ખેલ જગતમાં સનસની…વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ગુકેશની જીતને નથી પચાવી રહ્યા વિરોધીઓ, લગાવ્યો મેચ ફિક્સિંગનો આરોપ

Source : સ્પોર્ટ્સ / ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનતા વિરોધીઓનું પેટ દુખ્યું, ફિક્સિંગનો ગંભીર આરોપ લગાવતા હડકંપ

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે 12 ડિસેમ્બરે ગુરુવારે સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત હાંસિલ કરી. 18 વર્ષનો ગુકેશ ચીનના ડિંગ લિરેનને હરાવીને સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. જો કે હવે વિરોધી ટીમો ગુકેશની ઐતિહાસિક જીતને પચાવી શકી નથી અને તેના પર ફિક્સિંગનો આરોપ લગાવી રહી છે. તેઓનું માનવું છે કે ગુકેશની જીત ફિક્સિંગ મેચના કારણે થઈ હતી.

વાસ્તવમાં, રશિયન ચેસ ફેડરેશનના પ્રમુખ એંડ્રી ફિલાતેવે ચીની ખેલાડી લિરેન પર ફાઈનલ મેચ જાણીજોઈને હારવાનો આરોપ લગાવ્યો છે. તેણે ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) પાસેથી તપાસની માંગ પણ કરી છે. રૂસની આપત્તિ અને તપાસની માંગ કરવાની જાણકારી યુક્રેની ચેસ કોચ પીટર હીન નીલસને રૂસી સમાચાર એજન્સીના હવાલાથી આપી.

એજન્સીએ ફિલાતેવને ટાંકીને કહ્યું કે ‘વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચના પરિણામથી વ્યાવસાયિકો અને ચેસ ચાહકો સંતુષ્ટ નથી. ગુકેશ સામેની ફાઈનલ મેચમાં રિઝલ્ટ રાઉન્ડ દરમિયાન ચીનના ખેલાડીએ કેટલીક એવી ચાલ કરી હતી જે શંકા પેદા કરે. FIDE એ આની અલગથી તપાસ કરવી જોઈએ. ડિંગ લીરેન જે પરિસ્થિતિમાં હતો, ત્યાંથી કોઇ ફર્સ્ટ ક્લાસ ખેલાડી માટે હારવું મુશ્કેલ છે.

એવું લાગે છે કે ચીનનો ખેલાડી જાણીજોઈને રમત હારી ગયો. આને કારણે ઘણા પ્રશ્નો ઉભા થાય છે. જોકે, આ બાબત ચેસ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે. આ આરોપો પર FIDE શું પગલાં લે છે તે જોવું રહ્યું. જણાવી દઇએ કે, સિંગાપોરમાં છેલ્લા ઘણા દિવસોથી ડિંગની ભારતના ડી ગુકેશ સાથે સખત સ્પર્ધા ચાલી રહી હતી.

13-રાઉન્ડની મેચમાં, બંને ખેલાડીઓ 2-2 જીત સાથે બરાબરી પર હતા, જ્યારે 9 મેચ ડ્રો રહી હતી. ચેમ્પિયનશિપનો 14મો અને છેલ્લો રાઉન્ડ 12 ડિસેમ્બર ગુરુવારે યોજાયો હતો. આ નિર્ણાયક મુકાબલામાં 18 વર્ષના ગુકેશે ચીનના ગ્રાન્ડમાસ્ટરને હરાવીને 7.5-6.5ના માર્જિનથી ટાઈટલ જીત્યું હતું.

Shah Jina
Exit mobile version