મુકેશ સોજીત્રા લેખકની કલમે

“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો અંતિમ ભાગ” ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો

ભાગ 1 વાંચવાનો બાકી હોય તો અહીં ક્લિક કરી વાંચો >> Part 1

ભાગ 2 વાંચવાનો બાકી હોય તો અહીં ક્લિક કરી વાંચો >> Part 2

ચંદુલાલ શેઠનો પરિવાર જોથાણ ગામમાં એક મોટા બંગલામાં રહેતો હતો. ચંદુલાલ શેઠના બાપા જોઈતારામ પહેલેથી સાધન સંપન્ન માણસ હતા. જોથાણમાં તેની શાખ એક મોટા ખેડૂત તરીકેની હતી. તાપીના કિનારા પાસે એની સારી એવી જમીન હતી. કાળક્રમે સુરતનો વિકાસ થતો ગયો એમ ચંદુલાલે પોતાના પિતાજી જોઈતારામના અવસાન પછી તાપીના કિનારે જમીન વેચતા ગયા અને સુરતની આજુબાજુ જમીન રાખતા ગયા. વેસુ અને હજીરા બાજુ તેમણે સસ્તામાં ઘણી જમીનો રાખી હતી. ચંદુલાલ શેઠને બે દીકરાઓ હતો. દીકરીઓ હતી નહિ. મોટો વિનીત અને નાનો બીપીન. બંને છોકરાઓ પરણી ગયા હતા. દીકરાની ઘરે પણ દીકરાઓ હતા.ચંદુલાલના પત્ની ડાહીબેનનું દસ વરસ પહેલા અવસાન થયું હતું. ચંદુલાલ શેઠ પોતાનું જીવન પોતાની રીતે જ જીવતા હતા. છોકરાઓએ બાપાની સંપતિમાંથી પોતાના ધંધા વિકસાવ્યા હતા. અને બાપાની સામેજ પોતાની રીતેજ પોતાને ગમે એવા બંગલા બનાવ્યા હતા.
આમ તો આ ચંદુલાલનું ફાર્મ હાઉસ જ ગણાય!! દસ વિધા વાડી પડામાં જ ચંદુલાલ શેઠના અને દીકરા ના બંગલા આવેલા હતા. બધા હજુ ભેગા જ હતા. ધંધો પોતપોતાની રીતે કરતા હતા. બને દીકરાને ક્યાય પણ પૈસો ઘટે તો ચંદુલાલ પૂરો પાડી દેતા હતા. શેઠનો બંગલો થોડો જુનો હતો પણ અસલ મલબારી સાગમાંથી બનાવેલા હતો. બંગલામાં શેઠ પોતાનું એકાંકી જીવન ગાળતા હતા. શેઠે એક રાજસ્થાની રસોઈયો રાખ્યો હતો. બંગલાની બાજુમાં જ એક ગૌશાળા હતી. દસેક ગાયો હતી. ગૌશાળાની પડખે શેઠની ગાડીઓ મુકવાની એક જગ્યા હતી. આજુબાજુ વાડીની ચારેય બાજુ દસ ફૂટ ઉંચી દીવાલ હતી. નાનકડું રજવાડું જ જોઈ લો!! ચંદુલાલે દેવદતને પોતાના બંગલામા દીવાનખંડની બાજુમાં જ આવેલ એક મોટો ઓરડો રહેવા આપ્યો હતો. એ ઓરડામાં તમામ સુવિધાઓ હતી. રસોડાની બાજુમાં આવેલ નાનકડો રૂમ રાજસ્થાની રસોઈયો વાપરતો હતો. સાંજે બને દીકરાઓ આવ્યા ત્યારે ચંદુલાલે બંગલાની સામે આવેલ લોનમાં જ દેવદતનો પરિચય કરાવ્યો.

“આ દેવદત છે આજથી એ મારો એ ડ્રાઈવર છે. આર કે ગેરેજ વાળાના ગામનો જ છે અને ઘણા સમયથી હું એને ઓળખું છું.મારો ખાસ વિશ્વાસુ માણસ છે. આજથી આ પરિવારનો તે સભ્ય છે. બને દીકરાઓએ પ્રોફેશનલ રીતે દેવદત સાથે હાથ મિલાવ્યો. પણ ખાસ ઉમળકો ચહેરા પર દર્શાવ્યો નહિ!!
બસ પછી તો ચંદુલાલ અને દેવલાની જોડી જામી ગઈ. જમીન લે વેચ કરવાની હોય કે કોઈને ત્યાં પ્રસંગ હોય. દેવદતના સારથીપણા હેઠળ શેઠની સવારી નીકળે. ગેરેજમાં કામ કરવાથી દરેક ગાડી દેવલો સિફતપૂર્વક ચલાવી શકતો હતો. મોટા મોટા બિલ્ડરો સાથેની મુલાકાતમાં દેવલો સાવ મૌન બનીને બધું જ સાંભળતો હોય ચંદુલાલ શેઠ પૂછે તો જવાબ આપે બાકી એ મૂંગે મોએ ગાડી ચલાવ્યા કરે. કયારેક અમુક માણસો વિષે ચંદુલાલ શેઠ એની સલાહ લે.

“દેવદત આ માણસ કેમ લાગ્યો. કતારગામમાં એનો મોટો પ્રોજેકટ ચાલુ થવાનો છે એની સાથે ભાગીદારી કરાય કે ના કરાય?? તારું શું કહેવાનું છે??
“શેઠ મને એની વાતો પર વિશ્વાસ નથી બેસતો.. મોટી નોટ હોય એમ લાગે છે.. વારે વારે એ પેલા બાંધકામ ખાતામાં એન્જીનીયરની વાતો કરતો હતો.. થોડોક ફાંકોડી લાગ્યો મને.. એ એન્જીનીયરની ટ્રાન્સફર થઇ ગઈ એને આજ ચાર દિવસ થઇ ગયા એની પણ એને ખબર ના હોય તો શું ધૂળ એ બિલ્ડર કહેવાય!!?? આ માણસ ગમે તેને શીશામાં ઉતારી દે એમ છે.. મને તો એનું ડાચું જ નથી ગમતું.. મહિનો સુધી એ યોજના પેન્ડીંગમાં મુકો!! તમારે ક્યાં ધંધામાં એટલી બધી ઉતાવળ ફાટી જાય છે.. દગાબાજ દોઢો નમે.. એ જે રીતે વળી વળીને તમને પંપ મારતો હતો એટલે આવાનો હમણા વિશ્વાસ ન કરાય” દેવલો કાર ચલાવતા ચલાવતા બોલ્યો. જ્યારે કાર ચલાવતો હોય ત્યારે એની નજર હમેશા રોડ પર જ રહેતી.સહેજ પણ આડા અવળી નજર એ કરતો જ નહિ”

