સાંજના સમયે બજારમાંથી આ વસ્તુ ખરીદી લાવો, હંમેશા બની રહેશે લક્ષ્મીજીની કૃપા !

દિવાળીના મહાપર્વની શરૂઆત આમ તો વાઘ બારસથી જ થઈ જતી હોય છે પણ મોટેભાગે દિવાળીનો માહોલ ધનતેરસના દિવસથી જ બંધાય છે. આસો મહિનાની વદ તેરસનો દિવસ એટલે ધનતેરસ. અંધકારમાંથી ઉજાસ તરફ જીવનની ગતિ સમયનો પહેલો પડાવ એટલે ધનતેરસ. વર્ષોની આપણી પરંપરા ધનતેરસના પર્વને અમૂલ્ય માને છે. એનું કારણ છે – આ દિવસે મનુષ્યને મળતો ધનલાભ અને આયુષ્યલાભ! યોગ્ય રીતે જો ધનતેરસના દિવસે અમુક સામાન્ય વિધિઓ પણ કરી લેવામાં આવે તો માણસનું જીવન આનંદથી ભરાઈ ઉઠે છે.

ધનતેરસ શા માટે? —

પૌરાણિક કથા મુજબ, દેવો અને દાનવોએ સમુદ્રમંથન કરેલું. આજના દિવસે જ એ મંથનમાંથી હાથમાં અમૃતનો ઘડો લઈને ભગવાન ધન્વંતરિ પ્રગટ થયેલા! કહેવાય છે, કે ભગવાન વિષ્ણુએ જ ધન્વંતરિનું રૂપ ધર્યું હતું. ધન્વંતરિને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. આજે પણ તમે ઘણા ડોક્ટરોની ક્લિનીકમાં ભગવાન ધન્વંતરિની છબીઓ જોઈ શકશો. આરોગ્યની સમૃધ્ધિ માટે ધન્વંતરિની પૂજા કરવી જ રહી.

આમ, ધનતેરસ એ મુખ્યરૂપથી ધન્વંતરિ ભગવાનના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત લોકો આજે લક્ષ્મીજીની પણ પૂજા કરે છે. કહેવાય છે, કે ધનતેરસના દિવસે લક્ષ્મીજીનું હ્રદયભાવથી પૂજન કરવાથી ઘરમાં કાયમ માટે તેઓ વસવાટ કરે છે.

વળી, એક કથા એવી પણ છે આજના દિવસે જ બલીરાજાની કેદમાંથી ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને છોડાવેલા. આથી આ દિવસ લક્ષ્મીજીની પૂજા માટે પણ ખાસ છે.

આમાંથી એકાદ ચીજની ખરીદી તો કરો જ

ધનતેરસના દિવસે મોટેભાગે લોકો સોનું-ચાંદી કે અન્ય કોઈ ઘરેણાં-આભૂષણો ખરીદતા હોય છે. આનું કારણ આ દિવસે રચાતો શુભયોગ છે. કિંમતી આભૂષણોની ખરીદી માટે ધનતેરસને શ્રેષ્ઠ માનવામાં આવે છે. માત્ર આભૂષણો જ નહી, તાંબા-પિત્તળનું એકાદ વાસણ પણ જો આજના દિવસે ખરીદવામાં આવે તો ઘણું જ શુકનવંતુ માનવામાં આવે છે. ધન્વંતરિ ભગવાન હાથમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થયેલા એટલે વાસણની ખરીદી કરવાની પ્રથા છે.

સોના-ચાંદીના ઘરેણાં લેવાની બધાની શક્તિ ના પણ હોય, આથી પિત્તળનું એકાદ વાસણ ઘરમાં વસાવવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. પિત્તળનું વાસણ ધન્વંતરિ ભગવાનને પ્રિય છે જ, પણ તે ઉપરાંત વૈજ્ઞાનિક રીતે પણ એલ્યુમિનિયમ સહિતના વાસણો કરતા એ હજાર દરજ્જે શ્રેષ્ઠ છે. ખોરાકની અંદરનાં પોષકતત્ત્વોને જાળવી રાખવા હોય તો એનો સંગ્રહ પિત્તળના વાસણમાં જ કરવો જોઈએ.

