અમદાવાદ: 80 લાખનો વીમો પકવવાનું ગજબ તરકટ! ભીખારીની લાશ સળગાવી બારમું પણ કરી દીધું, આવી સ્ટોરી તો તમને ફિલ્મમાં પણ નહિ જોવા મળે
Died 17 Years Ago In UP And Found Alive In Gujarat : આજકાલ જમાનો ખુબ જ આગળ વધી ગયો છે. લોકો પૈસા પાછળ ઘેલા બની ગયા છે. મોટાભાગના લોકો ગમે તેમ કરીને પૈસા ભેગા કરવા માંગતા હોય છે. કોઈ મહેનત કરીને તો કોઈ શોર્ટકટ શોધવાના પ્રયાસ કરે છે. પરંતુ કહેવાય છેને કે ખોટું ક્યારેય છૂપું રહેતું નથી, ક્યારેક તો તે પકડાઈ જ જાય છે. હાલ એવી જ એક ઘટનાની ખબર સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ પોતાના નકલી મોતનું કારસ્તાન રચીને વીમા કંપની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા અને હવે 17 વર્ષ બાદ તેની ધરપકડ થઇ.
વર્ષ 2006માં બની હતી ઘટના :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના ગૌતમબુધ્ધનગર જીલ્લામાં રહેતા અનિલસિંઘ મલેક નામના યુવકે પોતાનો જીવન વીમો પળાવવા માટે ખતરનાક પ્લાન રચ્યો હતો. તેના આ પ્લેનમાં તે એકલો જ નહિ, તેના પરિવારજનો પણ સામેલ હતા. મામલો 31 જુલાઈ 2006નો છે. રકાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો હતો. એક કાર પોલ સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. ડ્રાઇવરની સીટ પરથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ડ્રાઈવરની ઓળખ 39 વર્ષીય અનિલ મલિક તરીકે થઈ હતી, જે પરસૌલ ગામ, ગૌતમ બુદ્ધ નગરના રહેવાસી હતો. તેના જ પિતાએ લાશની ઓળખ કરી હતી.
અમદાવાદમાંથી જીવતો મળ્યો :
અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર અનિલ મલિક જીવિત હોવાની ગુપ્ત માહિતી મળી હતી. તે નિકોલ વિસ્તારમાં રાજકુમાર ચૌધરી નામથી રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તપાસ બાદ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે વીમા પોલિસીનો લાભ લેવા માટે તેના પરિવારના સભ્યો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. અનિલે પોલીસને જણાવ્યું કે તેણે વર્ષ 2004માં વીમા પોલિસી લીધી હતી. પાછળથી કાર ખરીદી.
ભિખારીની હત્યા કરી નાખી :
વર્ષ 2006માં તે આગ્રા આવ્યો અને ટ્રેનમાં ભીખ માંગી રહેલા એક વ્યક્તિને ભોજન કરાવવાના બહાને હોટેલમાં લઈ ગયો. ખોરાકમાં ઘેનની દવા ભેળવી દીધી. જ્યારે ભિખારી બેભાન થઈ ગયો ત્યારે તેને કારમાં બેસાડવામાં આવ્યો. આ પછી કાર એક થાંભલા સાથે અથડાવીને કારમાં આગ લગાવી દેવામાં આવી. મૃતદેહની ઓળખ અનિલના પિતા વિજય પાલ સિંહે તેમના પુત્ર તરીકે કરી હતી. તેમણે તેમના વતન ગામમાં અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. જેના બાદ તેના નામે રહેલા 90 લાખનો વીમો ક્લેમ કર્યો અને મેળવી લીધો.
પરિવાર પણ સામેલ :
પોતાનો ભાગ લીધા બાદ અનિલ અમદાવાદમાં રહેતો હતો. તે પોતાના વતન ગામ ગયો ન હતો. તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ અને બદલાયેલા નામથી બનેલું આધાર કાર્ડ પણ હતું. તેણે ઓટો રિક્ષા અને કાર પણ ખરીદી હતી. આ ઘટનામાં અનિલના પિતા, ભાઈ અને મિત્રની પણ સંડોવણી હોવાની આશંકા છે.
શુક્રવારે દનકૌર પહોંચેલી અમદાવાદ પોલીસે જણાવ્યું કે અનિલ મલિકના પિતા વિજયપાલ સિંહ અને ભાઈ ગાઝિયાબાદમાં રહે છે. અનિલ થોડા દિવસોથી તેના ભાઈઓ અને મિત્રોના સંપર્કમાં હતો. પોલીસ અનિલને લઈને પરસોલ ઈન્ટર કોલેજ પહોંચી. અનિલે 8મા ધોરણ સુધી કિસાન ઇન્ટર કોલેજ, પરસૌલમાં અભ્યાસ કર્યો હતો.
પોલીસે ઝડપી લીધો :
રેકોર્ડમાં તેનું નામ અનિલ મલિક હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ હવે અન્ય આરોપીઓને પકડવા પ્રયાસ કરી રહી છે. અમદાવાદ પોલીસ ઈન્ટર કોલેજમાં રેકોર્ડની ખરાઈ કરીને જરૂરી પ્રમાણપત્રો લઈને તેને લઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે જરૂરી રેકોર્ડ પૂરા પાડ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવામાં આવશે.
રકાબગંજ વિસ્તારમાં જે ઘટનાને હત્યા અને અકસ્માત તરીકે દર્શાવવામાં આવી હતી તેમાં મૃત્યુ પામનાર કોણ હતું? આ વાત આજદિન સુધી જાણી શકાઈ નથી. જ્યારે આરોપી અનિલના પિતાએ મૃતકને પોતાનો પુત્ર હોવાનો દાવો કર્યો હતો, ત્યારે મૃતક અન્ય કોઈ વ્યક્તિ હોવા અંગે કોઈ શંકા નથી. મૃત્યુ પામનાર વ્યક્તિ ભિખારી હતો, તેથી તેની સામે ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે અંગે પણ અમદાવાદ પોલીસ શોધી રહી છે.