અને બે જ મહિનામાં દેવલાની વાત સાચી નીકળી એ માણસ એના પાર્ટનરનું લાખો રૂપિયામાં ફૂલેકું ફેરવીને દુબઈ બાજુ જતો રહ્યો એવી વાતો સાંભળવા મળેલી!!
મોબાઈલ યુગ શરુ થઇ રહ્યો હતો. બીએસએનએલ પછી રિલાયન્સ ટેલીકોમ ક્ષેત્રમાં પ્રવેશી રહી હતી. પોતાના હેન્ડસેટ સાથે રિલાયન્સ મેદાનમાં આવી હતી એના થોડા જ સમય બાદ હચ કંપની પણ પોતાની સેવાઓ સાથે સુરતમાં મેદાને આવી હતી. રિલાયન્સે પોસ્ટ પેઈડ કનેક્શન સાથે મોબાઈલનો મોટો હિસ્સો સુરતમાં સર કરી લીધો હતો. શેઠના મોટા દીકરાની એકની એક દીકરી શુભાંગી પાસે પણ રિલાયન્સનો એક ફોન આવી ગયો હતો. શેઠના ઘરે લગભગ એ વખતે તમામની પાસે મોબાઈલ હતો. મોબાઈલ એ વખતે લક્ઝરી ગણાતી હતી. પેજર યુગ ખતમ થઇ રહ્યો હતો. રિલાયન્સનો એક રંગીન ફોન ચંદુલાલે દેવદતને અપાવ્યો હતો. સુરતમાં મોટાભાગના નવયુવાનોએ રિલાયન્સ ફોનના હેન્ડ સેટ લઇ લીધા હતા.એકાદ બે બિલ ભર્યા પછી બિલ ભરવાનું બંધ કરી દીધું હતું. ઘણાએ છ માસનું તો ઘણાને વરસ દિવસનું બિલ ચડી ગયું હતું. પછી એ સર્વિસ બંધ થઇ જતા હેન્ડસેટ લોકો તાપીમાં કે ખાડીમાં ફેંકી દેતા હતા!!
શુભાંગીને કોઈ મોબાઈલ દ્વારા પરેશાન કરતુ હતું. રાત્રે કોલ આવે આડા અવળી વાતો કરે.!! એ જમાનામાં આજની હાઈટેક સુવિધાઓ હતી નહિ. કોલર કોણ છે એની માહિતી પણ લગભગ ઝટ દઈને મળતી નહિ. લોકો બીજાના નામે મોબાઈલ કાર્ડ લઇ લઈને પરેશાન કરતા હતા. શુભાંગીએ આખરે પોતાના દાદા ચંદુલાલને આ વિષે વાત કરી. એક મહિનાની અંદર ત્રણ વખત શુભાંગીએ નંબર અને ફોન બદલાવ્યો. પણ વળી થોડા જ સમયમાં નવા નંબર પર પેલા નંબર પરથી કોલ શરુ થઇ જતા હતા. ચંદુલાલે વિચાર કર્યો. પોલીસમાં જાણ કરે તો બધાને ખબર પડે અને આબરૂના ધજાગરા થાય એ વળી લટકામાં!! દીકરીનો ફોન બંધ કરી દે તો સ્ટેટસ ઘવાય. શુભાંગી સુરતની સારામાં સારી કોલેજમાં ભણતી હતી. એની સાથે ભણતી તમામ છોકરીઓ પાસે મોબાઈલ હતા. વાત દેવદત પાસે આવી અને એણે શેઠને કહી દીધું.

“ પંદર દિવસમાં આ વાતનો હું તાગ મેળવી લઈશ અને કાયમની શાંતિ કરી દઈશ. હું ગમે તે કરું પણ આમાં તમારું કોઈ જ નામ નહિ આવે. શુભાંગીને તમારે કહી દેવાનું કે પંદર દિવસ પુરતો ત્રાસ સહન કરી લે..હું સોળમો દિવસ નહિ થવા દઉં. પેલા અજાણ્યા નંબરને ખબર ના પડવી જોઈએ એમ વર્તન રાખવાનું ” ચંદુલાલ શેઠને દેવલાની વાત પર સો ટકા વિશ્વાસ હતો.

દેવદતે એ નંબર પોતાની પાસે રાખી લીધો. એકાદ દિવસ ફોન પણ પોતાની પાસે રાખ્યો અને ટાઈમિંગ જોઈ લીધું કે ક્યારે ક્યારે ફોન આવે છે. હવે દિવસે ફોન આવતા બંધ થયા અને રાતે આવતા થયા. ફોનની ઓફિસમાં જઈને દેવલાએ માહિતી મેળવવાની કોશિશ કરી. શરૂઆતમાં તો કોઈએ જવાબ ન આપ્યો. પણ તોય એક ઓપરેટરે માહિતી આપી કે આ નંબર વડોદરા શહેરમાં નોંધાયેલો છે. નંબરનું રીચાર્જ કયારેક ભરૂચ થી તો ક્યારેક અંકલેશ્વરથી થતું હતું. દેવદતને ગળા સુધી ખાતરી હતી કે શુભાંગી સાથે ત્રાસજનક વાત કરનાર કોઈ ઓરીજનલ સુરતી જ છે. એની ભાષા જ એની ચાડી ખાતી હતી.
દેવદતે એક મોબાઈલ શોપ વાળાને સાધ્યો એની પાસેથી એક વીઆઈપી નંબર લીધો. અને એક નવો ફોન પણ લીધો. એક તાઈવાનનો ઈયરફોન લીધો કસ્ટમનો માલ જ્યાં વેચાતો હતો એ દુકાનેથી. એ ઈયર ફોનમાં એવી ખાસિયત હતી કે તમારા અવાજના બાસને એ ટ્રેબલમાં ફેરવી નાંખે. એ ઈયરફોન લગાડીને કોઈ છોકરો વાત કરતો હોય અને સામે વાળો સાંભળે તો એને છોકરી જેવો તીણો અવાજ સંભળાય!! બધી તૈયારી સાથે એક દિવસ બપોરના બે વાગ્યે દેવલા એ પેલા નંબર પર ફોન જોડ્યો અસલ તીણા અને છોકરીના અવાજમાં!!

