મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો ..

આજના સાતેક વાગ્યા હશે ને હું બીઆરટીએસ રોડ કેનાલની બાજુમાં આવેલ એક ફાર્મ હાઉસમાં ઉભો હતો. સાંજના લગ્નની એક અલગ જ શોભા હોય છે, આ ફાર્મ હાઉસમાં અગાઉ હું ચારેક વાર આવી ગયો હતો. એકી સાથે ચાર લગ્ન હતા. બધાજ ખુરશીઓ પર ગોઠવાઈ ગયા હતા. એક પછી એક વરરાજા સિનીયોરીટી પ્રમાણે આવી રહ્યા હતા એમની સાથે જાનૈયાઓ પણ આવી રહ્યા હતા.. જોધપુરી અને સુરવાળ પહેરેલા જાનૈયાઓ જાનૈયા થોડા અને જાદુગર જાજા લાગી રહ્યા હતા. બધા જ વરરાજા દાઢી વાળા હતા.. થોડા સમયથી આ ટ્રેન્ડ શરુ થયો છે.. બાકી મારા વખતમાં તો આવા કઈ નખરા નહોતા એયને પેન્ટ શર્ટ અને સુટમાં જ લગ્ન થઇ જતા હતા!! મારી નજર ભોજન વિભાગ તરફ હતી..આજ ફાર્મ હાઉસ પર અગાઉ કડવા અનુભવ થયા હતા એટલે નક્કી જ કરી લીધું હતું કે લગ્ન સુરતમાં હોય અને ફાર્મ હાઉસમાં હોય એટલે જમવામાં ઉતાવળ કરવી.. કારણ પછી ભીડ હોય છે.. અને અમુક જમવાની આઈટમ ફક્ત તમને શરૂઆતમાં જ દેખાય પછી એ આપોઆપ અદ્રશ્ય થઇ જાય છે!!
જોકે એમાં બે કારણો જવાબદાર હતા એક તો ચાર કે પાંચ જણાનું ભેગું રસોડું હોય અને દરેક ભાગીદાર ભેગું રસોડું હોય એટલે સો દોઢસો જણા વધારાના આમંત્રે એને એમ કે ભલે ને ખાતા ખર્ચના તો સરખા જ ભાગ પડવાના છે.. અને બીજું કારણ કે આવા ફાર્મ હાઉસમાં વગર નિમંત્રણે પણ ઘણાં લોકો ધરાહાર જમી જતા હોય છે..અને આવા જમવાવાળા શરૂઆતમાં જમીને જતા રહે છે પરિણામે છેલ્લે તમામ વસ્તુ ઓ ઘટતી હોય છે!! પાછું મોડે મોડે નવું શાક બને..નવી દાળ બને પણ એ ખાવામાં કોઈ સ્વાદ નહિ એટલે નક્કી જ કરેલું કે સુરતમાં લગ્ન હોય એટલે પેલી લાઈનમાં જ થાળી પકડી જ લેવાની!!
જમવાની હાકલ પડી અને હું લાઈનમાં ગોઠવાયો. થાળીમાં તમામ જરૂરી વાનગીઓને ગોઠવીને હું એક ખૂણામાં નિરાંતે બેસીને ધીરે ધીરે જમવા લાગ્યો. કારણ કે બીજીવાર લેવા જવાનો વારો હવે અરધી કલાક પછી આવવાનો હતો. હું જ્યાં બેઠો હતો ત્યાં એક બીજો ભાઈ આવીને મારી સામે જોઇને હસીને હળવેકથી બેઠો અને જમવા લાગ્યો. આમ તો મારી જેટલી ઉમર હશે પણ સિંગલ બોડી!! નાનકડા મોઢા પર મોટી મુંચ અને ફ્રેંચ કટ દાઢી!! માથામાં સુગંધી તેલ નાંખેલું હતું. નેવી બલ્યુનું ટી શર્ટ પહેરેલું હતું.. મારી સામે એ ધારી ધારી જોઈ રહ્યો હતો મને ચહેરો જાણીતો લાગ્યો પણ બરાબર ઓળખાણ ન પડે ત્યાં સુધી હું કોઈને સામેથી નથી બોલાવતો એટલે હું મૂંગો રહ્યો!! થોડી વાર પછી એ બોલ્યો.

