શું આવતા વર્ષે પણ મહેન્દ્ર સિંહ ધોની સંભાળશે ચેન્નાઇ સુપર કિંગ્સની કમાન ? જુઓ વીડિયોમાં ધોનીએ ટીમમાં રમવા અંગે શું કહ્યું ?

ચેન્નાઇ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનો ચાહક વર્ગ આખી દુનિયામાં ફેલાયેલો છે, માહીને મેદાન ઉપર રમતા જોવો દરેક વ્યક્તિને પસંદ છે, ત્યારે ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમમાંથી તો નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને એવી પણ અટકળો લાગી રહી છે કે ધોની હવે આઇપીએલને પણ અલવિદા કહી દેશે, ત્યારે આ બધા વચ્ચે જ આઈપીએલમાં રમવા અંગે ધોનીનું એક નિવેદન સામે આવ્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન એમએસ ધોની આગામી સિઝનમાં પણ ટીમનું નેતૃત્વ કરશે. એમએસ ધોનીએ રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચ દરમિયાન ટોસ દરમિયાન આ માહિતી શેર કરી છે. ધોનીએ ઈયાન બિશપના પ્રશ્ન (શું તે આવતા વર્ષે રમશે)નો જવાબ આપતાં કહ્યું, “ચોક્કસપણે હું આગામી સિઝનમાં રમીશ કારણ કે ચેન્નાઈને ના કહેવું અયોગ્ય હશે.”

ધોનીએ આગળ જણાવ્યું હતું કે “સીએસકેના ચાહકો માટે તે સારું નહીં હોય કે હું ચેપોક (ચેન્નઈ)માં ન રમું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવતા વર્ષે ટીમોને વિવિધ શહેરોમાં ફરવાની તક મળશે. તેથી આ વિવિધ સ્થળોએ ચાહકોનો આભાર માનવાની પણ તક હશે જ્યાં અમે મેચ રમીશું.”

ધોનીએ કહ્યું, “મને ઘણો પ્રેમ મળ્યો છે. તે દરેકને આભાર કહેવા જેવું હશે. તે મારું છેલ્લું વર્ષ હશે કે નહીં, તે નક્કી કરવું ખૂબ જ વહેલું છે. તમે જાણો છો કે અમે ખરેખર બે વર્ષ વિશે આગાહી કરી શકતા નથી, પરંતુ અલબત્ત હું આવતા વર્ષે મજબૂત પાછા આવવા માટે સખત મહેનત કરીશ.” ધોનીના આ નિવેદન બાદ તેના ચાહકોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે.

ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ તેણે IPLમાં CSK માટે રમવાનું ચાલુ રાખ્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં તેની લોકપ્રિયતા યથાવત છે. દેશના સૌથી લોકપ્રિય ક્રિકેટર હોવા ઉપરાંત, 40 વર્ષીય ધોની વૈશ્વિક આઇકોન પણ છે.

એમએસ ધોની આઈપીએલના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. ધોનીની કપ્તાનીમાં CSK ચાર વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. આ સિવાય CSK તેની કેપ્ટનશિપમાં પાંચ વખત IPLની રનર-અપ પણ રહી છે. આટલું જ નહીં CSKએ ધોનીની કેપ્ટન્સીમાં 2010 અને 2014માં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ પણ જીત્યો હતો.

Niraj Patel