“હલ્લો નમસ્તે સર હું ફલાણી કંપનીમાંથી ઓપરેટર માયા બોલું છું સર!! સર આપ અમારો ફોન ઘણા સમયથી વાપરો છો સર!! સર આપ નિયમિત રીચાર્જ કરાવો છો સર!! એ માટે આપનો નંબર લક્કી ડ્રોમાં પસંદ થયો છે સર!! આપને અમારી તરફથી અઢળક શુભેચ્છાઓ સર!! અમારા તરફથી આપને ૨૫૦૦૦ હજાર રોકડનું ઇનામ અને ગોવાની નાતાલ ટુરનો લાભ મળી રહ્યો છે સર!! આપને એક પણ રૂપિયાનો ખર્ચ નથી કરવાનો સર!! દસ મિનીટ પછી આપના મોબાઈલમાં એક મેસેજ આવશે. એક કલાક પછી અમારી કંપનીની ગાડી આપ જ્યાં રહો છો ત્યાં ખરાઈ કરવા આવશે. અને સાથો સાથ તમારો મોબાઈલ પણ ચેક કરશે કે તમને જે ઇનામ લાગ્યું છે એનો મેસેજ આમાં આવ્યો છે કે નહિ. આપ આપના બે પાસ પોર્ટ સાઈઝના ફોટાઓ તૈયાર રાખશો સર!! આપનું સરનામું લખાવો સર જેથી અમારી ગાડી ત્યાં આવી જાય!! અમારી ગાડીની બને સાઈડ અમારા લોગો હશે જેથી તમે અમારી કારને ઓળખી શકો” દેવલાએ એટલા કોન્ફિડેન્સથી વાત કરી કે સામેની વ્યક્તિએ પોતાનું નામ અને સરનામું આપી દીધું.
નામ ફારુખ હતું અને એ નંગ સચિન રહેતો હતો. આખું સરનામું ઉત્સાહમાં આવીને લખાવ્યું.
“આપ ઉન પાટીયાથી આગળ ઉભરાટ વાળા રસ્તે આવો એટલે સચિન ગામ આવશે..રોડ પર જમણી સાઈડ પ્રાથમિક શાળા આવશે.. ત્યાંથી સચિન અવાશે.. ત્યાંથી આગળ બસો મીટર ચાલશો ત્યાં જમણી બાજુ કનૈયા ડેરી આવશે. ત્યાંથી આગળ ચાલો એટલે બને બાજુ બજારો હશે ત્યાં આગળ રેલવે ફાટક આવશે. ફાટક વટો એટલે આગળ ડાબી બાજુ રસ્તા પર ત્રણ આંબલીના મોટા ઝાડ આવશે. છેલ્લા ઝાડ નીચે એક શરબત વાળો ઉભો હશે, બસ ત્યાં હું ઉભો છું..એક્ચ્યુલી મારું ઘર બહુ ખાંચા ખૂંચીમાં છે. એ તમને નહિ જડે!! ફારુખ ઉત્સાહમાં આવી ગયો હતો એની નજર સમક્ષ ૨૫૦૦૦ રૂપિયા અને ગોવાની ટ્રીપ દેખાતી હતી.

અને આ બાજુ દેવલો તરત જ આર કે ગેરેજ પર પહોંચ્યો. ગેરેજ પર ઘણી જૂની નંબર પ્લેટસ પડી હતી એમાંથી એક નંબર પ્લેટ ફિઆટને લગાડી. મોબાઈલ કંપનીના પોસ્ટરની વ્યવસ્થા એ અગાઉજ કરી લીધેલી હતી. ફટાફટ બે છોકરાને સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરાવી દીધા. ખિસ્સા ઉપર અંગ્રેજી ભાષામાં બનાવેલા મોટા મોટા આઈ કાર્ડ હતા. બને છોકરાની ટાઈ પર પણ ફોનનો લોગો હતો. ફિઆટમાં બે બેઝબોલ પાઈપ અને બે રાજદૂતની જૂની અને મજબુત લોખંડની ચેઇનો લઇ લીધી અને અને પોસ્ટર લગાડેલી કાર ઉન પાટિયા તરફ ઉપડી. સચિન ગામમાં પ્રવેશીને કાર રેલવે ફાટકની પેલે પાર ત્રણ આંબલીના ઝાડ હતા ત્યાં ઉભી રહી. બ્લેક શર્ટમાં અને વીસ રૂપિયાની કિમત વાળા વાદળી ગોગલ્સમાં ફારુક ઉભો હતો.
“આપ જ મીસ્ટર ફારુખ!! આપને કંપની તરફથી અભિનદન આપવામાં આવે છે” કહીને એક ફૂલનો ગુલદસ્તો દેવલા એ ફારુખને આપ્યો. અને તેની
સાથે ઉષ્માપૂર્ણ હસ્તધૂનન કર્યું. એક બે ફોર્મમાં સહીઓ કરાવી. પાસ પોર્ટ સાઈઝના ફોટો લીધા.અને પછી કહ્યું.
“ આ ફોટા નહિ ચાલે એમ કરો તમે અત્યારે અમારી સાથે આ કારમાં ચાલો. આપ આપની સાથે આપના કોઈ એક ભાઈબંધને લઇ શકો છો અમારી કંપનીની ઓફિસે તમારા ફોટાઓ લઇ લઈશું. એમાં અમારે થોડી ઉતાવળ થઇ ગઈ છે. અમે અહી આવવા નીકળ્યા ત્યારે જ અમારા એરિયા મેનેજર ઉપર જનરલ મેનેજરનો ફોન આવ્યો કે જેને આ ઇનામ મળેલ છે એ કસ્ટમરને આપણી ઓફિસે લેતા આવજો. એમનું એક ઈન્ટરવ્યું લેવાનું છે અને ઝી ટીવી પર એ ઈન્ટરવ્યું પ્રસારિત કરવામાં આવશે..મિસ્ટર ફારુક આપ લકી છો હવે પછી આજીવન તમારે આ ફોન મફતમાં વાપરવા મળશે. કારણકે અમારી ફોન કંપનીની પોલીસી જ એવી છે કે કોઈ કસ્ટમર નો ઈન્ટરવ્યું અમે અમારી સર્વિસ ના અભિપ્રાય માટે લઈએ ને તો એને અમે આજીવન કોલ સર્વિસ ફરી કરી દઈએ છીએ. ઇન્ટરવ્યુંમાં તમારે અમારા વિષે સારું સારું બોલવું પડશે” કહીને દેવલા એ વિનયપૂર્વક કારનો પાછલો દરવાજો ખોલ્યો અને ફારુક એના એક મિત્ર સાથે ફટ દઈને કારમાં બેસી ગયો. દસ જ મીનીટમાં કાર સચિનથી સુરત તરફ આવી રહી હતી!!
સચિનથી ગાડી ઉન અને ત્યાંથી એક રફ રસ્તા બાજુ ગાડી અચાનક વળી ગઈ અને દેવલો બોલ્યો.

“ એકચ્યુલી એવું છે ને કે આ હાઈવે બંધ થયો છે આગળ બે ઓઈલ ટેન્કર ઉંધા વળી ગયા છે એટલે બને બાજુ વાહનોની ભીડ છે અને ખુબજ ટ્રાફિક છે. અમે આવ્યા ત્યારે માંડ માંડ ટ્રાફિકમાંથી નીકળી શક્યા એટલે આ વખતે ત્યાંથી નથી જવું એને બદલે આપણે ડીંડોલી થઈને પર્વત પાટિયા નીકળી જઈશું અને ત્યાંથી શાક માર્કેટ સહરા દરવાજા પાસે થઈને ટાવર રોડ પર જઈશું ત્યાં આપણી મેઈન ઓફીસ આવેલી છે” ફારુખ અને એના મિત્રે હા ભણી અને વાતોનો દોર શરુ થયો. ડીંડોલી ની આગળ ગડાદ્રા નહેર પાસે એક અવાવરું રોડ હતો એ વખતે ત્યાં કોઈ જ માનવ વસ્તી નહોતી ત્યાં આગળ દેવધ ગામ આવે છે ત્યાં કાર ઉભી રાખીને દેવલાએ એક જ ઝાપટ ફારુખને ઝીંકી દીધી. અને એના મિત્રને કીધું.
“ભાઈ તું શાંતિ રાખજે આની સાથે જ અમારે હિસાબ પૂરો કરવાનો છે. તારી સાથે અમારે કોઈ દુશ્મનાવટ નથી” અને પછી શુભાંગીની બધી જ વાત ફારુકને કરી અને ફારૂખના મોઢા ઉપરથી નુર ઉતરી ગયું. બે જણા બે દિશાઓમાં ધ્યાન રાખીને નહેરની કાંઠે ઉભા અને દેવલો બેઝબોલના બેટથી ફારુખની સર્વિસ કરતો હતો. ફારૂખના મોઢા પર કાર્ટુન પર લગાવવામાં આવતી ખાખી સેલોટેપ લગાડી દીધી હતી. ફારૂખના બને હાથ પાછળ બાંધીને બેઝબોલથી સરખાઈની સર્વિસ કર્યા બાદ એનો ફોન દેવલા એ લઇ લીધો અને છેલ્લી દાટી મારી.