“કેમ છે લેખક સાહેબને??? ઓળખાણ પડે છે કે નહિ?? હવે તમે અમને ક્યાંથી ઓળખો???” ભજીયા ને ચટણીમાં બોળતા બોળતા એ બોલ્યો.

“ ના ચહેરો જાણીતો લાગે છે પણ હજુ બરાબર ઓળખાણ નથી પડતી.. ઘણા સમયથી ના મળ્યા હોય ને એટલે એવું થાય એ સ્વાભાવિક છે” હું બોલ્યો.
“પણ તોય હું ના ઓળખી ગયો??? એમાં એવું છે ને કે અમુક ચહેરા કાયમ મને યાદ રહી જાય મુકાકા” પેલો વ્યક્તિ રબડી ખાતા ખાતા બોલ્યો.. આમ તો એ રબડી ખાતો નહોતો પીતો હતો. એકી શ્વાસે રબડીનો આખો વાટકો એણે ખાલી કરી નાખ્યો હતો. પણ એક વાત નક્કી હતી કે એણે મને કાકા કીધું એટલે એ મારા ગામનો હોવો જોઈએ.. મેં એને ધારી ધારી ને જોયું ને અચાનક જ એના ડાબા ગાલ પર પડેલા એક ચીરા પર મારી નજર પડી અને એમાંથી એક ચહેરો પ્રકટ થયો અને મેં તરત જ ઉત્સાહથી પૂછ્યું.

“તું દેવદત તો નહિ.. નટુદાદાનો દેવલો નહિ ને???”

“ હા અબ સહી ફરમાયા હું દેવલો!! દેવલો ત્રિકાળ જ્ઞાનીનો દીકરો એ હું આઈ એમ પોતે!! દેવલો બોલ્યો અને તરત જ એ ખાવાનું પડતું મુકીને મને ભેટી પડ્યો.. દેવલો મારો લંગોટીયો ભાઈબંધ હતો!! એક આખો સમયગાળો મારી આંખ સામેથી પસાર થઇ ગયો!!!
દેવદત્ત એનું નામ!! દેવદત નટવરલાલ વ્યાસ!! આમ તો આ નામ ફક્ત હાજરીપત્રકમાં જ હતું બાકી ગામ આખું એને નટુદાદાનો દેવલો એમ કહેતું.. દેવલાની સારથના બધા એને દેવલો ત્રિકાળજ્ઞાની કહેતા અને જેને દેવલા સાથે વધુ ઘનિષ્ઠતા હતી એવા મારા જેવા છ થી સાત આઠ મિત્રો એને ત્રિકાળજ્ઞાની દીકરો કહેતા અને દેવલાને એનો જરાપણ વાંધો નહોતો.

હું જગો ,દીપલો , રાકલો અને દેવલો આ પાંચ પાકા ભાઈ બંધ. સાથે જ ભણતા અને સાથે જ રમતા. અમારા બધા કરતા દેવલાના ઘરની સ્થિતિ સારી હતી.દેવલાને વાંચનનો વિશેષ શોખ હતો. એ નીત નવા પુસ્તકો વાંચકો અને પછી એ પુસ્તકનો સાર અમને કહી સંભળાવતો. કનુ ભગદેવ. ગૌતમ શર્મા અને હરકિશન મહેતાના તમામ પુસ્તકો દેવલાએ પ્રાથમિક શાળામાં ભણતા ભણતા જ પુરા કરી દીધેલા!! અમારી શાળામાં એક સાહેબ તાલુકા મથકથી અપ ડાઉન કરતા હતા. એ આ બધા પુસ્તકો નિશાળમાં લાવતા. એ અમને ભણાવતા ઓછું પોતે વાંચતા ઝાઝું!! એના વંચાયેલ પુસ્તકો દેવલો વાંચતો!! દેવલાના બાપાને રેશનીંગની દુકાન હતી એટલે શાળામાં દેવલાનું વધારે માન હતું!! બધા જ સાહેબોને કેરોસીન ની જરૂર પડતી અને એની વ્યવસ્થા દેવલો પોતાની રેશનીંગની દુકાનેથી કરી આપતો.
હવે એને બધા જ ત્રિકાળજ્ઞાની કેમ કહેતા એની વાત!! ગામ આખાની રસપ્રદ ખબર દેવલા પાસે હમેશા અપ ટુ ડેઇટ હોય જ!! ગામમાં કઈ શેરીમાં શું બન્યું છે?? કોણ કોણ કોની સાથે મીઠા સ્નેહ સંબંધ ધરાવે છે એની તમામ માહિતી દેવલા પાસે હોય જ અને એ સાચી પણ નીકળે જ!!
હું એને ઘણી વાર કહેતો કે

