દેવભૂમિ દ્વારકામાં કોરોનાથી પરિવારના મોભીનું થયું મોત, તો પરિવારના સભ્યોએ “અમારું કોણ ?” એમ કરીને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું

કોરોના વાયરસના કારણે આખો દેશ હેરાન થઇ રહ્યો છે, ઘણા લોકોને કોરોનાએ પોતાનો શિકાર બનાવ્યા છે તો ઘણા પરિવારોને ઉજાળી પણ નાખ્યા છે. આ દરમિયાન ઘણી એવી ઘટનાઓ સામે આવી રહી છે જે જોઈને આપણે પણ હચમચી ઉઠીએ.

હાલ એવી જ ઘટના દેવભૂમિ દ્વારકામાં બની છે. જ્યાં કોરોનાના કારણે આખો જ પરિવાર વેર વિખેર થઇ ગયો છે. પરિવારના મોભીનું કોરોનાના કારણે મોત થતા જ પરિવાર પાસે પણ કોઈ આધાર ના રહેવાના કારણે તેમને પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે.

દેવભૂમિ દ્વારકાના ટીવી સ્ટેશન પાસે આવેલા ઋક્ષમણીનગર ખાતે ભાડાના મકાનમાં રહેતા જયેશભાઇ જૈન ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓને બે-ત્રણ દિવસ પહેલા જ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. જેથી તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી.

આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે જયેશભાઇનું અવસાન થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. તેવામાં જેયેશભાઇના પત્ની અને બે પુત્રોને આઘાત લાગ્યો હતો. “હવે અમારું કોણ અને શું કરીશું?” આવો વિચાર કરી અને પરિવાર ભાંગી પડ્યો હતો.

વહેલી સવારે જયારે દૂધવાળો દૂધ આપવા માટે આવ્યો ત્યારે ઘરમાંથી કોઈ બહાર ના આવતા આસપાસના લોકોને જાણ કરી હતી જેના બાદ માલુમ પડ્યું કે જયેશભાઈના પત્ની અને બંને પુત્રોએ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કરી લીધું છે.

આસપાસના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી, ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પત્ની સાધનાબેન જૈન, મોટા પુત્ર કમલેશ જૈન અને નાના પુત્ર દુર્ગેશ જૈનનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો. ત્રણેયના મૃતદેહની પાસે જ એક ગ્લાસ જંતુનાશક દવાથી ભરેલો હતો. તમામ લોકોએ જંતુનાશક દવા ગટગટાવી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે તમામના મૃતદેહે પોસ્ટ મોર્ટમ માટે દ્વારકા સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ કે અન્ય વાંધાજનક વસ્તુ મળી આવી નથી. પ્રાથમિક તપાસમાં પરિવારના મોભીના નિધનથી આઘાતમાં જ તમામ લોકોએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે.

Niraj Patel