અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું નારી વિશે

દરેક કન્યાને ખબર હોવી જોઈએ : ‘પાનેતર’ અને ‘ઘરચોળું’ કોને કહેવાય?

ચાર મહિનાનું ચોમાસું વીતે એટલે દિવાળીના નવા દિવસો આવતાવેંત લગ્નની મોસમનાં પણ આગમન થાય છે. અનેક કોડભરી કન્યાઓ અને આશાભર્યા વરરાજાઓ વિધાતાએ લખેલા લેખ મુજબ નવજીવનની રાહ ભરે છે.

લગ્નની રસમમાં કન્યા માટે સૌથી મહત્ત્વના પોશાકરૂપે બે સાડીઓ હોય છે : પાનેતર અને ઘરચોળું. જાન માંડવે આવે ત્યારથી માંડીને જાન ઉઘલવા સુધી અને સાસરીમાં કંકુપગલાં માંડવા સુધીના સમયગાળા દરમિયાન દીકરી અનુક્રમે પાનેતર અને ઘરચોળું પહેરે છે. આ પ્રથા હજુ ચાલુ જ છે, જો કે ક્યાંય બંધ પણ થઈ ગઈ છે! પણ વાત સૌથી મહત્ત્વની હોઈ ભૂલવા જેવી તો જરાય નથી. આજે નવી પેઢીના તો બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ‘પાનેતર’ અને ‘ઘરચોળાં’માં ફરક શું છે? નામ સાંભળ્યું હશે પણ આ બે સાડીઓ વચ્ચેનો તફાવત ખબર નહી હોય!

‘પાનેતર’ એટલે શું?:
પાનેતર એટલે કન્યા માટે મામાનાં ઘરેથી આવતી સાડી. મામેરાંની સાથે મામા પાનેતર પણ લાડલી ભાણેજ માટે લઈ આવે છે. માંડવામાં શરૂઆતની રસમ સમયે કન્યા પાનેતર જ પહેરે છે. બહુ શુકનવંતું ગણાય છે પાનેતર.

પાનેતરની ડિઝાઇન શા માટે નથી બદલાતી?:

આપણે ત્યાં પાનેતર લાલ કિનારીવાળું અને અંદરનો ભાગ સફેદ હોય એ પ્રકારનું હોય છે. બોર્ડર પર અને અંદર આછું ભરતકામ થયેલું હોય છે. જો કે, ભારતમાં વિવિધ પ્રદેશો પ્રમાણે પાનેતરનો રંગ બદલે જ છે. જેમ કે, મહારાષ્ટ્રમાં પાનેતરનો રંગ પીળો હોય છે. પણ આપણે ત્યાં મોટેભાગે પાનેતર ઉપર કહ્યું તેમ લાલ કિનારીયુક્ત અને બાકીનું શ્વેત-ધવલ હોય છે. સફેદ રંગ દર્શાવે છે, કે કન્યા પિયર અને સાસરિયાંમાં શાંતિ-સૌહાર્દને જાળવી રાખે છે.

‘ઘરચોળું’ એટલે શું?:
કન્યા માટે સસરાનાં ઘરેથી આવતી સાડી એટલે ‘ઘરચોળું’. લગ્ન સમયની બાકીની વિધિઓ અને સાસરિયાનાં પક્ષની રસમો કન્યાએ ઘરચોળું પહેરીને નીભાવવાની હોય છે. ભભકાદાર ઘરચોળું પણ પાનેતરની જેમ જ શુકનવંતું છે.

ઘરચોળાંની ભાત કેવી હોય છે?:

પાનેતરની સરખામણીએ ઘરચોળું વધારે આકર્ષક જણાઈ આવે છે. સાસરીયાં દ્વારા લવાતી છાબમાં ઘરચોળું મુખ્ય હોય છે. આબરૂ ગણાય છે! ઘેરા લાલ અને લીલા રંગો તેમાં મુખ્ય હોય છે. લાલ રંગમાં સુવર્ણમય રેશમી ભરત સંપૂર્ણ હોય છે. જ્યારે બાકીના લીલા ઘરમાં મોર, પોપટ કે હાથીની ભાત પાડવામાં આવેલી હોય છે. લાલ રંગ કન્યાને સાસરીયાંની આબરૂ જાળવવાનું કહે છે જ્યારે લીલો રંગ એ આબરૂદાર ઘરને પોતાના સંસ્કારથી વધારે મહેકાવવાનું, હરિયાળું બનાવવાનું સૂચવે છે.

આવી વાત છે પાનેતર અને ઘરચોળાંની! આજે પણ અનેક જ્ઞાતિઓમાં આ ઉત્તમ રિવાજ સચવાયેલો છે. અમુક સમાજમાં એવું પણ જોવા મળે છે કે, કન્યાને મામાનાં ઘરેથી પાનેતરની સાડી આપવાને બદલે એના રૂપિયા આપી દેવામાં આવે છે. સમયનાં વહેણ પ્રમાણે બધું બદલાય છે.

આજે તો માંડવામાં બેસતી કન્યાઓ રંગબેરંગી સાડીઓ પણ પહેરે છે, જેમાં પાનેતર કે ઘરચોળાંની ઓળખ થવી પણ મુશ્કેલ બની જાય છે! કદાચ એવો પણ વખત આવશે કે, પરણતી કન્યાઓને જ આ બંને સાડીઓ શું હતી એ ખબર નહી હોય!

આર્ટિકલ ગમ્યો હોય તો આપના પરિવાર સાથે, આપના મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયામાં લીંક શેર કરજો. આ નાનકડી પણ મહત્ત્વપૂર્ણ વાત ભૂલાય ન જાય એ માટે જ તો! ધન્યવાદ!