“અલ્યા તને આ બધી ખબર કેવી રીતે પડે છે??”

“ત્રિકાળજ્ઞાનની સાધના મુકાકા ત્રિકાળ જ્ઞાનની સાધના. મારા દાદા પાસે આ ત્રિકાલજ્ઞાન હતું. એણે મને વારસામાં આપ્યું છે. હું પાંચ વરસનો હતો ને ત્યારે મારા દાદા અવસાન પામેલા એ તો તમને બધાને ખબર છે. જયારે એ પોતાના અંતિમ શ્વાસ લેતા હતા ત્યારે મારા બાપુજીને કહેલું કે દેવદતને મારી પાસે લાવો અને તમે બધા આઘા ગુડાવ !!મારા દાદાનો સ્વભાવ આકરા પાણીએ હતો એ તો તમને બધાને ખબર છે. મને મારા દાદા પાસે મુકીને બધા આઘા જતા રહ્યા અને પછી મારા દાદાએ હાથમાં પાણી લઈને થોડાક મંત્રો બોલ્યા અને પછી મને એ મંત્રેલું પાણી પીવરાવી દીધુ અને કહ્યું કે આજ થી તું ત્રિકાળજ્ઞાની!! તું જે માણસના ચહેરા તરફ જોઇશ અને મારું સ્મરણ કરીશ એટલે એ માણસની તમામ ખાસિયત તને સમજાઈ જશે!! હવે હું તો પાંચ વરસનો ત્યારે બહુ ખબર ન પડતી.પણ અત્યારે તો હું સાતમાં ધોરણમાં આવી ગયો છું હવે બધી ખબર પડે છે.. આખા ગામની છઠ્ઠી હું જાણું છું” દેવલો બોલતો અને અમે બધા સાંભળતાં. ઘણી વાર અમને એમ થતું કે દેવલો ગપ ગોળા ફેંકે છે!! પણ એવા પ્રમાણ આપતો કે અમારે માનવું જ પડતું.
“કાલે રવિવાર છે ને મુખીની છોકરી વર્ષા એની બે બહેનપણીઓ ગીતા અને હીના સાથે તાલુકે જવાની છે. ઈ બધીય સવારે દસની બસમાં જવાની છે. વર્ષા લાલ ડ્રેસ પહેરશે. વર્ષાનો ઘરવાળો રાજદૂત લઈને આવશે. વર્ષાનો ઘરવાળો સુમિત વાદળી શર્ટમાં હશે. સફેદ પેન્ટ પહેર્યું હશે. આંખો પર કાળા ચશ્માં પહેરેલા હશે.. તાલુકામાં બસ સ્ટેન્ડ પાસે એક મોટું વડનું ઝાડ છે ને ત્યાં એ ઉભો હશે. પછી એ બધા એક જ રાજદૂત પર જઈને સ્ટુડીયોમાં ફોટા પડાવશે અને પછી મહાદેવનું મંદિર છે ત્યાં એ બધા બપોરે ઢેબરા ખાશે. ઢેબરા વર્ષા અહીંથી લઇ જશે..એનો ઘરવાળો ત્યાં મોટી દુકાનેથી દહીં અને મીઠાઈ લઇ આવશે. મીઠાઈમાં પણ કેસર પેંડા અને બરફી જ હશે. અને બીજી એક સિક્રેટ વાત વર્ષાના લગ્ન તો આવતા શિયાલે થવાના છે. પણ એની સાથે ગીતા અને હીના જાય છે ને એમાં સુમીતનો એક ભાઈ બંધ છે એનું હીના સાથે ગોઠવવાનું છે. સુમીતનો ભાઈ બંધ બસ સ્ટેન્ડ પર ચાર વાગે આવશે હીના સાથે એની ઓળખાણ થશે. સુમીતનો ભાઈબંધ બધાને શેરડીનો રસ પાશે. અને પછી સાંજની પાંચની બસમાં વર્ષા અને એની બહેનપણીઓ ગામમાં પાછી આવશે.” શનિવાર રાતે પાદરમાં જ દેવલાએ અમને બધાને આ વાત કરી. આ વખતે એની ભવિષ્યવાણી કે ત્રિકાલ જ્ઞાન જરા વધુ પડતું હતું અમે બધાએ વિરોધ કર્યો.. આવું ન બને અને પછી શરત પણ લાગી કે કાલે બધાએ તાલુકે જવાનું અને આ પ્રમાણે થાય છે કે નહિ એ જોવાનું!! અમે બધા સાતમામાં હતા અને ઘરે બહાના કાઢ્યા કે આઠમાં ધોરણમાં કઈ શાળા લેવી એ નક્કી કરવા કાલે રવિવારે અમે તાલુકામાં જવાના છીએ. અમે સહુથી વહેલી મળતી બસમાં તાલુકામાં પહોંચી ગયા અને એક સલામત જગ્યાએ ગોઠવાઈ ગયા!!
અગિયાર વાગ્યે ગામમાંથી બસ આવી એમાં આ ત્રણ છોકરીઓ ઉતરી. દેવલાના કહેવા પ્રમાણે જ વર્ષાએ લાલ ડ્રેસ પહેર્યો હતો.. એનો થનાર પતિ રાજદૂત લઈને દેવલાની કીધેલી જગ્યાએ ઉભો હતો.. બસ પછી આખો દિવસ દેવલાની બધી જ ભવિષ્ય વાણીઓ સાચી પડતી ગઈ.. સાંજે રસના ચિચોડા પાસે કાર્યક્રમની પુર્ણાહુતી થઇ અને પછી અમે પણ બસમાં બેઠા અને દેવલો બોલતો હતો. અમે હારી ગયા હતા એટલે અમારે કશું બોલવા પણું જ નહોતું!!

