કૌશલ બારડ લેખકની કલમે

ધૃતરાષ્ટ્રને ખબર પડી કે દુર્યોધન Race 3 જોવા જવાનો છે! અને પછી એવું થયું કે..

મહાભારતમાં એક પ્રસંગ આવે છે.

જ્યારે દુર્યોધન શિશુ હતો અને ઉત્તુંગ હિમાલયના શિખરો પરથી લાવવામાં આવેલા દેવદારના વૃક્ષના કાષ્ઠમાંથી બનેલાં પારણામાં પોઢતો હતો એ વખતે વિદુરજી જેવા પ્રખર બુધ્ધિમાન વ્યક્તિએ ધૃતરાષ્ટ્રને કહેલું કે,”મોટો થઇને આ બધાંનો કાળ જાગશે.કુરુવંશનો આ છોકરો સર્વનાશ સર્જવાને નિમિત્ત બનશે. માટે હે બંધુ! હું તમને સલાહ આપું છું કે, પુત્રમોહને ત્યજીને તમે આ બાળકનો અત્યારથી જ નિકાલ કરી દો. મને આનામાં કરાલ સર્વનાશની એંધાણી દેખાય છે!”

એ વખતે ધૃતરાષ્ટ્ર દિકરાનો મોહ ત્યજી શક્યાં નહોતા.અને પરીણામે ખરેખર એ જ દુર્યોધને આગળ જતાં મહાભારત મચાવ્યું.

પણ જો વિદુરજીએ એમ કહ્યું હોત કે, “રાજન્ ! તમારો આ પુત્ર મોટો થઇને ‘રેસ-૩’ જોવા જવાનો છે..! તો પુરી શક્યતા હતી કે, ધૃતરાષ્ટ્ર એને પારણામાં જ દબોચી દેત…! પણ ઇતિહાસ આપણા ઇચ્છા મુજબ રચાતો નથી એ સત્યવાત સ્વીકારવી જ રહી…!

* * * * *

સમય કાઢીને પણ જરૂરથી વાંચજો.આંખો ખોલી નાખતો મેસેજ – મોરારીબાપુ દસમાંમા નાપાસ થયેલા તોયે એણે એવું કદી વિચારેલું…? આઇન્સટાઇનને શિક્ષકે ચોખ્ખું કહી દીધેલું કે તું ક્યારેય ભણી શકવાનો નથી, તોયે એણે એવું કદી વિચારેલુંં…? અરે,ધીરૂભાઇની જ કરોને! એણે વળી થોડા જ ચોપડા ફાડી નાખેલા? તોયે એણે કદી એવો વિચાર કરેલો…?

જેક માને કોઇ નોકરી પણ નહોતું રાખતું. તોયે એણે એવું કદી વિચારેલું…?

અરે, આપણા મોદીસાહેબ ચા વેંચતા જ હતાં ને! તોયે એણે એવું કદી વિચારેલું…? ઉપરની કોઇ વ્યક્તિએ એવો વિચાર ત્યજીને ધગશથી મહેનત કરી જ હતી ને…!

તો વ્હાલાં વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા એ તો ખાલી તમે કરેલા પાઠ્યપુસ્તકના અભ્યાસની કસોટી છે, નહી કે તમારી જીંદગીની. એમાં ઓછા માર્ક્સ્ આવવાથી કે ફેઇલ થવાથી કદી “રેસ-૩” જોવાનો વિચાર પણ ના કરાય…!

* * * * *

લોકો ભલે એને પીને પલભરમાં મરી જતાં હોય…!

પણ હવે તો એ સાયનાઇડ પણ અમને ફીકું લાગે છે,દોસ્ત! કેમ કે, અમે પીધેલા ઝેરની ભયંકરતાનો છાંટોય સાયનાઇડમાં નથી.

એકવાર પત્ની સાથે અને એકવાર પ્રેયસી સાથે….

એમ અમે તો બબ્બે વાર “રેસ-૩” જોઇ લીધું છે…!

* * * * *

એ આખરે કરે તો કરે શું…?

કોલેજની હરેક પરીક્ષામાં એકાદ વિષયમાં ફેઇલ થતો અને બાકીનામાં પણ કંઇ ખાસ ઉકાળી શકતો નહી. વળી, શરીર ટીઁટોડી જેવું એટલે પોલીસ કે આર્મીનો રસ્તો પણ બંધ જ હતો એના માટે. ઘરેથી કાયમ ટોણાં ખાવા પડતાં. આ છોકરે તો અમારોયે અવતાર બગાડ્યો છે…! મા-બાપની આ વાત હવે તેને રોજબરોજ કાને અથડાવા માંડી. એમાંયે પેલી નિશા પણ હવે તો એને ધુત્કારવા માંડી હતી.

સંસાર ખારો ઝેર થઇ ગયેલો એના માટે….

….અને આખરે કંટાળીને એણે “રેસ-૩” જોઇ જ નાખ્યું…!

લેખક – કૌશલ બારડ
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.