લેખકની કલમે

“દીકરી બની દીકરો…” દીકરાના મોહમાં ને મોહમાં જે દીકરી સાથે માતા પિતાએ અન્યાય કર્યો, આજે એ જ દીકરી ઘડપણમાં લાકડીનો ટેકો બની…વાંચો દીકરીના અવિરત વહેતા પ્રેમની કહાણી !!

“દીકરી બની દીકરો…”

  • “એક નહિ એતો બે ઘર તરતી.
  • પિયરીયું સાસરિયું બંને અજવાળતી.
  • એને પામી માવતર જાય તરી,
  • દેવીના રૂપમાં દીકરી મળી…”
        – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

એક દંપતિ હંમેશા એવી કામના કરતા હતા કે એમને સંતાનમાં દીકરો આવે… ખબર નહિ કેમ પણ દીકરી શબ્દ થી જાણે એમને ખૂબ નફરત થઈ ગઈ હતી. માટે ભગવાનને પણ રોજ પ્રાર્થના કરે કે …
“હે પ્રભુ, અમને સંતાનમાં દીકરો આપજે… ભગવાન તું તો જાણે જ છે કે આજના સમયમાં દીકરીઓ મોટી કરવી અને મોટી થયા બાદ એમની રહેતી જિંદગીભરની ચિંતા એ ખૂબ કપરું કાર્ય છે… માટે પ્રભુ અમારી પ્રાર્થના સાંભળજે અને અમને એક દીકરો આપજે…”

એમની આ પ્રાર્થના સમયે કદાચ ભગવાન પણ હસતો હશે અને કહેતો હશે કે…

“હે ભાવિ સંતાનની મા, જો મેં તારી મા કે તારી સાસુને સ્ત્રી ન બનાવી હોત તો તારી કે તારા પતિ ની હયાતી સંભવ હોત ખરી…!!!”
અને એમના લગ્નના ચારેક વર્ષ બાદ બેનને સારા દિવસો રહ્યા. પાણીના રેલાની માફક બેનના ગર્ભાવસ્થાના નવ માસ વીતી ગયા. અને એમના ઘેર પારણું બંધાયું. સંતાન માં ભગવાને આપી ખૂબ નટખટ ખૂબ રૂપાળી દીકરી. દીકરી જન્મના સમાચાર મળતા જાણે બેઉ માણસના મોતિયા મરી ગયા હોય એમ બંને ખૂબ ઉદાસ થઈ ગયા. સગી દીકરી જાણે એમના માટે અળખામણી બની ગઈ. દીકરી મોટી થતી ગઈ. જ્યારે એ પાંચ વર્ષની સમજણી થઈ ત્યારે એને પણ ખ્યાલ આવી ગયો કે એના મા બાપ એનાથી ખુશ નથી પણ આતો સમાજ ની બીકે એને મોટી કરી રહ્યા હોય એવું વર્તન કરે છે… તેમ છતાં એ નાનકડી દીકરી માતા પિતા ને પ્રિય બનવા તમામ પ્રયત્નો કરતી રહી. ન કોઈ જીદ ન કોઈ વસ્તુ માટે ઝગડો. છતાં એ અભાગણી દીકરી મા બાપ ને પ્રિય ન બની શકી. કારણ એના મા બાપ ને દીકરી નહિ પણ દીકરો જોઈતો હતો…
એ બેનને બીજી વાર સારા દિવસો રહ્યા. પ્રસૂતિનો સમય નજીક હતો. દર વખતની જેમ આ વખતે પણ એમને દીકરા ની કામના હતી. પણ આ વખતે એ નાનકડી દીકરી ની પણ પોતાને ભાઈલો આપવાની પ્રાર્થના ભેગી ભળેલી હતી. જાણે ભગવાને એ દિકરીની પ્રાર્થના સાંભળી હોય એમ એ દંપતીને ઘેર એક સુંદર પુત્રનો જન્મ થયો… આખા ઘરમાં આનંદ ફેલાઈ ગયો. એ દંપતીના ખુશીનો કોઈ પાર ન રહ્યો કારણ ઘણા વર્ષે ભગવાને એમની પુત્ર પ્રાપ્તિની કામના પૂર્ણ કરી હતી… જન્મેલા એ સંતાનની નાનકડી બહેન પણ ભાઈલા ના આવવાથી રાજીના રેડ હતી…
સમય વીતતો ચાલ્યો. એ પરિવાર ના બેઉ સંતાનો દીકરો અને દીકરી મોટા થવા લાગ્યા. બધાની ઉંમરમાં ફરક પડતો ગયો પણ એક ફરક ન પડ્યો એ મા બાપ નો એ દીકરી વિશેના દૃષ્ટિકોણ માં . વર્ષો વીતવા છતાં એ સદા માતા પિતા ની ઉપેક્ષા નો જ શિકાર બનતી રહી. દીકરો પરિવારમાં ખૂબ લાડકવાયો હતો. એની દરેક જીદ દરેક માંગ એના માતા પિતા પુરી કરવા લાગ્યા. જે જોઈએ એ વસ્તુ એને મળવા લાગી. મા બાપ ના આવા વધારે પડતા લાડ પ્યારના કારણે દીકરો બગડવા લાગ્યો હતો એનો પણ ખ્યાલ દીકરાના પ્રેમમાં અંધ એ મા બાપ ને ન આવ્યો…
દીકરી પરણવા લાયક થઈ એટલે એને પરણાવી સાસરે વળાવવામાં આવી. પચીસ પચીસ વર્ષથી જે ઘરમાં મોટી થઈ અને સદા મા બાપનો સાચો પ્રેમ પામવા તરસતી રહેલી એ દીકરી પારકા ઘરની વહુ બની પિયરને અલવિદા કહી ચાલી ગઈ પોતાના સાસરે. હવે આ તરફ ઘરમાં રહ્યા ત્રણ જણ. ભલે એ દીકરીને મા બાપ તરફથી પ્રેમ ન મળ્યો હોય છતાં સાસરે ગયા પછી પણ એ સદા પોતાના મા બાપ ની અને નાના ભાઈ ની ચિંતા કરતી રહી. સમાચાર પૂછતી રહી.