“જોયુંને આપણી વાત કેટલી પરફેકટ??? તમે નોતા માનતાને પણ આજ જોઈ લીધુને?? હવે તો માનશોને આપણું ત્રિકાળજ્ઞાન!!”

ધીમે ધીમે દેવલાનું જ્ઞાન વધતું ગયું. નહીં માનવાનો સવાલ જ નહોતો. એની સાથે રહેવામાં ફાયદો હતો. એ વખતે અમારા ગામથી થોડે દૂર એક પ્રાચીન શિવાલય હતું. ત્યાં વરસમાં ચાર વખત મેળો ભરાતો હતો. એ વખતે ખુબ જ મજા આવતી. દેવલો અમને કહેતો.
“પેલી વશરામ લખમણની અંજુ નહિ.. એનું સગપણ જેની સાથે થયું છે એ છોકરો ફોર વ્હીલ લઈને આ મેળામાં આવવાનો છે. અને મંદિરની બહાર ટેકરી છે ને ત્યાં શીતળા માતાનું મંદિર છે ને ત્યાં સવારમાં આઠ થી નવ ઈ બેય જણા મળવાના છે તમારે મારી હારે વહેલા ત્યાં પોગી જવાનું છે” અમે તે પ્રમાણે કરતા સમય મુજબ અને દેવલે કહ્યા મુજબ જ થાય..થોડીક વાર દેવલો પ્રેમી પંખીડાને ટટળાવે પછી કહે હાલો બધા..કોઈના ખોટા નીહાકા નો લેવાય.. બે ઘડી મોજ કરાય બાકી બે જણા પ્રેમથી મળતા હોઈને આપણે વિઘ્ન નાંખીએ તો પછી મહાભારત વાળી થાય!!” પછી અમે બધા દૂર જતા રહેતા. પછી તો સાંભળ્યું પણ ખરું કે ગામના જે છોકરાઓ હતા એને દેવલો એની બધી સિક્રેટ વાતો કહી દેતો. અને એ વાત સિક્રેટ જ રહે એ માટે ગામના છોકરાઓ દેવલા ને સાચવી લેતા!! ગામની છોકરીઓ પણ એને હવે દેવદત ભાઈ કહેતી થઇ ગઈ હતી.

