ધંધુકાના માલધારી યુવકની હત્યાકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ, ધંધુકાની મસ્જિદમાં ATSએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

25 જાન્યુઆરીના રોજ ધંધુકા શહેરમાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કેસમાં એક પછી એક ઘટસ્ફોટ થઇ રહ્યા છે. કિશનની હત્યા પાછળ પાકિસ્તાનના પણ તાર જોડાયેલા જોવા મળી રહ્યા છે. પોલીસે આ મામલાની અંદર જમાલપુરમાં રહેતા એક મૌલવી ઐયુબ જવરવાલાની પણ ધરપકડ કરી છે. ત્યારે પોલીસ તપાસની અંદર આ મામલાના કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયા હોવાનું પણ સામે આવ્યું છે.

કિશનની હત્યા પાછળ બે કટ્ટરવાદી સંગઠનો જોડાયેલા હોવાનું સામે આવતા હવે આ મામલાની તપાસ ગુજરાત ATSને સોંપવામાં આવી છે. જેમાં તહેરીક એ નમુને રિસાલત નામનું સંગઠન પણ કિશનની હત્યા પાછળ જવાબદાર હોવાનું મીડિયા રિપોર્ટ અનુસાર માનવામાં આવી રહ્યું છે. આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. આ સંગઠનનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે પણ હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે હવે મામલામાં એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે. આ ઘટનાના તાર રાજકોટ સાથે પણ જોડાયા છે અને જાણવા મળ્યું છે કે રાજકોટની એક વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હતા.ત્યારે હાલ ATS દ્વારા તપાસને વધુ ઝડપી બનવતા ધંધુકામાં આવેલી મસ્જિદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

કિશને સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કર્યા બાદ અન્ય સમાજ સાથે સમાધાન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આરોપી શબ્બીરે તેને સબક શીખવાડવાનું નક્કી કરતા દરરોજ ધંધુકાથી અમદાવાદ જમાલપુર મૌલવીને મળવા જતો હતો. તો મીડિયા રિપોર્ટ અનુસાર કિશનને મારી નાખવા માટેની પણ ધમકીઓ મળી રહી હતી. આખરે 25 જાન્યુઆરી મંગળવારના રોજ તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

Niraj Patel