...
   

સુરતના આ હીરા કારોબારીએ મુંબઈમાં ખરીદ્યો 185 કરોડ રૂપિયાનો વૈભવી બંગલો, જાણો કેવી રીતે થયો સોદો

ગુજરાતીનો મુંબઈમાં 185 કરોડનો વૈભવી બંગલો: 32 વર્ષ પહેલાં મુંબઈમાં ભાડાના મકાનમાં રહેતા અને…જુઓ

મુંબઈ માયા નગરી છે તો સુરત ડાયમંડ નગરી છે.  સુરતની અંદર ઘણા ખેડૂતના દીકરાઓ વર્ષો પહેલા જઈને હીરા ઉદ્યોગમાં પોતાનું આગવું નામ કર્યું છે, પોતાની એક ઓળખ ઉભી કરી છે અને આજે સુરત ડાયમંડ નગરી તરીકે સ્થાપિત થઇ ચુકી છે. ત્યારે હાલ સૌરાષ્ટ્રના એક ગામના ખેડૂતમાંથી હીરાના  વ્યવસાય સાથે જોડાઈને હીરા-ઉદ્યોગપતિ બનેલા ઘનશ્યામ ધોળકિયાએ માયાનગરી મુંબઈના વરલી વિસ્તારમાં સી ફેન્સીંગ 185 કરોડનો બંગલો ખરીદ્યો છે.

ઘનશ્યામ ધોળકિયા એ ડાયમંડ ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના ભાઈ છે. તેમજ હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. ઘનશ્યામભાઈ સૌરાષ્ટ્ર સમાજમાં આટલો વૈભવી બંગલો ખરીદનારી કદાચ પ્રથમ વ્યક્તિ હશે. જે અંગેની પ્રતિક્રિયા આપતા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે “ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી આ શક્ય બન્યું છે.”

ઘનશ્યામ ભાઈ છેલ્લા ઘણા સમયથી મુંબઈના વરલી વિસ્તારની અંદર એક સારું ઘર શોધી રહ્યા હતા અને અંતે તેમને આ ઘર પસંદ આવી જતા 185 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. ઘનશ્યામભાઈએ ખરીદેલા આ વૈભવી બંગલો 19886 સ્કેવર ફીટમાં ફેલાયેલો છે અને આ આલિશાન બંગલાનું નામ પન્હાર બંગલો છે. જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે. આ બંગલો એસ્સાર ગ્રુપની કંપની આર્કાઈ હોલ્ડિંગ્સ લિ. પાસેથી ગત 30 જુલાઈએ ખરીદાયો છે.

બંગલાને ખરીદવા માટે કુલ બે એગ્રિમેન્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલુ એગ્રિમેન્ટ લીઝ લેન્ડનું હતું. જેના અનુસાર, 1349 સ્કવેર ફીટની જમીનના 47 કરોડ અને તેની સ્ટેમ્પ ડ્યુટી તરીકે 2.57 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને 36.5 કરોડની લોન પેમેન્ટ પણ કરવામાં આવી હતી. ઘનશ્યામ ધોળકિયાના નામથી રજિસ્ટર્ડ થયેલ આ 6 માળના બંગલામાં 15 એપાર્ટમેન્ટ છે.

Niraj Patel