એ અરસામાં અમારી શાળામાં એક રૂપાળા એવા શિક્ષિકાબેન આવ્યા. પંદર જ દિવસમાં દેવલા એ કીધું અમને.

“બેનનું સગપણ થઇ જવાનું છે આવતા મંગળવારે એક સાહેબ બેનને જોવા આવવાના છે અને એ પણ નિશાળમાં જ” અમને નવાઈ લાગી ગઈ હતી. ગામના છોકરા છોકરીઓનું જ્ઞાન ધરાવતો દેવલો હવે શિક્ષિકાઓ વિષે પણ ત્રિકાળજ્ઞાન ધરાવતો હતો.

અને થયું પણ એવું કે એ બેનને જોવા માટે _ સગપણ માટે અમારી શાળામાં મંગળવારે એક શિક્ષક આવેલા પણ ખરા.
પછી તો દેવલો અમને અવારનવાર અપ ડેટ આપ્યા કરતો. બહેન શનિવારે ઘરે જશેને તે બુધવારે આવવાના છે. આહીથી એ ઘરે નથી જવાના પણ પેલા શિક્ષક જોડે એનો સંબંધ ગોઠવાયો છે એની સાથે ફરવા જવાના છે.. મારું જ્ઞાન એવું કહે છે કે શનિવારે બહેન વાદળી સાડી પહેરવાના છે. બહેન અહીંથી અગિયારની બસમાં બેસવાના છે અને આગલા ગામે ઉતરી જવાના છે ત્યાં પેલો શિક્ષક ઉભો હશે અને બહેન એની પાછળ રાજદુતમાં બેસી જશે.. ઠેઠ બુધવારે આવવાના છે!! અને શનિવારે બેને વાદળી સાડી જ પહેરી હતી.. બસ દેવલાનું ત્રિકાળ જ્ઞાન સાચું પડતું હતું.. બસ આ એનું છેલ્લું ત્રિકાળ જ્ઞાન હતું!! એનો ત્રિકાળજ્ઞાનનો ક્વોટો આવતા અઠવાડિયે પૂરું થઇ જવાનું હતું!! એની અમને કે દેવલાને ખબર નહોતી!!

આ બહેન વાળી વાત અમારા એક શિક્ષકને ખબર પડી ગઈ હતી. અમારામાંથી કોણ ફૂટ્યું હતું એ અમને આજે પણ ખબર નથી. બુધવારે એ બહેન નિશાળમાં આવ્યા મોટી રીશેષમાં અને પેલો દોઢો શિક્ષક એ શિક્ષિકા બહેન પાસે ગયો અને ચાલુ કર્યું!!

“ક્યાં ફરી આવ્યા ??? તમે તો શનિવારે અહીંથી બસમાં બેઠા પછી આગળના ગામે ઉતરી ગયાને ત્યાં તમારા થનાર પતિદેવ સાથે તમે ગાડીમાં બેસી ગયા ને પછી ક્યાં કયા ફરી આવ્યા એ તો કહો!!?? જોકે મને તો ખબર જ છે પણ આતો તમે કેટલું સાચું બોલો છો એ મારે જોવું છે””! પેલો હજુ આગળ બોલે એ પહેલા જ પેલા રૂપાળા એવા બહેને સટાક…. સટાક… સટાક….. ત્રણ તમાચા ઝીંકી દીધા એ શિક્ષક્ને!! શાળા આખી સ્તબ્ધ… !! રીશેષનો સમય હતો છોકરાઓ રમતા હતા. એમાંના એક છોકરા પાસેથી એ બહેન બેટ લઇ આવ્યા અને પેલા શિક્ષકની પાછળ દોડ્યા. પેલાએ આવું રીએકશન આવશે એની તો કલ્પના પણ ક્યાંથી હોય??? એ જઈને સીધો આચાર્યની પાછળ સંતાઈ ગયો અને આજીજી કરવા લાગ્યો કે મને બચાવી લ્યો નહીતર આ રણછંડી મને નહિ મુકે!! આચાર્યે બે ત્રણ ગાળ પેલા શિક્ષક્ને દઈને મામલો થાળે પાડ્યો પણ શિક્ષક પોપટની જેમ બોલી ગયો.

