ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરુવારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કપ્તાની છોડી દીધી છે.આ વખતે ચેન્નાઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો. આના પરથી શરૂઆતથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.
જણાવી દઇએ કે, ધોનીના સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જાડેજા વર્ષ 2012થી ચેન્નાઈની ટીમ સાથે છે. તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ કરી છે જેમાંથી ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે.
📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
કેપ્ટનશિપમાં આ મોટા ફેરફારનો નિર્ણય ચેન્નાઈ મેનેજમેન્ટે ટુર્નામેન્ટ શરૂ થવાના બે દિવસ પહેલા જ લીધો છે. ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થવાની છે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમ આ વખતે પોતાનું ટાઈટલ બચાવવા અને 5મું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીને ભારતના વિઝા મળ્યા છે અને તે મુંબઈ પહોંચી ગયો છે. જોકે, તે પ્રથમ મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. તેમને પ્રથમ ત્રણ દિવસ ક્વોરેન્ટાઈન રાખવા પડશે. મોઈન અલી ટીમ સાથે જોડાઈ ગયો છે, પરંતુ ઝડપી બોલર દીપક ચહર શરૂઆતની મેચોમાં જોવા મળશે નહીં.
બીસીસીઆઈની મંજૂરી ન મળે ત્યાં સુધી તે એનસીએમાં તેની ઈજાની સારવાર ચાલુ રાખશે અને તેના કારણે તે આઈપીએલની શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં. ચહર ગયા મહિને કોલકાતામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ T20Iમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેની જાંઘના સ્નાયુઓમાં ખેંચાણ હતી.