લોકો આજના દિવસે ચાંદીનો સિક્કો પણ ખરીદવાનો આગ્રહ રાખે છે. વળી, સૌભાગ્યનું પ્રતિક એવી લાલ સાડીઓ ખરીદવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. અમુક લોકો આજના દિવસે ધાણાનાં બીજ પણ ખરીદે છે, જેને દિવાળી પછી બાગ-બગીચા કે વરંડામાં વાવી દે છે. આ ઉપરાંત, ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવાને પણ શુભ માનવામાં આવે છે.

આ ચીજો ભૂલથી પણ ના લેતા 

ધનતેરસના દિવસે ખરીદીમાં લોખંડ કે એલ્યુમિનિયમની કોઈ વસ્તુઓ સામેલ કરવા સામે નિષેધ કરવામાં આવે છે. આ ઉપરાંત, કાચની વસ્તુઓ, કાળાં વસ્ત્રો કે નકલી સોનાનાં આભૂષણો પણ ના ખરીદવા. આવી વસ્તુઓની ખરીદી આ દિવસ પૂરતી મુલતવી રાખવી હિતાવહ છે.

 ધનતેરસના દિવસે સંધ્યા ઢળે ત્યારે દક્ષિણ દિશામાં દીવો કરવો 

યમરાજાને એક પ્રશ્ન કરવામાં આવેલો કે, માણસ અકાલ મૃત્યુ પામવાથી બચી શકે એવો કોઈ ઉપાય ખરો? યમરાજાએ એ વખતે ધનતેરસના દિવસની સાંજે દક્ષિણ દિશામાં ‘યમદીપ’ પ્રગટાવવાનું સૂચન કરેલું. આજે પણ એ પરંપરા જાળવવામાં આવે છે. દક્ષિણ દિશામાં સાંજે દીપ પ્રગટાવીને યમરાજનું સ્મરણ કરી લેવાથી ક્યારેય પણ અકાલ મૃત્યુની નોબત આવતી નથી. જો આ દીવો ઘરની દીકરી કરે તો આખા પરીવારને તેનો લાભ મળે છે. આમ, ‘યમદીપ’નું મહત્ત્વ પણ ધનતેરસના દિવસે ખાસ છે.

યમરાજાનું સ્મરણ કરીને, વંદના કરીને દીપ પ્રગટાવતી વખતે આ શ્લોકનો પાઠ પણ કરી લેવો:

मृत्युना पाशदण्डाभ्यां कालेन च मया सह |
त्रयोदश्यां दीपदानात सूर्यज: प्रीयतामिति ||

કુબેરપૂજા 

આપણાં શાસ્ત્રોએ ધનના અધિપતિ દેવ તરીકે કુબેરને ગણાવ્યા છે. દેવોના ખજાનચી તરીકે કુબેરની ઓળખાણ અમસ્તી જ નથી પડી. ધનતેરસના દિવસે તેમની પૂજાનું મહાત્મય પણ અનેરું છે. ધનના રખેવાળ દેવ તરીકે કુબેરને માનવામાં આવે છે. એમની અવિરત કૃપા હોય તો ઘરમાં નિશ્વિતપણે ધનવૃધ્ધિ રહેવાની જ. આમ, ધનતેરસનો દિવસ એટલે ચાર દેવતાઓની ખાસ વંદના કરવાનો દિવસ: કુબેર, લક્ષ્મીજી, ધન્વંતરિ ભગવાન અને યમરાજા.

આમ, ઉપર વર્ણવેલી વાતોનો ધનતેરસના પાવન અવસરે અમલ કરવાથી ઘરમાં સુખ-સમૃધ્ધિ અને ચેતનાનો સંચાર થાય છે. આપનું આ પર્વ શુભ રહે એવી શુભેચ્છાઓ. માતા લક્ષ્મી અને ભગવાન કુબેર સંપતિ પ્રદાન કરે, યમરાજ લાંબું આયુષ્ય અર્પે અને ભગવાન ધન્વંતરિ કુશળ સ્વાસ્થય આપે એ જ પ્રાર્થના.

Shah Jina