“મને તો દેવદતે કહ્યું હતું એટલે કીધું બાકી આપણને બીજાના મામલામાં રસ જ નહિ..પૂછો આ બહેનને કે મેં કોઈ દિવસ ક્યારેય એની સામું પણ જોયું હોય તો આજ મારી ભૂલ થઇ ગઈ. દેવદત તો મને ઘણું બધું કીધું કે એ બને પાલીતાણામાં જવાના છે ત્યાં ધર્મશાળામાં રોકાશે.. ભજીયા અને લચ્છી પણ પીવાના છે. બેનના માસી પાલીતાણામાં છે. બેનના થનાર પતિ ત્યાંથી ગુલકંદ લેવાના છે!! દેવલો તો ઘણું બધું કહેતો હતો” શિક્ષક બોલતો હતો અને આ બાજુ બહેન નો ચહેરો પાછો લાલચોળ થઇ રહ્યો હતો!!

“બોલાવો દેવલાને”
આચાર્યે હુકમ કર્યો. શાળામાં કોઈ શિક્ષિકાને કોઈ તકલીફ હોય અને એ આચાર્ય પાસે મદદ માંગે ત્યારે ભલભલા માયકાંગલા આચાર્ય પણ બાહુબલી બની જતા હોય છે!! જોકે આ બનાવ બન્યો એની ખબર પડી એટલે દેવલો નિશાળમાંથી ઘરે જતો રહ્યો હતો. દેવલાને ચાર છોકરાઓ ટીંગા ટોળી કરીને નિશાળમાં લાવ્યા.અમે બધા થર થર ધ્રુજતા હતા. આજ અમારું પણ આવી બન્યું એવું મને લાગતું હતું. હાથમાં સ્ટમ્પ લઈને આચાર્ય દેવલાને લઈને સ્ટોર રૂમમાં ગયા અને અંદરથી સ્ટોર રૂમ કર્યો બંધ!! દેવલાની રાડો સંભળાતી હતી. દસ જ મીનીટમાં બધો જ ભેદ ખુલી ગયો હતો.. દેવલો ફરીથી એક સામાન્ય છોકરો બની ગયો હતો.. દેવલાના બાપા નટવરલાલને બોલાવવામાં આવ્યા. ગામના ટપાલી ભનુભાઈને પણ ખાસ બોલાવ્યા. જેવા ભનુભાઈ આવ્યા કે આચાર્યે એને ત્રણ ચાર સ્ટમ્પ વળગાડી દીધી. ભનુભાઈ ને ખબર પણ ના પડી કે એને શું કામ મારે છે!! પણ તોય એ એટલું બોલ્યા કે

“હું કેન્દ્ર સરકારનો કર્મચારી છું..મને મારશો તો તકલીફ થઇ જશે”

“તકલીફ તો તને થશે તારા અને દેવલાના કારનામાં ની ગામને હજુ જાણ નથી બાકી અત્યારે જ જો ગામમાં જાહેર કરવામાં આવે ને તો તને ચોપડવા માટેની હળદર ખૂટી જવાની છે” આ સાંભળીને ભનુભાઈના ગાત્રો ઢીલા થઇ ગયા!!
ભેદ ઉકેલાઈ ગયો હતો ત્રિકાળજ્ઞાનનો!!

