કૌશલ બારડ લેખકની કલમે

ટ્રમ્પની દીકરી પણ જ્યાં ફોટો લેવા લલચાઈ તે તાજમહેલની ‘ડાયના બેન્ચ’નો ઇતિહાસ શું છે?

દુનિયાની સાત અજાયબીઓમાં ‘તાજમહેલ’નો સમાવેશ થયો છે ત્યારથી આ ઐતિહાસિક ધરોહરની મુલાકાત લેવાની ઇચ્છા હરેક ભારતીયનાં મનમાં રહેલી છે. માત્ર ભારતીયો જ નહી, તાજમહેલની પ્રસિદ્ધિ તો દુનિયાભરમાં અપાર છે. દેશ-વિદેશની અનેક જાણીતી હસ્તીઓ તાજમહેલની મુલાકાત લઈ ચૂકી છે. ભારતના પ્રવાસે આવેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારે પણ તાજમહેલની મુલાકાત લીધી છે.

Image Source

સોશિયલ મીડિયામાં હાલ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની એક તસ્વીર ધૂમ મચાવી રહી છે, જે તેમની તાજમહેલ મુલાકાત વખતની છે. આ તસ્વીરમાં ઇવાન્કા તાજમહેલની સામે આવેલી સંગેમરમરની એક બેન્ચ પર બેસેલી નજરે ચડે છે. ઇવાન્કાની સુંદરતાના તો આમેય વખાણ થઈ જ રહ્યા હતા પણ આ તસ્વીરે તેમાં ચાર ચાંદ લગાવ્યા છે.

Image Source

શું છે ‘ડાયના બેન્ચ’નો ઇતિહાસ?:
તાજમહેલ જનાર હરેક પ્રવાસીની ઇચ્છા હોય છે કે, તે તાજમહેલ પાસે સેન્ટ્રલ ટેન્ક પર રાખવામાં આવેલી ડાયના બેન્ચ પર બેસીને ફોટો પડાવે. ઇવાન્કા ટ્રમ્પ પણ આ લાલચને રોકી ન શકી. જો કે, સંગેમરમરની આ બેન્ચ પર બેસીને તસ્વીર ખેંચાવનાર પ્રસિદ્ધ હસ્તીઓમાં માત્ર ઇવાન્કા ટ્રમ્પ જ નથી. અગાઉ પણ અનેક પ્રખ્યાત વ્યક્તિઓ અહીં બેસીને ફોટો પડાવી ગયેલ છે. આખરે શા માટે ‘ડાયના બેન્ચ’ આટલી પ્રસિદ્ધ છે? તેની પાછળનો ઇતિહાસ શું છે? – આ બધા સવાલોના જવાબ અહીં જોઈશું.

Image Source

શા માટે કહેવાય છે ‘ડાયના બેન્ચ’?:
ઇ.સ.૧૯૯૨માં જ્યારે ઇંગ્લેન્ડની રાજકુમારી ડાયના(પ્રિન્સેસ ઓફ વેલ્સ) તાજમહેલની મુલાકાતે આવી ત્યારે તેણે સંગેમરમરથી કોતરેલી આ બેન્ચ પર બેસીને તસ્વીર ખેંચાવી હતી. ત્યારથી આ પાટલી ‘ડાયના બેન્ચ’ તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકુમારી ડાયના એ વખતે જગતભરમાં પ્રસિદ્ધિની ચરમસીમાએ હતી. લોકો તેની એક ઝલક જોવા રીતસર ગાંડા હતા. ડાયનાનાં જીવન વિશેની વાતો આજે પણ લોકો માટે રહસ્યમય છે.

Image Source

શાહજહાંએ આ બેન્ચ નહોતી બનાવી?:
ના, મુગલ બાદશાહ શાહજહાંએ તાજમહેલનું નિર્માણ ૧૬૩૨ થી ૧૬૪૮ના અઢાર વર્ષના ગાળામાં કરાવ્યું ત્યારે આ બેન્ચ નહોતી બનાવી. એ પછી તો ૨૬૦ જેટલાં વર્ષો પછી આ પાટલી લગાવવામાં આવી.

સેન્ટ્રલ બેન્ક પર આ બેન્ચ ૧૯૦૭-૦૮ના ગાળામાં નાખવામાં આવી. એ વખતે ભારતના વાઇસરોય તરીકે લોર્ડ કર્ઝન હતા. કર્ઝને આગ્રાના તાજમહેલની મુલાકાત લીધેલી ત્યારે આ સ્થાપત્યની પરિસરમાં અનેક ફેરફારો કરવામાં આવેલા. જેમ કે, તાજમહેલનાં બગીચામાં રહેલાં ઊંચાં ઝાડવાંઓને લીધે મહેલનો દેખાવ સરખો નહોતો આવતો, આથી બધાં ઝાડ કાપી નાખવામાં આવેલાં!

Image Source

‘ડાયના બેન્ચ’ની સાથે બીજી પણ ત્રણ સંગેમરમરની પાટલીઓ મૂકવામાં આવેલી. પણ ડાયના બેન્ચ સીધી મુખ્ય મકબરાની સામે જ આવતી હોવાથી અહીં બેસીને પડાવવામાં આવતી તસ્વીરમાં સુંદર રીતે આખો મકબરો કેદ થઈ જતો. આથી, આ બેન્ચનું મહત્ત્વ વધી ગયું.

આ બેન્ચ પર બેસીને અનેક હસ્તીઓએ ફોટો ખેઁચાવ્યા. ૧૯૬૧માં ઇંગ્લાન્ડની રાણી એલિઝાબેથ ભારત આવી ત્યારે એણે પણ અહીંથી તસ્વીર ખેંચાવી હતી. પણ ત્યાં સુધી આ બેન્ચનું કોઈ નામ ન હતું. ‘ડાયના બેન્ચ’ નામ તો ૧૯૯૨થી પ્રસિદ્ધ થયું જ્યારે બ્રિટનની રાજકુમારી ડાયનાએ અહીં તસ્વીરો ખેંચાવી.
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.