ઘણા લોકોને જોયા છે જે પોતાની જાતને ગરીબ સમજતા હોય છે, ક્યારેક તેની સામેવાળાનો વૈભવ જોઈને પોતાની પાસે છે એની કદર કરતા નથી અને પોતાની જાતને જ કોસ્યા કરે છે. જયારે અમીર માણસ ઘણીવાર એમ પણ વિચારતો હોય છે કે પોતાની પાસે ઘણુંબધું છે તે છતાં પણ સંતોષ નથી, પોતાના પરિવાર પાસે વિતાવવાનો સમય નથી. ત્યારે મનમાં એક જ પ્રશ્ન થાય કે સુખી કોણ? અમીર કે ગરીબ?

આજે તમને અમીરી ગરીબી વચ્ચેના એક તફાવત બતાવતી વાર્તા સંભળાવવા જઈ રહ્યા છે જે વાંચી તમે પણ તમારી જાતને અમીર સમજવા લાગશો.

એક દિવસ શહેરમાં રહેતો એક ખુબ જ ધનવાન વ્યક્તિ પોતાના દીકરાને અમીરી ગરીબી વચ્ચેનો તફાવત સમજાવવા માટે ગામડામાં લઇ ગયો. એ તેને સમજાવવા માંગતો હતો કે ગરીબ લોકો કેવું જીવન જીવે છે, તેમની પાસે જીવન જરૂરિયાતની કેટલી વસ્તુઓ છે, તે લોકો કેવી રીતે રહે છે. તે પિતા પુત્ર તેમના એક મિત્રના ફાર્મ હાઉસ ઉપર રોકાયા. જેની સામે જ એક ખુબ જ ગરીબ પરિવાર ઝૂંપડી બાંધીને રહેતો હતો.

એક આખો દિવસ અને રાત સુધી પિતા પુત્ર એ ફાર્મ હાઉસ ઉપર રોકાયા, તેમના દીકરાએ આસપાસ ફરી અને બારીકાઈથી નિરીક્ષણ કર્યું. ગામડું જોયું. તે ગરીબ પરિવારને જોયો, જેમના બાળકોને પણ જોયા, તેની જ ઉંમરના બાળકો કપડાં વગર નાગા પુંગા ફરતા હતા. બીજા દિવસે સાંજે પોતાની લક્ઝુરિયસ ગાડીમાં તે લોકો પાછા ફરતા હતા.

દીકરો ગાડીમાં બેસી એકદમ શાંત થઇ ગયો. તેના પિતાએ તેને પૂછ્યું કે “કેવું લાગ્યું તને ગામડું?” ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે: “બહુ જ સરસ”. તેના પિતાએ તેની સમજ ચકાસવા માટે બીજો પ્રશ્ન કર્યો કે: “તે જોયુંને એ લોકો કેવી રીતે રહે છે? આપણી પાસે જે વૈભવ છે, જે સુખ સાહેબી છે, જે જમવાનું છે, તેમાનું કાંઈજ તેમની પાસે નથી, તો આપણે કિસ્મતવાળા કે એ લોકો?”

તે દીકરાએ જે જવાબ આપ્યો તે સાંભળીને તેના પિતા વિચારતા જ રહી ગયા. દીકરાએ કહ્યું કે:
“મેં જોયું કે આપણી પાસે તો માત્ર એક જ કૂતરો છે, પરંતુ તેમની પાસે તો ચાર-પાંચ કુતરા હતા, આપણા ઘરે તો એક નાનો સ્વિમિંગ પુલ છે, પરંતુ એમની પાસે તો મોટી નહેર, તળાવ અને નદી છે. આપણા બગીચામાં તો મોંઘી ફાનસો લગાવેલી છે જયારે એમના ખેતરમાં તો આકાશના તારા અજવાળું આપે છે. આપણા ઘરની અગાશીએથી તો માત્ર મોટી મોટી ઇમારતો દેખાય છે જયારે એમના ઘરેથી તો પર્વતો, પ્રકૃત્તિ, પક્ષીઓ દેખાય છે. આપણે ત્યાં આપણી દેખરેખ નોકર રાખે છે, જ્યાં એમના ગામમાં તો એમની દેખરેખ અડોશ પાડોશના લોકો અને આખું ગામ રાખે છે. આપણે આપણા ખાવા પીવા માટે સામાન ખરીદવા જઈએ છીએ જયારે એ લોકો તો પોતે જ ખાવાનો સમાન ઉગાવે છે.”

દીકરાની વાત સાંભળી તેના પિતા મૌન બની ગયા તેમને પણ પોતાના પૈસાદાર હોવાનું અભિમાન હતું પરંતુ દીકરાની આ વાતો દ્વારા એ અભિમાન ચકનાચૂર થઇ ગયું. તેમને પણ માન્યું કે પૈસો અને વૈભવ જ સર્વસ્વ નથી હોતું.

વાર્તાની શીખ:
જીવનમાં શાંતિ હોવી ખુબ જ જરૂરી છે. તમે જો બે સમય પેટ ભરી શાંતિથી જમી શકો છો, તમારા આસપાસના લોકો તમારી ચિંતા કરે છે તો તમે તમારી જાતને અમીર જ માનજો. કારણ કે મોટા મહેલમાં પણ ગૂંગળામણ જ અનુભવાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.