આ તરફ એનો નાનો ભાઈ પણ પરણવા લાયક થઈ ગયો હતો. માતા પિતા એ પસંદ કરેલ એક કુટુંબ ની દીકરાને જાણ થતાં એક ઝાટકે મા બાપ ના નિર્ણયને એને ફગાવી દીધો. એમને પસંદ કરેલા ઠેકાણે લગ્ન કરવાની સાફ ના કહી દીધી. એ દંપતી ને દુઃખ તો લાગ્યું પણ કરે શુ ? કદાચ એ સમયે એમને પહેલી વખત એવો અંદેશો થઈ ગયો હતો કે “દીકરો એમના હાથ બહાર જતો રહ્યો છે, કદાચ વધારે પડતા લાડ પ્યારનુજ આ પરિણામ છે…”
મા બાપ ની પસંદ ઠુકરાવી એ યુવાને પોતાની પસંદ કરેલ એક મોર્ડન છોકરી સાથે લગ્ન કરવાની , મા બાપ સામે પરવાનગી ન લીધી પણ સીધો પોતાનો નિર્ણય જ જણાવી દીધો… લાચાર મા બાપ ને દીકરાની વાત આખરે માનવી જ પડી.

એ યુવાન પોતાની પસંદગી ની મોર્ડન છોકરી સાથે પ્રેમ લગ્ન કરી એને પોતાને ઘેર લાવ્યો અને બસ એ દિવસ થી એ મા બાપ નો જાણે ખરાબ સમય શરૂ થઈ ગયો. પત્ની ના પ્રેમમાં અંધ એ યુવાન ને બસ એની પત્ની જ સર્વસ્વ લાગતી હતી. એની દરેક વાત જાણે એના માટે ભ્રમ્હ વાક્ય હતું. દરેક વાતમાં એની પત્ની જ એને સાચી લાગતી હતી. હવે એના મા બાપ એને ઘરમાં બોજ લાગતા હતા. છતાં વહુ અને દીકરા તરફથી અપાતા દુઃખના ઘૂંટ ગળે ઉતારી એ લાચાર મા બાપ ઘરમાં ઉપેક્ષિત થવા છતાં , બધું સહન કરી રહેતા હતા. કોઈને પોતાનું દુઃખ જણાવતા ન હતા કારણ પોતાના જ દ્વારા અપાતા જખ્મો એ કોને બતાવે…
આજે એ દંપતિ ને પોતાનો ભૂતકાળ યાદ આવતો હતો કે જ્યારે એમને દીકરી નહિ પણ દીકરો જોઈતો હતો. પ્રેમ માટે તરસતી દીકરીને એ પણ પ્રેમ આપતા ન હતા.એ પણ દિકરીની સદા ઉપેક્ષા કરતા હતા… આજે જાતેજ એ એકબીજાને કહેતા હતા કે …

“આપણે આપણી દીકરી સાથે જે કર્યું એનું જ ફળ આજે ભોગવી રહ્યા છીએ…”

