PM મોદીએ કહ્યું, ભાવનગર આવું એટલે ગાંઠીયા યાદ આવે, પણ નવરાત્રિનું વ્રત ચાલે એટલે…

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે તેઓ આજે સુરત અને ભાવનગર આજે ભાવનગર પહોંચ્યા હતા. અહીં તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો અને તેઓએ કરોડોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ. PM મોદીએ જવાહર મેદાન ખાતે જંગી સભાને સંબોધી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ વર્ષે ભાવનગર તેની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. 300 વર્ષની આ સફરમાં ભાવનગરે સતત વિકાસ કર્યો છે, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે પોતાની ઓળખ બનાવી છે.

ભાવનગર દરિયા કિનારે આવેલું છે. ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે. પરંતુ આઝાદી પછીના દાયકાઓમાં દરિયાકાંઠાના વિકાસ તરફ ધ્યાન ન આપવાના કારણે આ વિશાળ દરિયાકિનારો લોકો માટે એક પ્રકારનો મોટો પડકાર બની ગયો હતો. દરિયા કિનારે આવેલા ગામો ખાલી થઈ ગયા, લોકો સ્થળાંતર કરવા લાગ્યા. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં અમે ગુજરાતના દરિયાકિનારાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. રોજગારીની ઘણી નવી તકો ઊભી કરી.

અમે ગુજરાતમાં ઘણા બંદરોનો વિકાસ કર્યો છે, ઘણા બંદરોને આધુનિક બનાવ્યા છે. આજે ગુજરાતની કોસ્ટ લાઇન લાખો લોકો માટે રોજગારીનું માધ્યમ બની છે, ઉપરાંત દેશના આયાત-નિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. આજે, ગુજરાતનો દરિયાકિનારો પુનઃપ્રાપ્ય ઊર્જા અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પર્યાય તરીકે ઉભરી રહ્યો છે. ભાવનગરનું આ બંદર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવશે અને અહીં રોજગારીની સેંકડો નવી તકો ઉભી થશે. સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સને લગતા વેપાર-વ્યવસાયનું વિસ્તરણ થશે.

પીએમ મોદી તેમની બે દિવસીય મુલાકાતે ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ ભાવનગર પહેલા સુરતમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ સુરતમાં રૂ. 3,400 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પાયાના પથ્થરમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, ડ્રીમ સિટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ જેમ કે જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ કહ્યુ કે, મને આવવામાં કેટલાક વર્ષો લાગ્યા ગયા, હું મોડો આવ્યો પણ ખાલી હાથે નથી આવ્યો. ગત વર્ષોનું બાકી હતું તે પણ લઇને આવ્યો છું. આમ પણ ભાવનગરનો મારા પર અધિકાર છે. પીએમ મોદીએ આગળ કહ્યુ કે, ભાવનગર આવું એટલે નરસિંહ મામાના ગાંઠીયા, દાસના પૈંડા, અને ગાંઠીયા યાદ કરું. ઘણા વર્ષો પહેલા મને ગાંઠિયા ખાવાનું હરિંસિંહ દાદાએ શિખવ્યું. તે જ્યારે અમદાવાદ આવે એટલે ગાંઠિયા લેતા આવે. આજે જ્યારે ભાવનગર આવ્યો ત્યારે નવરાત્રિનું વ્રત ચાલે એટલે નકામું. પણ છતાય ભાવનગરના ગાંઠિયા દેશ અને દુનિયામાં વખણાય તે નાની વાત નથી. આ ભાવનગરની તાકાત છે. પીએમે ભાવનગરમાં 5200 કરોડથી વધુના વિકાસના કામોનું મૂહુર્ત અને લોકાર્પણ કર્યુ હતુ.

Shah Jina