આજની લગભગ 75 વર્ષ પહેલાં ગુજરાતમાં જેને લીલા નાઘેર તરીકે ઓળખ મળી છે એવાં નારિયેળીઓથી લચી પડતાં ચોરવાડની બજારમાં એક 12-13 વર્ષનો છોકરો પકોડાની રેકડી પર ઊભો રહીને ‘પકોડા લઈ લ્યો… ડુંગળીનાં, બટાકાનાં, મરચાંથી બનેલાં પકોડા લઈ લ્યો…!’ ની બૂમો પાડતો હતો. એક સદગૃહસ્થે આ જોયું અને છોકરાની પાસે આવીને એને ટપાર્યો:
‘અલ્યા, તને જોઈને લાગતું તો નથી કે તારા ઘેર ખાવાના ફાંકાં હોય! તો પછી તું આવો ધંધો શા માટે કરે છે?’
‘સા’બ! મારા ધંધાને નાનો ન કહેશો. મારા બાપા શિક્ષક છે. ઘરમાં ખાવાખોટ તો છે નહી પણ હું મારા પગ પર ઊભો રહેવા માગું છું, મારી અલગ ઓળખ બનાવવા માગું છું. ને માટે પકોડાની લારીએ ઊભો છું!’

પેલા ગૃહસ્થ આ તરુણની ખુમારી જોઈને છક્ક થઈ ગયા. કોણ હતો આ પગભર થઈને દેખાડી દેવાના ઉમળકામાં રાચતો તરુણ? અલબત્ત, વખત જતા આખા વિશ્વના વેપારધંધામાં શહેનશાહી ભોગવનાર ધીરૂભાઈ હિરાચંદ અંબાણી!
- ભણીશ તો વિચારતો જ રહી જઈશ! —
ચોરવાડના એક મોઢ વણિક કુટુંબમાં જન્મેલા ધીરૂભાઈના ઘરની આર્થિક પરિસ્થિતી વધારે ખરાબ નહી, તો એટલી સારી પણ નહી કે ઉજળી જીવનશૈલી જીવી શકાય. પિતા નિશાળમાં માસ્તર હતા. ધીરૂભાઈએ દસ ધોરણ સુધી શિક્ષણ લીધું પણ પછી ભણવામાં મન ના લાગ્યું. સપનાં તો ઘણાં રાખ્યાં હતાં. વિચાર્યું હતું, કે મારી પોતાની એક કાર હોય!
હજી તરુણાવસ્થા વટાવી નહોતી અને ધીરૂભાઈ એક દિવસ પોતાના પિતરાઈ સાથે આફ્રિકાના યમન દેશ ભણી ચાલ્યા ગયા. અહીં તેલનો કારોબાર કરતી એક કંપનીમાં પહેલા તો કારકૂનની નોકરી કરી. ધીરેધીરે પોતાના કામથી કંપનીના અધિકારીઓમાં પ્રભાવ પાડ્યો. પછી તો કંપનીએ પોર્ટ ઓફ એડન ખાતે પોતાના નવા વિભાગને સંભાળવા મોકલ્યા અને રિટેઇલ માર્કેટિંગનું કામ સોંપ્યું.

- એક ટેબલ ને ત્રણ ખુરશીથી કરેલો શુભારંભ —
એડનમાં રહીને ધીરૂભાઈને ઉદ્યોગધંધામાં ઝૂકાવવાનો વિચાર આવ્યો. પોતાની પણ એક પેઢી હોય તો કેવું રહે? 1962માં ધીરૂભાઈ આફ્રિકાથી મુંબઈ આવી ગયા. મસ્જિદ બંદરની એક ગલીમાં નાનકડી ઓરડીને પોતાની ઓફિસ બનાવી. ઓફિસનું રાચરચીલું કેવું હતું? નામનુંય નહી! એક ટેલિફોન, એક ટેબલ ને ત્રણ ખુરશીઓ. કંપની ખોલી – ‘રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન’.
15,000નું રોકાણ કરીને ધંધો ચાલુ કર્યો: પોલિએસ્ટરની આયાતનો અને મસાલાની નિકાસનો. ઉલ્લેખનીય છે, કે આફ્રિકાના વિવિધ દેશોમાં ધીરૂભાઈએ ઓલરેડી કોન્ટેક્ટ્સ વિકસાવી જ લીધા હતા.
સુતરાઉ અને ખાદીના જમાનામાં ધીરૂભાઈ પોલિસ્ટરનું કાપડ લાવ્યા એ સાહસિકતાનું ઉદાહરણ હતું. પોલિએસ્ટીન ટેલેપથેરેટના રો મટિરિયલમાંથી બનતું પોલિએસ્ટર કાપડ થોડું હાનિકારક તો હતું, પણ લાંબા સમય સુધીનો ચળકાટ અને જલ્દીથી ન ફાટવાના તેનામાં ગુણો પણ હતા.

