાદ દીકરીઓ અને જમાઈઓ સાથે મનાલીના પ્રવાસ પર પણ મોકલે છે અને ત્યાં પણ તેઓ આ દીકરીઓ અને જમાઈઓ માટે તમામ સુવિધાઓ ઉભી કરતા હોય છે.

આ વર્ષે દીકરી જગત જનની લગ્નોત્સવ અંતર્ગત લગ્નના બંધનમાં બંધાયેલી દીકરીઓના બે ગ્રુપને વારાફરથી મનાલીના પ્રવાસ પર મોકલ્યા હતા. ત્યારે હાલ બીજું ગ્રુપ મનાલીમાં ફરવાનો આનંદ માણી રહ્યું છે અને દીકરીઓ અને જમાઈઓ પણ ખુશ ખુશાલ થઈને સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતા રહે છે.

આ વીડિયોને મહેશભાઈ પણ પોતે પોતાના સોશિયલ મીડિયામાં શેર કરે છે, ત્યારે હાલમાં જ તેમને કેટલાક વીડિયો અને તસવીરો પણ શેર કરી છે જેમાં દીકરીઓ અને જમાઈઓન ચહેરાની ખુશી સાથે સાથે કેટલીક ખાસ બાબતો પણ જોવા મળી હતી, જેને મહેશભાઈને પણ ભાવુક કરી દીધા હતા.

મહેશભાઈ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં દીકરીઓ અને જમાઈ સાથે જમવાનું બનાવતા જોવા મળે છે. જેમાં દીકરીઓ આટની પર પુરી જેવું કઈ વણી રહી છે તો જમાઈ કઢાઈમાં તેને તળી રહ્યા છે. તો અન્ય તસ્વીરોમાં દીકરીઓ અને જમાઈઓ વિવિધ સ્થળો પર ઉભા રહીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

મનાલીમાં આ સમયે હિમ વર્ષા થઇ રહી છે અને તેમાં આ નવયુગલો ભરપૂર આનંદ માણી રહ્યા છે. તો મહેશભાઈ દ્વારા શેર કરવામાં આવેલી એક તસવીરમાં એક દીકરી બરફ પર “પાપા” લખીને બતાવી રહી છે. તો અન્ય એક તસ્વીરમાં એક દીકરી પથ્થર પર વિખેરાયેલા બરફ પર “દીકરી જગત જનની” લખી રહી છે.

આ ઉપરાંત પણ મહેશભાઈએ બીજા ઘણા વીડિયો અને તસવીરો શેર કરી છે જેમાં દીકરીઓ અને જમાઈઓ બરફ વાળા વાતાવરણમાં ખુબ જ મજા માણતા જોવા મળી રહ્યા છે. ખરેખર મહેશભાઈ સવાણી જે કરી રહ્યા છે તે કોઈના હાથની વાત નથી. તેમને સાચા અર્થમાં દીકરીઓના પાલક પિતા બનીને પોતાની ફરજ નિભાવી છે.

Niraj Patel