કૌશલ બારડ

‘ગરબો’ અને ‘ગરબી’ વચ્ચે શું ફરક છે? મોટાભાગના લોકો જાણતા નથી આ સાવ સામાન્ય વાત!

નવરાત્રી આવવાને હવે ગણતરીના દિવસોની જ વાર છે. ભગવતી આદ્યઅંબાને શરણે ગરબે ઘૂમવાને ગુજરાતીઓ થનગની રહ્યા છે. ઓણુકો વરસાદ પણ બહુ સારો થવાથી ખેડૂતોમાં પણ આ વર્ષે નવરાત્રીનો ઉત્સાહ અભૂતપૂર્વ જોવા મળી રહ્યો છે.

Image Source

આ દૈવીકૃપાના માહોલમાં આજે આપણે ચર્ચા કરવી છે એક નાનકડા પણ રસપ્રદ ટોપિક પર, જેના વિશે મોટાભાગના લોકોને ખ્યાલ નથી. નવરાત્રી અને ‘ગરબા’ને તો એકબીજાથી અલગ ના કરી શકાય એ હદનો સબંધ છે. પણ શું તમે જાણો છો કે ‘ગરબો’ ખરેખર કોને કહેવાય? એથી પણ વધારે મહત્ત્વનો સવાલ : ‘ગરબો’ અને ‘ગરબી’ વચ્ચે રહેલો ભેદ તમે પારખ્યો છે કદી? ના, તો ચાલો આજે એ બાબત પર જ વાત કરવી છે :

‘ગરબો’ એટલે શું? —

Image Source

‘ગરબો’ શબ્દનું મૂળ સંસ્કૃતના શબ્દ ‘દીપગર્ભ’ અથવા તો ‘ગર્ભદીપ’ કે ‘દીપગર્ભ ઘટ’માં રહેલું છે. ‘દીપ’ એટલો દીવો અને ‘ઘટ’ એટલે ઘડો/માટલું/માટીનું વાસણ. ગરબાનો અર્થ : કાણાવાળા માટીના ઘડાની અંદર દીપ પ્રગટાવવામાં આવે તે એટલે ગરબો! ગરબો એટલે જેના ગર્ભમાં દીપકનું પ્રાગટ્ય થયું હોય.

આ ગરબાને કાં તો માથે રાખીને અથવા વચ્ચે રાખીને એની ચારેબાજુ કરાતું નૃત્ય એટલે ‘ગરબે ઘૂમવું’. તમે ઘણીવાર ગીતોમાં સાંભળ્યું હશે : “મે ગરબો કોરાવ્યો ચાચરચોકમાં રે લોલ…!” હવે આ ‘ગરબો કોરાવવો’ એટલે શું? વધારે કંઈ નહી, માટીના ઘડામાં કાણાં પાડવાની પ્રક્રિયાને ગરબો કોરાવવો કહેવાય છે.

‘ગરબો’ અને ‘ગરબી’માં ફરક શું છે? —

Image Source

ગરબો અને ગરબી એ વૃંદમાં જ ગવાતું અને રમાતું ગીત-નૃત્ય છે. ફરક એ છે કે, ગરબો સ્ત્રીપ્રધાન છે જ્યારે ગરબી પુરુષપ્રધાન છે. ગરબામાં શક્તિની-ભવાનીની ઉપાસનાની વાત હોય છે, જ્યારે ગરબીમાં વધારે કૃષ્ણભક્તિની વાતો હોય છે. હાલ તો નવરાત્રીમાં ગરબો અને ગરબી બંને ગાવામાં આવે છે.

કોણે કરી હતી ગરબાની રચના? —

Image Source

સૌપ્રથમ ગરબો લખવાનું શ્રેય અમદાવાદના વલ્લભ મેવાડાને જાય છે. તેમણે બહુચરાજીનાં સાંનિધ્યમાં ગરબાઓની રચના કરી હતી. ગરબીઓની રચના કરવાનું શ્રેય દયારામને જાય છે. મધ્યકાલીન યુગના છેલ્લા કવિ તરીકે જાણીતા દયારામે કૃષ્ણભક્તિની ગરબીઓ રચી હતી. ગરબાનો જન્મ ‘કડવા’માંથી, જ્યારે ગરબીનો જન્મ ‘પદ’માંથી થયો હોવાનું માનવામાં આવે છે.

જય આદ્યશક્તિ!
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.