વાત એટલી હદે વધી ગઈ કે એ દીકરા અને એની વહુ એ અંતે એના મા બાપ ને ઘરમાંથી કાઢી વૃદ્ધાશ્રમ માં મુકવાનો નિર્ણય કર્યો. આ વાતની જાણ એ મા બાપ ને થતા એમની ઉપર જાણે આભ ફાટી પડ્યું. એમની વેદનાનો કોઈ પાર ન રહ્યો. એ ન કહી શક્યા દીકરા કે વહુ ને એક પણ શબ્દ. પ્રત્યુતર આપ્યો અને એ પણ આંખોમાંથી વહેતા આંસુની ભાષામાં… પોતાના મા બાપ ને વૃદ્ધાશ્રમમાં છોડી રાજી થતા થતા એ યુવાન અને યુવતી ઘરે પાછા ફર્યા. આ બધી વાતથી અજાણ સાસરે ગયેલી એ ઘરની મોટી દીકરી નો મા બાપ ના સમાચાર પૂછવા અર્થે ફોન આવે છે. એના ભાઈ અને ભાભી દ્વારા એના મા બાપ ના સમાચાર એ દિકરી સાંભળે છે કે…
“એ બંને તો ગયા વૃદ્ધાશ્રમ. અહીં ઘરમાં આમેય હવે એમનું કાઈ કામ ન હતું. ભલે ત્યાં રહી શાંતિથી હરિ ભજન કરે…”અને મોટી બહેનનો પ્રત્યુતર સાંભળ્યા વિનાજ એ મોર્ડન વહુ ફોન કાપી નાખે છે…

મા બાપ ના આવા સમાચાર સાંભળી એ દીકરી ને તાલાવેલી જાગી એના મા બાપ ને મળવાની. એમને સાંત્વના આપવાની, એમને પોતાની જોડે રાખવાની…

પોતાના પિયરમાં ઘટેલી આખી ઘટનાની જાણ એ દીકરી એ એના પતિ ને કરી. અને કહ્યું કે…”મારા ભાઈએ ભલે મારા મા બાપ ને આમ મોટી ઉંમરે તરછોડી દીધા હોય પણ મારાથી એમનું આ દુઃખ સહન નઈ થાય. બે બે સંતાનો હોવા છતાં મારા મા બાપ આમ વૃદ્ધાશ્રમ માં એકલા જીવન વિતાવે તો તો મારું જીવતર લાજે… મારો ભાઈ ભલે મારા મા બાપ માટે દીકરો મટી દુઃખ દેનાર બન્યો પણ હું દીકરી મટી એમનું દુઃખ હરનાર બનવા માંગુ છું… જો તમે કહેતા હો તો મારા મા બાપ ને આપણે આપણી સાથે રાખીએ…”
અને જાણે એ પારકા જણ્યા જમાઈ ના હૃદયમાં રામ વશી ગયો હોય એમ એ ભાઈ, દુખિયારા સાસુ સસરાનો જમાઈ મટી દીકરો બનવા તરત તૈયાર થઈ ગયો… એને રાજી થઈ પોતાની પત્નિ ને સંમતિ આપતા કહ્યું…

“જો, નાનપણમાં મેં મા બાપ ની છત્ર છાયા ગુમાવી છે અને આજે મને મા બાપ મળી રહ્યા છે એનાથી ખુશીની વાત બીજી કઈ હોઈ શકે…!!!”

અને એ દીકરી અને જમાઈ એ લાચાર અને દુખિયારા એ દંપતિ ને લઈ આવ્યા પિતાના ઘેર. પારકો જણ્યો જમાઈ બન્યો દીકરો અને એ સદા ઉપેક્ષિત થતી દીકરી પણ બની દીકરો…
રાત્રે એ દંપતિ એકાંતમાં બેઠા બેઠા વાતો કરતા હતા અને એ દીકરીની મા કહી રહી હતી કે…”આપણે દીકરાની કામના સદા કરતા રહ્યા. ભગવાને દીકરી આપી,દીકરી બિચારી આપણાં પ્રેમ માટે તરસતી રહી પણ આપણે એને પુરતો પ્રેમ ન આપ્યો… આપણે એ વિચારે દીકરીની ઉપેક્ષા કરતા રહ્યા કે બુઢાપા માં દીકરો જ સહારો બનશે. પણ દીકરા એતો મધ દરિયે આપણને ડૂબાડયા અને આ દીકરી એ આપણને તાર્યા… ખરેખર આપણી દીકરી તો દીકરો બની…”

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.. “ગુજ્જુ રોક્સ” પરનો આ રસપ્રદ લેખ પસંદ આવ્યો હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.