ભનુભાઈ કાયમ બાજુના ગામમાંથી સાડા પાંચે દેવલાની દુકાને આવે. દેવલાના બાપા એ વખતે શિવ મંદિરે ગયા હોય.. દેવલો એકલો દુકાને બેઠો હોય !! ભનુભાઈ પાસે ગામની જેટલી ટપાલ હોય એ બધી દેવલાને આપી દે.. દેવલો એમાંથી રસ પ્રદ કવર અલગ તારવી લે.. એ પોતાની પાસે રાખે અને રાત્રે બધા સુઈ જાય એટલે એ કવર વાંચે અને પાછું પેક થઇ જાય અને બીજે દિવસે ભનુભાઈ એ કવર ગામમાં જે તે વ્યક્તિને પહોંચાડી દે!! એવી જ ગામમાંથી લખાતા તમામ પ્રેમ પત્રો પણ એક વખત દેવલો રાતે વાંચી લે પછી જ બીજા દિવસે રવાના થાય. ગામની બધી જ વિગતો દેવલા પાસે સેન્સર થતી હતી. અને એ વખતે ફોનનો તો જમાનો નહીં.. લોકો પોસ્ટ દ્વારા જ મળવાની વ્યવસ્થા ગોઠવી લેતા.. ગામમાં જેટલા સગપણ થયા હોય એ બધા કવર લખી લખી ને આગામી ક્યાં મેળામાં કઈ જગ્યાએ મળવાનું ગોઠવવાનું એ નક્કી કરતા. દેવલો એ બધું વાંચીને અમારી આગળ ભવિષ્યવાણી કરતો. ગામમાં જેટલા પણ સગપણ થાય એની તમામ ડીટેઇલ દેવલાન મોઢે હતી.. આના બદલામાં દેવલો મહીને પાંચ કિલો ખાંડ અને દસ લીટર કેરોસીન ભનુભાઈને આપી દેતો. દેવલાના બાપાને તો રેશનીંગની દુકાન હતીને!!!
બસ બે દિવસ સુધી દેવલો સુતો રહ્યો ઘરે. શાળામાં આ ઘટના બની છે તે ગુપ્ત રાખવામાં આવી તોય ગામ આખામાં ખબર પડી ગઈ હતી કે બધાની ટપાલ દેવલો વાંચતો એટલે બધા લાલચોળ થઇ ગયા હતા અને દેવલો ક્યારે ઘરની બહાર નીકળે એની રાહ જોતા રહ્યા. ત્રણ દિવસ પછી ખબર પડી કે નટુ દાદાએ દેવલાને સુરત મોકલી દીધો છે એના મોટા જમાઈ પાસે અને કહી દીધું કે હું મરી જાઉને તો મારું મોઢું જોવાય તું આ ગામમાં નો આવતો તે તો કપાતર મારી આબરુની દઈ દીધી છે.. પછી અઠવાડિયા સુધી નિશાળમાં અમારો પણ વારો પડેલો સીધી રીતે નહિ પણ આડકતરી રીતે..પેલા રૂપાળા બેને તો અમને કશું નહિ કરેલું પણ જે શિક્ષકે એ બેનના તમાચા ખાધા હતા એ અમને ઉભા કરે અવનવા પ્રશ્નો પૂછે. અભ્યાસમાં ન આવે એવું પૂછે અને ન આવડે એટલે મારે !! પછી શિખામણ પણ આપે કે આ બધું તમારા સારા સારું છે .તમે શીખશો તમને નોકરી મળશે તો અમે કઈ પગાર લઇ નથી જવાના.. બાકી તમે મારા કોઈ દુશ્મન નથી પણ નો આવડે એટલે મારવા પડે છે!! એમ કહીને વળી પાછા એક એક ઝાપટ ઠોકે!!
બસ પછી તો બધા મિત્રો સહુ સહુના રસ્તે આગળ ભણવા જતા રહ્યા.. દેવલો શરૂઆતમાં યાદ તો આવતો પણ પછી કાળ ક્રમે એની યાદી ભૂંસાતી ગઈ તે છેક આજે એ મળ્યો. મ જમવાનું પૂરું કરીને હું અને દેવલો બહાર બીઆરટીએસ રોડ પર આવ્યા!!