- આપત્તિને અવસરમાં ફેરવતા શિખો! —
ધીરૂભાઈએ જ્યારે મુંબઈમાં કંપની ખોલી ત્યારે તેમનો પરિવાર પણ મુંબઈમાં એક સાંકડા મકાનમાં રહેતો, અવગડ ભોગવતો. પણ ઉદ્યમથી આખરે નસીબ પણ ખીલી ઉઠ્યું. વખત ગયો અને પંદર હજાર શરૂ કરેલી કંપનીનું થોડા જ વર્ષોમાં વાર્ષિક ટર્નઓવર 10 લાખ સુધી પહોંચી ગયું! એ પછી તો ધીરૂભાઈએ 1967માં પંદર લાખના રોકાણ સાથે ‘રિલાયન્સ ટેક્સટાઇલ’ની પણ સ્થાપના કરી. મુંબઈમાં આલિશાન ફ્લેટ ખરીદ્યો.

- શેરમાર્કેટના બેતાજ બાદશાહ તરીકે બજાવ્યો ડંકો —
ધીરૂભાઈએ રિલાયન્સને વિભિન્ન ક્ષેત્રોમાં અગ્રેસર કરી. અનેક નવા આયામો સર કરતા રહ્યા. ધીમેધીમે રિલાયન્સનો કારોબાર ભારત બહાર પણ ધરખમ નફો રોળતો અને વર્ચસ્વ જમાવતો થઈ ગયો. પાર્લામેન્ટ હાઉસ સુધી અંબાણીનું નામ લેવાનું શરૂ થઈ ગયું. દેશના હાઇપ્રોફાઇલ સ્થાનો પર બેઠેલા લોકો જોડે પણ સંપર્ક સ્થપાયો. ધીરૂભાઈ પર ઘણા આરોપો પણ લાગ્યા. વડાપ્રધાન જોડે સાંઠગાંઠ હોવી અને કાળા બજારીના મુદ્દાઓ પણ તેમની સામે ઉઠ્યા. પણ એ બધાની વચ્ચે ધીરૂભાઈએ પોતાનો ધંદો વિકસાવ્યો જ.
1977માં રિલાયન્સે જ્યારે શેરમાર્કેટમાં પગરવ કર્યો ત્યારે શરૂઆતમાં તો લોકો તેના શેર ખરીદતા ખચકાતા. પણ આજે આપણે સૌ કોઈને ખ્યાલ છે, શેરમાર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરવા માટે રિલાયન્સથી વધારે ભરોસાપાત્ર કંપની બીજી એકેય નથી! એથી જ તો આજે સૌથી વધારે રોકાણકારો રિલાયન્સમાં જ છે અને રોકાણકારોને સૌથી વધારે નફો પણ રિલાયન્સ જ આપે છે. ધીરૂભાઈએ લોકોનો આવો ભરોસો એમ જ નહોતો મેળવ્યો.

- અરબસ્તાનના શેખને ધૂળ પણ વેંચી હતી! —
ધીરૂભાઈએ જ્યારે મુંબઈમાં ‘રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન’ની ઓફિસ ખોલી એ વખતમાં સાઉદી અરબના એક શેખને ત્યાં ગુલાબની રોપણી કરવી હતી પણ પોતાના દેશમાં ગુલાબ ઉજરી શકે એ લાયક જમીન ન હોવાની તેણે ધીરૂભાઈ પાસે માટી માગી હતી અને ધીરૂભાઈએ ધૂળનો પણ વેપાર કરી લીધેલો!

- ખોટ ખાઈને પણ ધંધો ચાલુ રાખ્યો —
ધીરૂભાઈ અને ભારતના નવા પ્રધાનમંત્રી બનેલા વિશ્વનાથ પ્રતાપસિંહ ઉર્ફે વી.પી.સિંહ વચ્ચે અણબનાવ હતો. પોલિએસ્ટરની બનાવટ માટે વપરાતા કાચા માલ તરીકે ટેરિફથેલિક એસિડની આયાત કરવી પડતી. સરકારે આ આયાત માટે લાયસન્સ આપવાનું બંધ કર્યું તો રિલાયન્સે ગમે-તેમ કરીને પણ એકાદ વર્ષ ચાલે તેટલો કાચો માલ તો ભેગો કરી જ લીધેલો. ધીરૂભાઈ ઉદ્યોગપતિઓના શિખરપુરુષ બની શક્યા એનું એક કારણ એ પણ હતું, કે પોતાની ધૈર્યક્ષમતા દ્વારા તેઓ આયાતનો પૂરવઠો મળી રહે તે માટે પોતાની વસ્તુઓનો ખોટ ખમીને પણ નિકાસ ચાલુ રાખતા.