“ હવે પછી જો એનું નામ પણ લીધું છે કે ફોન પણ કર્યો છે તો ત્યાં સચિન આવીને તને ઉપાડી જઈશું. તારી આખી ડીટેઇલ તે અમને આપી જ દીધી છે. આ ફોનમાં પણ બધી જ ડીટેઇલ છે. એટલે અહીંથી છાનામાના ચાલતી પકડો. બાકી અત્યારે આટલેથી વાત પતાવીએ છીએ બાકી બીજી વાર જો તને આ કમત સુજીને તો રેશનકાર્ડમાંથી નામ નીકળી જશે એ ફાઈનલ છે” ફારુખ અને તેના ભાઈબંધને એના હાલ પર છોડીને આ કાર આગળ ચાલી. દેવધ થી સુરત બારડોલી હાઈવે થી પરબત પાટિયા અને ત્યાંથી આર કે ગેરેજ!! તરત જ નંબર પ્લેટ અને ફિઆટ પરના સ્ટીકર ઉખેડી નાંખ્યા!! પણ તે દિવસ પછી શુભાંગીના મોબાઈલ પર થતી રંઝાડ અટકી ગઈ!!
આ ઘટના બન્યા પછી ચંદુલાલ શેઠનો વિશ્વાસ દેવલા વધારે દૃઢ થઇ ગયો. સમય પસાર થતો ગયો. દેવલાની કાબેલિયત પર ચંદુલાલ શેઠને ભરોસો વધારે દૃઢ થતો ગયો. ચોવીસ ગુણ્યા સાત ગુણ્યા ત્રણસોને પાંસઠ દેવલો શેઠના પડછાયાની જેમ સાથે રહે. પોતાના પિતાજીને બે ત્રણ પત્રો પણ લખેલા દેવલાએ એક વખત પૈસા પણ મોકલી જોયા મની ઓર્ડરથી પણ નટવરલાલ ના પીગળ્યા તે ના જ પીગળ્યા!! મની ઓર્ડર પાછુ આવ્યું લખાઈને કે સામેની આ સરનામે રહેતી વ્યક્તિ પૈસા સ્વીકારવાની ના પાડે છે. અમિતકુમાર એકાદ વરસે પોતાના સસરાને ત્યાં જાય ત્યારે દેવદતના મો ફાંટ વખાણ કરે પણ નટવરલાલ છેલ્લે એક જ વાક્ય બોલે!!

“ જો બુંદ સે ગઈ વો હોજસે નહિ આતી!! એ અત્યારે ગમે એટલો સારો હોય પણ ગામ આખામાં મારી આબરુને બટ્ટો લગાવીને ગયો એનું શું?? મારે એની સાથે કોઈ કાળેય સંબંધ ના જોઈએ. એને કહી દેજો કે અહિયાં તો હવે ડોકાય પણ નહિ અને કદાચ આવશે તો આ ઘરમાં તો એ રહી નહિ શકે!! ગામમાં ગમે ત્યાં રહેવું હોય તો રહે!! હવે તો એ યુવાન થઇ ગયો છે. એની મેળે પરણવું હોય તો પરણી જાય એ પણ કહેજો!! લગ્નમાં પણ મને ના બોલાવે” નટવરલાલ આવા કાલ્પનિક આબરૂના ઓથાર હેઠળ આખી જિંદગી જીવ્યા!! અમિતકુમારે દેવલાને બધી વાત કરતા કે બાપાનો સ્વભાવ હજુ એવોને એવો જ છે!! જવાબમાં હસીને દેવલો કહેતો!!
“આ અમારે સાત પેઢીથી ચાલ્યું આવે છે.. અમારી પેઢીમાં કોઈ દીકરાને અને બાપને ક્યારેય ભડ્યુ જ નથી.. મારા બાપાને પણ મારા દાદા સાથે ક્યાં ભડતું હતું?? મારા બાપાએ એ વખતે એની રીતે લગ્ન કરેલા અને મારા દાદાએ એને કાઢી પણ મુકેલા!! પણ મારા સંતાનો થશે ત્યાંથી આ સીસ્ટમ બંધ થશે.. મારા સંતાનો એકદમ મોકળાશ વાળા વાતાવરણમાં ઉછરશે!!” દેવલો બોલ્યો કે તરત જ અમિત કુમાર બોલી ઉઠ્યા.

“તો તારા ધ્યાનમાં છે કોઈ તારે લાયક પાત્ર??? હું વાત ચલાવું એના માતા પિતા આગળ તારી!! તું મુંઝાતો નહિ આ બાબતમાં.. હવે તારું એક સ્ટેટસ છે..તારી પોતાની કમાણી છે અને તને કોઈ ગમી ગયું હોય તો મને બેધડક કહેજે..”

“ છે એક પાત્ર પણ સમય આવ્યે હું કહીશ” દેવલો બોલ્યો અને આખો શરમનો માર્યો લાલ લાલ થઇ ગયો હતો!!

દેવદતને એક પાત્ર ધ્યાનમાં આવી ગયું હતું. નામ તો એનું હતું ગીતા પણ દેવદત એને મનોમન મંદાકિની જ કહેતો. એ છોકરીની આંખો પણ મંદાકિની જેવી જ હતી. એકદમ મારકણી અને રમતિયાળ. દેવલો એને જયારે જયારે મળતો ત્યારે દેવલાના મનમાં એક અજબ આકર્ષણ થતું. એને આ છોકરી સાથે વાતો કરવાનું મન થતું. છોકરી એકદમ સાધારણ પરિવારની હતી. પણ દેવદતને એ ખુબ જ ગમતી હતી.
વલથાણ પુણાગામ રોડ પર ચંદુલાલની પાંચેક વીઘાનું વાડી પડું હતું. બાજુમાં જ કોસમાડા ગામ આવેલું હતું. અઠવાડિયામાં એકાદ વાર કે બે વાર ચંદુલાલ દેવલાને લઈને ત્યાં બપોર પછી જતા. આમ તો ફાર્મ હાઉસ જ હતું. નાનકડું મકાન હતું. વાડીમાં કેળનું વાવેતર હતું. આ ફાર્મ હાઉસમાં ગીતા અને તેની મા વસન બે જણા જ રહેતા હતા. ત્યાં જવાનું થાય એટલે કારમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓની ખરીદી કરીને ચંદુલાલ લઇ જતા. દેવલો ચંદુલાલ શેઠ સાથે ડ્રાઈવર તરીકે જોડાયો અને બે વરસ થયા પછી ચંદુલાલ એને ત્યાં સાથે લઇ જતા હતા. વરસ દિવસમાં જ દેવલો સમજી ગયો કે ચંદુલાલને વસન સાથે કોઈ જન્મોજન્મનો સંબંધ છે. શેઠ ફાર્મ હાઉસ પર જઈને ખુબ ખુશ થઇ જતા. ત્યાં જવાનું થાય એટલે કારમાંથી તમામ વસ્તુઓ દેવલો બહાર કાઢતો જાય અને ગીતા ઉર્ફે દેવલાની માનસિક મંદાકિની બધી વસ્તુઓ પોતાના ઘરમાં મૂકી દે. પછી એક ખુરશી પર દેવલો બેસે. શેઠ વસન સાથે કેળની વાડીમાં આંટો મારી આવે એ દરમ્યાન ગીતા દેવલાને પાણી આપે ચા આપે. થોડી વાર પછી કાચા કેળાની પાડેલી વેફર આપે. બને વચ્ચે એક પણ શબ્દોનો વ્યવહાર નહિ પણ તેમ છતાં ગીતા દેવલાને જુએ અને દેવલો ગીતાને જુએ એટલે ભર બપોરે આષાઢી માસ જેવું વાતાવરણ જામી ઉઠે. ક્યારેક વળી ચંદુલાલ શેઠ ત્યાં સાંજે જમે પણ ખરા.શેઠ ત્યાં મકાઈના રોટલા અને અડદની દાળ જ મોટે ભાગે જમતા. પણ એક વાત દેવલાએ નોંધી કે વધુમાં વધુ શેઠ ત્યાં સાંજના સાત કે સાડા સાત સુધી જ રોકાતા એનાથી મોડું ક્યારેય નહિ. જતી વખતે ગીતાને માથે ચંદુલાલ હાથ મુકે. વસન બે હાથ જોડીને ઉભી હોય અને શેઠ પોતાની ગાડીમાં બેસે. બીજી વાત દેવલાએ એ નોંધી કે જ્યારે શેઠ આ ફાર્મ હાઉસ પર આવે ને પરત જાય ત્યારે એકદમ મૂંગા હોય છેક ઘર સુધી!!

શેઠના એક ખાસ મિત્ર હતા. નામ એનુ કેશુભાઈ. અમરોલી બાજુ કેશુભાઈની એક મોટી વાડી હતી. ચંદુલાલને અને કેશુભાઈને એકબીજાને તુંકારે બોલાવવાનો રીવાજ હતો. ચંદુભાઈના ખાસ મિત્ર હતા કેશુ ભાઈ એ દેવલો જાણી ગયો હતો. એટલે દેવલો કેશુભાઈનું પણ માન સન્માન જાળવતો. થોડા સમય પછી શેઠે કહ્યું દેવલાને એક વખત.
“દેવદત હજીરા બાજુ એક લગ્ન છે ત્યાં આજે સાંજે જમવાનું છે. આપણી કાર લઈને તું કેશુભાઈને અમરોલી થી લઇ આવ્ય. આપણી સાથે જ એ આવશે અને મોડી રાતે આપણે પાછા આવીશું ત્યારે તું એને ઘરે ઉતારી આવજે” આ લગભગ ક્રમ જ થઇ ગયો હતો. જ્યારે જ્યારે કેશુભાઈ સાથે ચંદુલાલને બહાર જવાનું હોય ત્યારે ત્યારે દેવદત એને લેવા પણ જતો અને મોડી રાતે મુકવા પણ જતો એનું એક જ કારણ હતું કે કેશુભાઈ ને પીવાનું ખુબજ વધી ગયું હતું. એ લગભગ ફૂલ થઇ જ જાય અને પછી એની પોતાની કાર એ ચલાવી પણ ના શકે એટલે એના છોકરાઓ એને ગમે ત્યાં જવું હોય રાતે કેશુભાઈને ગાડી ન આપે. એક વખત તો કેશુભાઈના મોટા દીકરા હંસરાજે દેવલાને કહી પણ દીધું કે.

“ચંદુશેઠને કહેજે કે મારા બાપાને જેવા લઇ જાય છે એવાજ પાછા મૂકી જાય!! એ ચંદુ શેઠ સાથે હોય એટલે માપ બારું પી જાય છે અને અમારે ઉપાધિ વધી જાય છે” જવાબમાં દેવદત બોલ્યો.
“માફ કરજો હંસરાજભાઈ અમારા શેઠ લીમીટમાં જ પીવે છે. એ દર વખતે આપના પરમ પૂજ્ય પિતાશ્રીને હાથ જોડીને મનાઈ કરે છે કે હવે ત્રણ પેગ થઇ ગયા છે. હવે વધારે નહિ સારું!! અને જવાબમાં તમારા બાપુજી આંખમાંથી આંસુ પાડે કે હવે તું ભાઈબંધ થઈને મને ના પાડશ!! છોકરા તો મારા સામું નથી જોતા પણ તું તો જો!! માર સોગંદ છે જો મને ના પાડ્ય તો!! મારા જેવો ભાઈબંધ તને કોઈ ભવમાં નહિ મળે!! ભલાદમી તને મારી સહેજ પણ દયા નથી આવતી.. આવું આવું બોલીને એ રોવા મંડે છે અને પછી કેટલુય ન બોલવાનું બોલી નાંખે છે. અને અમારા શેઠને પછી દયા આવે એટલે એ કશું ના બોલે અને આપના પિતાજી પછી બીજા ત્રણ ગ્લાસ પીવે અને પછી સાવ ફાસ્ટ થઇ જાય છે” આ પછી હંસરાજ ક્યારેય પણ દેવલાને કશું કહેતો નહીં!!

લગ્ન એક વાડીમાં હતા. કેશુભાઈએ રસ્તામાંથી જ બ્લેક ડોગની એક આખી એક લીટરની બોટલ લઇ લીધી હતી. વાડીએ જઈને બને ભાઇબંધોએ એક કેળના થડીયે પાર્ટી જમાવી. સોડાની બે બોટલ સાથે એક કલાકમાં આખું બ્લેક ડોગ બને એ પૂરું કરી દીધું. ચંદુલાલને તો વાંધો ના આવ્યો.પણ કેશુભાઈના ખેલ શરુ થયા.!! આજુ બાજુના કેળાના થડીયા હલાવી નાંખ્યા અને બોલતા જાય.

“ તમે રે ચંપોને અમે કેળ એક રે ક્યારામાં દોનો રોપીયા!!
હે….જી વાલા તમે રે ચંપોને અમે કેળ………….” ચંદુલાલ એમને પરાણે ઉભા કરે અને ઢસડે.. પણ કેશુભાઈ પાછા જઈને કેળના થડીયે ભેટી પડે અને મોટા અવાજે ગાય!!