“અહી સુરતમાં શું કરે છે?? કેમ ચાલે છે ફેમેલીમાં??”
“બસ પેલા જેવી મોજે મોજ “સંધ્યા સ્પાય એન્ડ સીક્યુરીટીઝ” ચલાવું છું.. ગરનાળા પાસે આપણી દુકાન છે કાલે નવરાશ મળેને આવજોને ને તમને એકાદ બે સ્ટોરી કહેવી છે” કહીને દેવલા એ મને એનું કાર્ડ આપ્યું. કાર્ડ વાંચ્યું એમાં લખ્યું હતું.

“સંધ્યા સ્પાય એન્ડ સિક્યુરીટી”

ત્રીજો માળ “અરીહંત એપાર્ટમેન્ટ,ગરનાળા પાસે!!

અમારે ત્યાંથી જાસુસીની તમામ વસ્તુઓ મળશે.. બટન કેમેરા પેન કેમરા વોચ કેમેરા.. સીસીટીવી કેમેરા તેમજ કોઈ પણ જાતની જાસુસી માટે મળો.. અન્ડર કવર એજન્ટની સેવાઓ પણ ઉપલબ્ધ છે..આપની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે!! એક વાર મળો આપનું તમામ કામ થઇ જશે.
“પ્રો. દેવદત વ્યાસ ડાયમંડ મેડાલીસ્ટ ઇન સ્પાયોલોજી”

“આ ડાયમંડ મેડાલીસ્ટ ઇન સ્પાયોલોજી ના સમજાયું” મેં તેને કહ્યું.

“અરે તમે કાલે શોપ પર આવજોને .. અત્યારે હું કતારગામ રહું છું. ઘરનો બંગલો છે. રૂપાળી એવી છોકરીને પરણ્યો છું. બધું જ મારી રીતે સેટ કર્યું છે .અત્યારે મારો બિઝનેશ ધમધોકાર ચાલે છે. મારા લગ્નની પણ એવી જ સ્ટોરી છે.. બધું જ મારી મેળે કર્યું છે.. એટલે જ કાર્ડમાં પાછળ મેં મારા પિતાજીનું નામ નથી લખ્યું ..મારા લગ્ન થવાના હતા ત્યારે મેં મારા પિતાજીને છેલ્લી વાર કોલ કર્યો હતો પણ એણે મને કીધું કે કંકોત્રીમાં પણ તું મારું નામ ન લખતો..અને મને ખોટું પણ ના લાગ્યું આખરે એ મારા બાપા છે એને બધું જ કહેવાનો હક છે.. મેં કોર્ટ મેરેજ જ કરી લીધા કોઈને પણ ન બોલાવ્યા. તમે કાલે આવો તમને બધી વાત કરું.”
“જોઇશ કાલે નહિ તો પછી ક્યારેક જરૂર આવીશ” મેં કહ્યું અને દેવલો મને ભેટી પડ્યો. હું તેને જતા જોઈ રહ્યો હતો. એણે પોતાની સ્કોડા કાર પાર્કીન્ગમાંથી કાઢી. અને મને હાથ હલાવતો હલાવતો કાર હંકારી ગયો. હું એને જોઈ રહ્યો. નાનપણથી જ એનામાં આ જાસુસી ઠાંસી ઠાંસીને ભરેલી હતી. માર પણ ખાધો પણ ધંધો મુક્યો નહિ. જે નાનપણમાં કરતો એ હવે કાયદેસર બોર્ડ મુકીને કરી રહ્યો હતો!!

બે દિવસ સુરતમાં રોકાયો પણ અતિ વ્યસ્તતાને કારણે દેવલાની શોપ પર જવાયું નથી પણ ક્યારેક જઈશ એ પાકું છે.. દેવલાને એના બાપાએ સુરત મોકલ્યો ત્યારે બે જોડ કપડા જ આપ્યા હતા. ખાલી હાથથી સ્કોડા સુધીની સફર મારે દેવલાના મુખેથી જ સાંભળવી છે!!

ભાગ 2 વાંચવા અહીં ક્લિક કરી વાંચો >> Part 2

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી. સ્ટેશન રોડ,મુ.પો. ઢસા ગામ તા .ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks