શનિની સાડાસાતી-ઢૈય્યાથી તમે હેરાન પરેશાન થઇ ગયા છો? તો અપનાવો આ ઉપાય, શાંતિ થઇ જશે

શનિની સાડાસાતી-ઢૈય્યા: કષ્ટ કે કૃપા?

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મફળનો દાતા ગણવામાં આવે છે. શનિદેવ ક્યારેય કોઈ સાથે અન્યાય કરતા નથી, તેઓ જે આપે છે તે માત્ર આપણા કર્મોનું પ્રતિબિંબ હોય છે. કહેવાય છે કે શનિની નજર જેમ કઠોર છે, તેમ તેમનું આશીર્વાદ પણ અતિશય શક્તિશાળી છે. શનિનો ગોચર ધીમો હોય છે, તેઓ એક રાશિમાં આશરે સાડા બે વર્ષ સુધી રહે છે અને સંપૂર્ણ રાશિચક્ર પૂર્ણ કરવા માટે લગભગ 30 વર્ષનો સમય લે છે. આ કારણસર સાડાસાતી અને ઢૈય્યા જેવા સમયગાળાઓને ખાસ મહત્વ આપવામાં આવે છે, કારણ કે તે લાંબા સમય સુધી આપણા જીવનને સીધો અસર કરે છે.

સાડાસાતીનો સમયગાળો અને તેનો પ્રભાવ

જ્યારે શનિ તમારી જન્મ રાશિના બારમા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે સાડાસાતીની શરૂઆત થાય છે. તે પછી તેઓ જન્મ રાશિમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ બીજા ભાવમાં આવે છે. આ આખી પ્રક્રિયા સાડા સાત વર્ષ સુધી ચાલે છે, એટલે તેને સાડાસાતી કહેવામાં આવે છે. આ અવધિ દરમિયાન વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના ઉતાર-ચઢાવ આવે છે. કેટલીકવાર આ સમયગાળો વ્યક્તિને અત્યંત મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે, જ્યારે કેટલીકવાર આર્થિક તંગી, કારકિર્દીમાં અવરોધ, કુટુંબમાં મતભેદ અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે. સાડાસાતી માત્ર દુ:ખ લાવે છે એવો ભ્રમ છે, હકીકતમાં આ સમય વ્યક્તિને તેના કર્મોનો હિસાબ કરાવે છે અને યોગ્ય શીખ અપાવી જીવનને નવી દિશામાં ધકેલી શકે છે.

ઢૈય્યાનો અર્થ અને તેનો પ્રભાવ

ઢૈય્યા એટલે અઢી વર્ષનો સમયગાળો, જે ત્યારે શરૂ થાય છે જ્યારે શનિ જન્મકુંડળીના ચોથા કે આઠમા ભાવમાં ગોચર કરે છે. આ અવધિ તુલનાત્મક રીતે ટૂંકી હોવા છતાં ક્યારેક માનસિક તાણ, ઘરેલુ ઝગડા, આરોગ્યની મુશ્કેલીઓ અને નાણાકીય સમસ્યાઓ લાવી શકે છે. પરંતુ સાથે સાથે આ સમય વ્યક્તિને વધુ સંયમિત, જવાબદાર અને જીવનના કડવા અનુભવોથી શીખનાર બનાવે છે. ઘણીવાર લોકો માને છે કે ઢૈય્યા ખૂબ જ મુશ્કેલ સમય છે, પરંતુ જો ભક્તિભાવ સાથે આ અવધિ પસાર કરવામાં આવે તો તે નવા મોકા અને અનુભવો લઈને પણ આવી શકે છે.

શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો

જ્યોતિષીઓના મતે, સાડાસાતી અને ઢૈય્યા બંનેના પ્રભાવને ઘટાડવા માટે ભક્તિ, દાન અને સેવાનું મહત્વ વિશેષ છે. પ્રાત:કાળે સ્નાન કર્યા બાદ શનિદેવની પ્રાર્થના કરવી જોઈએ અને શક્ય હોય તો શનિ સ્તોત્ર કે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિવારે સરસવના તેલમાં પોતાનું પ્રતિબિંબ જોઈને તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જો દાન માટે કોઈ ન મળે તો તેલ પીપળના વૃક્ષ નીચે અર્પણ કરવું જોઈએ. દર શનિવારે પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી શનિદેવને ક્ષમા યાચના કરવાથી અશુભ પ્રભાવ હળવો થાય છે.

હનુમાનજીની ઉપાસના પણ શનિદેવને પ્રસન્ન કરવામાં સહાયક છે. હનુમાન ચાલીસાનો પાઠ, શનિવારે લાલ ચોળા ચઢાવવું, મંદિરમાં જવાનું નિયમિત કરવું — આ બધા ઉપાયો સાડાસાતી અને ઢૈય્યાના કષ્ટ ઘટાડે છે. ભગવાન શિવની આરાધના અને “ઓમ નમ: શિવાય” મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. પ્રાણીઓની સેવા, ખાસ કરીને ગાયને ચારો ખવડાવવો, કુતરા અને કાગડાને રોટલી ખવડાવવી, ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે. ઉપરાંત ગરીબોને અન્નદાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-શાંતિનો પ્રવેશ થાય છે.

સાડાસાતી-ઢૈય્યા: આશિર્વાદનો રૂપ પણ બની શકે

જોકે સામાન્ય માન્યતા છે કે સાડાસાતી અને ઢૈય્યા માત્ર દુ:ખ આપે છે, પરંતુ હકીકતમાં તે આત્મમંથન અને જીવનના સાચા માર્ગ પર લાવવાનો સમય છે. જે લોકો આ અવધિમાં ધીરજ રાખે છે, પોતાના કર્મ સુધારે છે અને ભક્તિભાવ અપનાવે છે તેઓ માટે આ સમયગાળો નવા મોકા, આત્મવિશ્વાસ અને જીવનમાં સ્થિરતા લાવી શકે છે. શનિનું આશીર્વાદ જીવનને કઠોર પરિસ્થિતિમાંથી બહાર કાઢીને વધુ ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી શકે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Aanchal
error: Unable To Copy Protected Content!