“ચાંદા સરીખું મુખડું તમારું ચંપા તે વરણી કાય”
“અળગા રહીને સોહંતા રૂપને માણું તો માણ્યું ન જાય”
છેવટે દેવલાએ અને ચંદુલાલે કેશુ શેઠને ગાડીમાં નાંખ્યા. બહારથી લોક કર્યો પણ કેશુભાઈ ગાડીની અંદર પણ રાગડા તાણતા હતા. થોડી વારમાં દેવલાએ અને ચંદુ શેઠે જમી લીધું.કેશુભાઈને જમવાનું તો હતું નહિ. હોંશમાં હોય તો જમેને!! જમીને ત્રણેય નીકળ્યા. ચંદુલાલને ઘરે ઉતારીને દેવલો કેશુભાઈને ઘરે મુકવા જતો હતો. હવે એ ઠીક ઠીક પ્રમાણમાં ભાનમાં પણ હતા. અને કેશુભાઈએ ન કરવાની કરી. એ મંડ્યા બોલવા!!

“દેવલા એ દેવલા તારી જેવો માણસ મળવો મુશ્કેલ છે.. બાકી ખરો ભાગ્યશાળી તો છે ચંદુડો!! મારો બટો એકદમ ભાગ્યશાળી હો!! ચંદુલાલ જેવું સુખ તો કોઈને નહિ.. “સાચું સુખ સાસરિયામાં” એવી એક ગુજરાતી ફિલ્મ છે..પણ મારે એક ગુજરાતી ફિલ્મ ઉતારવી છે અને એનું નામ રાખવું છે” સાચું સુખ તો ચંદુલાલને” તે તો એના ઘરનાને જોયા નથીને!! એકદમ રૂપાળી રાણ્ય જેવી એની પત્ની હતી.પણ એથી પણ રૂપાળી વસન છે.. વસન!! તું અને તારો શેઠ કોસમાડા જાવ છોને એ વસનની વાત કરું છું.. એ જમીન શેઠે વસનને નામ કરી દીધી છે.શેઠાણી ગુજરી ગયા પછી શેઠે કોર્ટમાં લગ્ન કરી લીધા છે વસન સાથે અને અને એની પેલી છોડી શું નામ માંજરી આંખો વાળી.. ગીતા ને હ……હા…હા એ ગીતા પણ શેઠની જ છોકરી છે..શેઠનું જ લોહી!! મને એકલાને જ આ વાતની ખબર.. બહોત પુરાના યારાના લગતા હે દોનો કે બીચ!!” અને કેશુ શેઠ આગળ કશું બોલે એ પહેલા જ દેવલાએ બ્રેક મારી અને ગાડીના ટાયર એકદમ રોડ પર ઘસાયા અને ચિચિયારી જેવો અવાજ આવ્યો.. દેવલાની આંખોમાં એકાએક ગુસ્સો ઉમટી આવ્યો. અમરોલી તરફ જતા તાપીના પુલ ની બરાબર મધ્ય ભાગમાં ગાડી ઉભી રાખીને દેવલાએ કેશુ શેઠનો કાંઠલો પકડીને ગાડીમાંથી ઉતાર્યા અને બોલ્યો.
“ કેશુડા હવે જો મારા શેઠ વિષે અત્યારે કે ક્યારેય એક પણ શબ્દ આડો અવળો બોલ્યો છો તો આ તાપીમાં ઘા કરી દઈશ..શું સમજ્યો???” કેશુ શેઠનો બ્લેક ડોગનો નશો એકી સાથે તળિયાઝાટક ઉતરી ગયો. કેશુ શેઠને પુલ ઉપર જ ઉતારીને દેવલો કાર લઈને પાછો વળી ગયો. શેઠના બંગલે આવીને એ સુઈ ગયો.!! અને આ બાજુ કેશુશેઠ લથડીયા ખાતા ખાતા તાપીના પુલ ઉપરથી પોતાના ઘરે અમરોલી જતા હતા અને એક પોલીસવાળાની જીપને રિક્ષા સમજીને હાથ ઉંચો કર્યો અને પોલીસ એને બઠાવીને પોલીસ સ્ટેશને લઇ ગઈ. અને અધરાતે ભવાડો થયો. કેશુ શેઠના દીકરા આવ્યા. પોલીસને આજીજી કરી. પોલીસે પણ માનવતા દાખવીને મોટી રકમના બદલામાં ભીનું સંકેલ્યું અને બીજે દિવસે સવારે આ ઘટનાની જાણ ચંદુલાલને થઇ અને શેઠે દેવલાને બોલાવ્યો.

“ શેઠ તમે જે કહો એ કબૂલ પણ મારી આગળ એ તમારું ઘસાતું બોલ્યો એ તમે સહન કરો પણ હું કોઈ કાળે સહન ન કરું. હું જયારે તમારી સાથે કામે લાગ્યો ત્યારે મારા રાઘવ શેઠે મને કહ્યું હતું કે તમે જેનો રોટલો ખાવ છો એનું કદાપિ બૂરું ના ઇચ્છવું. એની ખરાબ વાત ના કરવી અને કોઈ એની ખરાબ વાત કરતુ હોય તો ત્યાં ઉભા પણ ન રહેવું. મને દાઝ ચડી એટલે એને તાપીના પુલ પર જ ઉતારી દીધો હતો. બાકી વધારે એ બોલ્યો હોત તો તાપીમાં જ નાખવાનો હોત અને આજે ત્યાં એનું બેસણું હોત અને આવતીકાલના છાપામાં એની શ્રદ્ધાંજલિ હોત એ નક્કી વાત હતી” ચંદુશેઠે દેવલાની આંખોમાં જોયું. એક વફાદારી એક વચનપાલનનો વિશેષ આનંદ એની આંખોમાં ટપકતો હતો. શેઠ થોડીવાર તો કશું પણ ના બોલ્યા પણ પછી કહ્યું ચાલ આપણે આજે રોડ પર આંટો મારી આવીએ.આજે ચાલતા ચાલતા જવું છે.ઘણો સમય થઇ ગયો. ચાલ્યો નથી એને!! શેઠ અને દેવલો જોથાણની બજારમાં ચાલતા ચાલતા રોડ પર આવી ચડ્યા. અને શેઠે વાત કરી.