- વાર્ષિક પાર્ટીઓ હોટલમાં નહી, સ્ટેડિયમમાં રખાતી! —
મુંબઈની નાનકડી ઓરડીમાં રિલાયન્સની શરૂઆત થઈ ત્યારે સહભાગીદાર તરીકે એક પિતરાઈ, બે સહકર્મચારીઓ અને ધીરૂભાઈ: આમ કુલ મળીને ચાર જણ હતા. પણ વખત જતા એક વખત એવો પણ આવ્યો, કે જ્યારે રિલાયન્સનો પરિવાર એટલો બધો વિશાળ બની ગયો કે તેમની વાર્ષિક ઉજવણીઓ કોઈ હોટલો કે રેસ્ટોરાં ખમી શકે તેમ ન હોઈ સ્ટેડિયમોમાં જ ગોઠવાતી! રિલાયન્સ આવી પહેલી ખાનગી ક્ષેત્રની કંપની બની હતી.

- કર લો દુનિયા મુઠ્ઠી મેં! —
બાદમાં ધીરૂભાઈની તબિયત વારંવાર કથળતી એટલે આખરે તેમણે મલ્ટી સેક્ટરમાં ફેલાયેલી રિલાયન્સને પોતાના બંને દીકરાઓ, મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના હાથમાં સોંપી દીધી. ધીરૂભાઈ પથારીમાં હતા એ વખતે રિલાયન્સે ટેક્નોલોજી ક્ષેત્રે એક પહેલ કરેલી: પોતાનો સેલ્યુલર ફોન બહાર પાડવાની. એ વખતમાં સેલફોન આમ જનતા માટે દૂરનું ‘જોણું’ જ હતું. ધીરૂભાઈએ સલાહ આપેલી કે, ‘હાલ સંદેશાવ્યવહારનું સૌથી સસ્તું માધ્યમ ટપાલ છે. જો આપણા ફોનમાંથી થતો એક કોલ ટપાલની કિંમત કરતા પણ સસ્તો બને તો માનજો કે દેશની સામાન્ય જનતામાં આપણી ટેક્નોલોજીને ભરપૂર આવકાર આપશે.’ એમણે જ રિલાયન્સના સેલ્યુલર ફોન માટેનું માર્કેટિંગનું સ્લોગન ‘કર લો દુનિયા મૂઠ્ઠી મેં’ આપેલું.

- ધીરૂભાઈ રહે કે ન રહે, રિલાયન્સ હંમેશા રહેશે! —
હ્રદયરોગનો બીજો હુમલો ધીરૂભાઈ માટે જીવલેણ નીવડ્યો હતો. બે અઠવાડિયા માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના દાક્તરોએ મથામણ કરી પણ તેઓ નિષ્ફળ રહ્યા. આખરે 6 જુલાઈ, 2002ના રોજ ધીરૂભાઈએ દમ તોડ્યો. ઉદ્યોગના ક્ષેત્રમાં ભારતનું નામ દુનિયામાં ઝળકાવનાર અને લાખો લોકોને રોજગારી આપનાર અને પદ્મવિભૂષણથી સન્માનિત વ્યક્તિ જતી રહી. પણ તેમના જ શબ્દોમાં,
‘ધીરૂભાઈ ચાલ્યો જશે પણ શેરધારકો અને કર્મચારીઓના લીધે રિલાયન્સ તો રહેવાની જ છે.’
પોતાના સિધ્ધાંતોનું આંકલન જાતે કરનાર ધીરૂભાઈ વિશે કહેવાયું છે કે, ‘તેમની લોકો સાથે કામ પાર પાડવાની આવડત એક દંતકથા સમાન હતી.’ વર્ષો પૂર્વે આફ્રિકાના તટીય ક્ષેત્રો પર ગુજરાતીઓએ જઈને વ્યાપાર શરૂ કરેલો. વર્ષો બાદ એ જ ક્ષેત્રોમાં એક વધારે ગુજરાતી ગયો અને જગતભરમાં ફરીવાર ગુજરાતીઓની આવડત પર ‘યુરેકા!’ બોલાવી ગયો.

“મુશ્કેલીઓમાં પણ લક્ષ્યને વળગી રહો. તમારી આપદાને અવસરમાં બદલી નાખો!”
[ચોરવાડ જાઓ તો અહીંનો હરિયાળો બીચ અને ‘ધીરૂભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ’ ઉર્ફે ‘અંબાણીનો ડેલો’ નિહાળવાનું ના ભૂલશો. આર્ટિકલ સારો લાગ્યો હોય તો આ આર્ટિકલની લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો. જેથી તેઓ પણ કંઈક સારું વાંચીને પ્રસન્ન બને. ધન્યવાદ!]
Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks