જીવનશૈલી

દુબઈમાં રહેતી આ મૂળ ગુજરાતી મમ્મીએ પોતાના નાના દીકરા સાથે કરી ક્રિયેટિવ ફોટોગ્રાફી, જુઓ તસ્વીરો

આપણે ઘણી સ્ત્રીઓ જોઈ હશે કે જે માતા બન્યા પછી માત્રને માત્ર પોતાના બાળક પર જ ધ્યાન આપે છે. જે માતા બન્યા પહેલા ખૂબ જ એક્ટિવ અને ક્રિયેટિવ હોય છે,

પણ માતા બન્યા પછી તેમની દુનિયા માત્રને માત્ર તેમનું બાળક જ હોય છે. બહાર જવાનું, કોઈ ક્રિયેટિવ કામ કરવાનું કે નોકરી કરવાનું તેમને પછી ગમતું નથી. પણ ત્યારે જ એવી મમ્મીઓ પણ છે કે જે પોતાના બાળકનો ઉછેર કરવાની સાથે સાથે જ તેમના બાળકની સાથે કઈંક ક્રિયેટિવ કરી લેતી હોય છે.

આજે આપણે વાત કરીએ આવી જ એક મમ્મી વિશે કે જેને પોતાના દીકરાને સાથે રાખીને ક્રિયેટિવ ફોટોગ્રાફી કરવાનું શરુ કર્યું. મૂળ પોરબંદરના અને લગ્ન બાદ રાજકોટ અને પછી દુબઇ સેટ થયેલા ધર્મિષ્ઠા ભરડવા વિશે એમના જ શબ્દોમાં જાણીએ –

ધર્મિષ્ઠાબેન જણાવે છે કે ‘હું મૂળ પોરબંદરથી અને લગ્ન બાદ રાજકોટ અને ત્યારબાદ દુબઈ સેટ થઇ છું. મને વાંચન, લેખન, ફોટોગ્રાફી અને બીજી ક્રિયેટિવ પ્રવૃતિઓમાં ઘણો રસ છે. મારા દીકરા રિશીતના જન્મ પહેલા હું એક ખાનગી કંપનીમાં નોકરતી હતી અને ફ્રી ટાઈમમાં મને ગમતી પ્રવૃત્તિ કરતી. મને હંમેશા એક્ટિવ રહેવું ગમે છે. પછી મારા દીકરા રિશીતનો જન્મ થયો અને મેં નોકરી છોડી દીધી.’

‘જેમ જેમ સમય વીતતો ગયો અને રિશીત મોટો થતો ગયો અને એકલો રમતો થયો એટલે મને લાગ્યું કે મારે ફરીથી હવે મારા ટ્રેક પર આવવું જોઈએ. પણ મારા માટે મારા બાળકનો ઉછેર વધુ મહત્વનો છે અટલ હું નોકરી તો શરુ ન કરી શકું. એટલે મેં એના વિશે વિચાર્યું અને એક બીજો વિકલ્પ શોધી કાઢ્યો.’

‘મને ફોટોગ્રાફીનો શોખ તો હતો જ એટલે મેં રિશીતના ફોટોસ ક્રિયેટિવ રીતે ક્લિક કરવાનું વિચાર્યું. હવે અહીં વાત આવતી હતી મોંઘવારીની. દુબઈમાં રેડીમેડ મટીરીયલ ઘણું જ મોંઘુ મળે અને આવા મોંઘા શોખ ન પરવડે. એટલે માટે વસ્તુઓ બજારમાંથી ખરીદવાનું ઠીક ન લાગ્યું. આખરે મેં ઘરે જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું નક્કી કર્યું.’

વધુમાં આગળ જણાવતા ધર્મિષ્ઠાબેને કહ્યું કે ‘હું જાતે જ ઘરે જ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને ક્રિયેટિવ સેટ તૈયાર કરવા લાગી. મેં વેસ્ટ ફોઈલ, ચાદર, ટીશ્યુ પેપર, નાકામ ખોખાઓ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને જાતે જ ફોટોશૂટ માટે સેટ બનાવવાનું ચાલુ કર્યું. અને રિશીતની તસ્વીરો ક્લિક કરવા માંડી.’

‘શરૂઆતમાં તો તસ્વીરો ક્લિક કરીને મિત્રો અને પરિવારના લોકોને બતાવવા માટે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર મુક્યા. બધાએ જ મારી ક્લિક કરેલી તસ્વીરોને વખાણી અને પછી બધા પાસેથી સારું પ્રોત્સાહન મળવા લાગ્યું. એટલે મેં આગળ જુદી-જુદી થીમ પર તસ્વીરો ક્લિક કરવાનું ચાલુ રાખ્યું.’

આગળ પણ આ કામ ચાલુ રાખવા અંગે ધર્મિષ્ઠાબેનનું કહેવું છે કે હજુ એમને ઘણી થીમ પર ફોટોગ્રાફી કરવાની છે. અને તેઓ આ કામ ચાલુ રાખશે. ‘જો મદદની વાત કરું તો તસ્વીરો ક્લિક કરવામાં મારા પતિ અશ્વિનની મદદ લઉં છું. આ સિવાય સેટ રેડી કરવામાં કોઈ સૂચનો જોઈતા હોય તો મારા ભાઈ-બહેનોની મદદ લઉં છું.’

નાના દીકરા સાથે ફોટોગ્રાફી કરવાના અનુભવ વિશે ધર્મિષ્ઠાબેન કહે છે કે ‘રિશીત ઘણો એક્ટિવ છે. એ મને સરળતાથી ફોટોસ ક્લિક કરવા દેતો નથી. એટલે એ જયારે ઊંઘતો હોય ત્યારે તેની તસ્વીરો લેવું મારા માટે સરળ રહે છે. ક્યારેક તે જાગી જાય ત્યારે સેટ ખરાબ થઇ જાય તો ક્યારેક એવું પણ બને છે કે મારે એક જ સેટ 3-4 વાર બનાવવો પડે છે. એ પછી મને એક-બે સારા ફોટોઝ મળે છે.’

‘આમ, રાતના સમયે ફોટો ક્લિક કરવામાં ક્યારેક રાતના 2 કે 3 સુધી જાગવું પડે છે અને રિશીત જાગી ન જાય અને ફોટોસ પણ સારા ક્લિક થાય તેની ખાસ કાળજી રાખવી પડે છે.’