“કેશુ શેઠની વાત સાચી છે પણ એની કહેવાની રીત ખોટી છે. ઘણા સમયથી મારી પર એક બોજ હતો. ચાલ જે થયું તે!! પણ આજ હું એ બોજ તારી આગળ હળવો કરવા માંગુ છું.મને ખ્યાલ છે ત્યાં સુધી આ વાત હું અને કેશુ શેઠ બે જાણતા હતા.પછી બીજાને કદાચ ખબર હોય તો એની મને ખબરેય નથી અને પરવા પણ નથી. મેં કોઈને આ વાત કીધી નથી પણ આજ તને કહું છું” શેઠ ચંદુલાલ અને દેવલો ચાલતા રહ્યા કનાડથી જહાંગીરપુરા બાજુના રસ્તા પર અને શેઠે એનો ઈતિહાસ ખોલ્યો અને દેવલો સાંભળતો રહ્યો.
“ વસન ને હું નાની હતી ત્યારથી ઓળખતો. સુરતમાં વેસુ બાજુ મારું બાંધકામ ચાલતું હતું ત્યારે એ મજૂરીએ આવતી એના મા બાપ સાથે. મને એ ગમતી એકદમ અત્યારે છે એના જેવી જ એ રૂપાળી હતી. અત્યારે એની દીકરી ગીતા છે એવડી એની ઉંમર હતી. મારા લગ્ન થઇ ગયા હતા. તેમ છતાં હું એને મનોમન ચાહતો હતો. તને કદાચ આ વાત અજુગતી લાગશે પણ ઘણીવાર સંજોગો જ એવા સર્જાય છે કે અમુક બાબતો તમારા હાથમાં હોતી નથી.કોઈના પ્રત્યે ક્યારેક તમારી લાગણી એટલી પ્રબળ બની જાય કે તમે લાખ પ્રયત્નો કરો તો પણ ના છૂટે.કદાચ આને જે ગયા ભવની લેણા દેણી કહેતા હશે. એના માતા પિતાએ વસનને પરણાવી ખરી પણ સામેનું પાત્ર સાવ ઉતાર અને છેલ્લી કક્ષાનું મળ્યું હતું. સતત મારઝૂડ વચ્ચે વસન જિંદગી જીવતી રહી. એનો પતિ પણ મારે ત્યાં કામે આવતો.પણ એ તાડી એટલી પીતો કે આખો દિવસ ડમ્મર જ હોય. વસન સાથેના સંબંધની એક તને ચોખવટ એ કરી દઉં કે મારે તેના તરફ લાગણી પ્રબળ હોવા છતાં હું ક્યારેય મારી મર્યાદા છાંડયો નહોતો. ત્રણ જ વરસના લગ્નજીવન દરમ્યાન વસનને પારાવાર ત્રાસ પડ્યો અપન અંતે ઈશ્વરે એની સામે જોયું એમ હું કહી શકું કારણકે એના પતિનું લીવર જલદી પતી ગયું અને એ અવસાન પામ્યો. વસન એક ત્રાસમાંથી છૂટી એને કોઈ સંતાન હતું નહીં.પછી મેં એને અત્યારે જ્યાં રહે છે એ કોસમાડા વાળી વાડી સોંપી દીધી. એ ત્યાં રહે મજૂરોનું ધ્યાન રાખે અને હું એને મહીને અમુક રકમ આપી દઉં. હવે એ એકલી હતી.હું એને દિલથી ચાહતો હતો પણ કદી એને કહી શક્યો નહિ. એના ઘણા બધા કારણોમાંનું એક કારણ એ પણ હતું કે હું પરણિત હતો અને મારી પત્નીને પણ ચાહતો હતો. ઘણા પ્રેમ એવા હોય છે કે આખી જિંદગી એકબીજા આગળ વ્યકત કર્યા વગર જ સમાપ્ત થઈ જતા હોય છે. ના એણે કીધું ના મેં કીધું. બસ મનોમન અમે એકબીજાના થઇ ગયેલા. એણે બીજા લગ્ન પણ ના કર્યા. એને મેં એકવાર પૂછેલું કે તારી ઉમર હજુ કોઈ મોટી નથી બીજા લગ્ન કરી લે ત્યારે એણે જવાબ આપ્યો કે શું જરૂર છે અત્યારે ખુશ છું લગ્ન કરવાથી હું આના કરતા વધારે ખુશ નહિ રહી શકું એટલે આમને આમ બરાબર છે” આટલું કહીને ચંદુલાલ શેઠ થોડી વાર અટક્યા દેવલાએ જોયું કે શેઠની આંખમાં આંસુ હતા. પોતાના શેઠની આંખમાં એણે પહેલી વાર આંસુ જોયું હતું. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંસુ લુંછીને શેઠે પોતાની વાત આગળ ચલાવી. આમેય જગતમાં એવો કોઈ રૂમાલ નહિ હોય કે જેના ભાગ્યમાં ક્યારેય આંસુ લુંછવાનું નહિ આવ્યું હોય!!
“ આમને આમ સમય પસાર થતો હતો અને સુરત પર કોપ ઉતરી આવ્યો. સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો.લોકો ટપોટપ મરવા લાગ્યા હતા. કાઠીયાવાડના લોકો તો પોતાના વતનમાં જવા લાગ્યા. પણ આ તો અમારું જ વતન!! અમારે કયા જવું?? એ વખતે સંબંધોનો છેદ ઉડતા મેં સગી આંખે સુરત નિહાળ્યું છે.આજુબાજુના સગા સંબંધીઓ પણ સુરતવાળાને સાચવવા તૈયાર નહોતા. કાઠીયાવાડ તરફ જે જે બસો ભરાઈ ભરાઈને જતી હતી તેને રસ્તામાં કોઈ હોટલવાળા હેઠા નહોતા ઉતરવા દેતા.દેવદત તમારા ગામડાઓમાં પણ અમુક ગામમાં લોકો ગામને પાદર દવા છાંટવાના પંપ લઈને ઉભા રહી ગયા હતા.સુરતથી જે જે લોકો ગામમાં આવતા એને પાદરમાં જ એના કપડા પર દવા છાંટીને જ ગામમાં દાખલ કરતા એવું મેં છાપામાં વાંચ્યું હતું સાચું ખોટું રામ જાણે. સુરતની તમામ હોસ્પિટલો પ્લેગના દર્દીથી ઉભરાઈ ગઈ હતી. બધાના મોઢા પર માસ્ક અને રૂમાલ બાંધેલા હતા. સુરતની હવામાં જ પ્લેગ વર્તાઈ રહ્યો હતો. લોકો સમજ્યા કે જાણ્યા વગર ટ્રેટાસાઈક્લીન નામના ટીકડાઓ ગળી રહ્યા હતા પ્લેગથી બચવા માટે!! અને મને પ્લેગની અસર થઇ. ખાનગી હોસ્પીટલમાં દાખલ કર્યો.મારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો અને મારા સંતાનો અને પત્ની મારાથી એકદમ દૂર થઇ ગયા. કોઈ મારી નજીક આવવા તૈયાર નહોતું. ખાનગી હોસ્પીટલના એક ખૂણામાં આ ચંદુ શેઠ લાચાર બનીને એક ખાટલામાં પડ્યો હતો. પ્લેગનો ત્રાસ વધતો ગયો.અમુક ડોકટરો પણ સુરત મુકીને ભાગ્યા. કોઈને કદાચ સાચું ન લાગે પણ પ્લેગના દર્દીને દાખલ કર્યા પછી એના ઘરના સભ્યો પણ દૂર રહીને એને મળતા. મને મારી પત્ની મળવા આવતી પણ એક ટીકડુ ટ્રેટાસાઈક્લીનનું ગળી જાય પછી નજીક આવે અને પોતાના શ્વાસ રોકીને મને પૂછે કે કેમ છે અને વળી આઘી જાય શ્વાસ લઈને વળી પાછી આવે.કોઈ દર્દીના ખાટલા પાસે કોઈ ટકતું જ નહીં. વસન મારી ખબર કાઢવા આવી અને એ ત્રણ દિવસ મારી સાથે જ રહી. ના મોઢા પર કોઈ કપડું કે ના એને પ્લેગ થવાની બીક!!” ચંદુશેઠ પ્લેગની વાત કરતા હતા અને દેવલાની આંખોની આગળ એક એ વખતનું સુરત ઉપસી આવ્યું. શેઠે વાત આગળ ચલાવી.
“ પછી તો ખાનગી હોસ્પીટલમાંથી સીરીયસ કેઈસ સરકારીમાં ખસેડાવા લાગ્યા. બહારના રાજ્યોના ડોકટરો સુરત આવવા લાગ્યા. સરકારી હોસ્પિટલો ટૂંકી પડી અને વસન મને વાડીએ લઇ ગઈ અને મારી સેવા શરુ કરી. મારી પત્ની અને બાળકો દરવાજે આવીને ખબર પૂછવા લાગ્યા. મારી તબિયત સુધરવા લાગી એમ એમ સગા સબંધીઓ શુભેચ્છાઓ પાઠવવા આવવા લાગ્યા. પ્લેગ પર કાબુ મેળવી લીધો. હું મોતના મોમાંથી બચ્યો. સુરતમાં પારાવાર ગંદકી હતી. ગંદકી અને મોટી સંખ્યામાં ઉંદરો મરવાને કારણે પ્લેગ ફેલાયો હતો. અને પછી કમિશનર રાવ આવ્યા અને સુરત ચોખ્ખું કર્યું. ભલભલા ચમરબંધીના ગેરકાયદેસર દબાણો દૂર થયા. અમુક રાજકારણીઓ આડા હાલ્યા એને રાવે તમાચા પણ ફટકાર્યા.અને એ તમાચો ઉધના સુધી સંભળાયો. લોકો જાતે જ પોતાના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. આજનું આ સુરત ચોખ્ખું અને સ્વચ્છ છે એના મુળિયા કમિશનર રાવે નાંખેલા. હું સાવ સાજો થઇ ગયો. મારા ઘરે આવ્યો. વસનનો ઉપકાર હું જિંદગીભર નહોતો ભૂલવાનો. ઘરે આવ્યા પછી બે દિવસે હું વસનને મળવા ગયો. ત્યાં વસન નહોતી બીજા મજૂર હતા. વસન કાલની બહાર ગઈ છે એવું મને જાણવા મળ્યું. ક્યાં ગઈ છે એ કોઈને ખબર નહોતી પણ ત્યાં મજૂરી કરતી એક સ્ત્રી કે જે વસનની બહેનપણી હતી એણે મને કીધું અને હું દંગ રહી ગયો. વસન ચાલીને પાવાગઢ ગઈ હતી. મને પ્લેગ થયો અને વસનને ખબર પડી એટલે એણે મારી માનતા માની હતી કે મને સારું થઇ જાય તો એ ચાલીને પાવાગઢ જશે!! વિપરીત પરિસ્થિતિમાં સગાવહાલા છટકી જાય અને જેની સાથે મારે આમ તો કાયદેસર કોઈ સંબંધ નહોતો એવી એક સ્ત્રી નિસ્વાર્થભાવે આવી માનતા માને!! કદાચ આજ સાચો સંબંધ કહેવાતો હશે ને??!! હું મારી કાર લઈને વસનની પાછળ ગયો. કોસંબા અને અંકલેશ્વરની વચ્ચે વસન ચાલીને જતી હતી એ મેં જોઈ. હાથમાં એક થેલી એમાં પાણીની એક બોટલ. એક નાનકડું પાકીટ બીજું કશું જ નહિ. હું એને જોઇને કશું જ બોલી ના શક્યો. મારા આંખમાંથી આંસુ નીકળી ગયા. એ પણ રોઈ પડી. અમે બને એક શબ્દ પણ ન બોલ્યા. વગર બોલ્યે જીવનમાં એકબીજાનો પ્રેમ પામી ગયા હતા. અંકલેશ્વર મેં કાર એક મિત્રને ત્યાં મૂકી દીધી અને ઘરે કહેવરાવી દીધું કે હું પાવાગઢ જાવ છું અઠવાડિયા પછી આવીશ. હું જીવનમાં પગપાળા પહેલી વાર આટલું ચાલ્યો હોઈશ. ભરૂચ થી કરજણ ,ડભોઇ, લીંબડા થઈને અમે પાવાગઢ પહોંચ્યા. અને પાવાગઢ માતાજીના મંદિરે મેં વસનની માંગમાં સેંથો પૂર્યો!!” રસ્તા પર એક લીમડાના ઝાડ પાસે ચંદુ શેઠ ઉભા રહી ગયા. દેવલો એનું મોઢું જોઈ રહ્યો હતો. ચંદુ શેઠના ચહેરા પર એક વિશિષ્ટ ભાવ ઉપસી આવ્યા. દેવલાને લાગ્યું કે જયારે શેઠે પાવાગઢના ડુંગરા પર વસનના માથા પર સેંથો પૂર્યો હશે ત્યારે આવા જ ભાવ હશે. શેઠ થોડી વાર એમને એમ મૂંગા બેસી રહ્યા અને પછી આગળ વાત ચલાવી.
“ મેં એનો સેંથો તો પૂર્યો પણ વસને મારી પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે શેઠાણી સાથે કોઈ અન્યાય નહિ કરતા. એ તમારી કાયદેસરની પત્ની છે. એને જો કોઈ પણ બાબતે દુઃખ લાગે એવું કરશો તો હું આ દુનિયા છોડી દઈશ. અને અમારો સબંધ પહેલા પણ પવિત્ર જ હતો. સમય વીતતો ચાલ્યો. વસનને નાના જન્મેલા સંતાનો બહુ જ ગમતા. વાડીએ કામ કરતા મજુરોના નાના સંતાનોને એ તેડીને ફરતી. દરેક સ્ત્રી માતૃત્વ ઝંખે છે. પોતાની કોખ સુની રહે એ કોઈ પણ સ્ત્રીને ના ગમે.. ભલે ગંદુ ગોબરું હોય.. કાળું હોય કે ગોરું..પણ પોતાનું બાળક એ પોતાનું બાળક.. ઘણી વખત એ કોઈ બાળકને છાતી સરસું ચાંપીને મારા સામું જોઇને હશે અને આવું બધું જોઇને એક વખત ધુળેટીના દિવસે મારાથી સંયમ તૂટી ગયો!! ફાર્મ હાઉસ પર જ વસન સાથેજ હું પ્રેમમાં તરબોળ બન્યો. વસનને માતૃત્વ મળ્યું. ગીતાનો જન્મ થયો. દેવદત ગીતા મારી જ દીકરી છે.. મારું જ લોહી છે!! આ ચંદુ શેઠની દીકરી છે ગીતા!! શેઠાણીના અવસાન પછી મેં એક નિર્ણય લીધો. મારી દીકરી ગીતાને ખાતર. કાલ્ય સવાર હું ના હોવ તો મારી દીકરી ગીતા અને વસનનું કોણ ?? કેશુ શેઠની હાજરીમાં મેં કોર્ટમાં વસન સાથે બીજા લગ્ન કરી લીધા. મારા સંતાનોને પણ મેં જણાવી દીધું છે આ બાબતે. એમને મેં કહી દીધું છે. મારી બધી તમામ મિલકત તમારા બે ભાઈઓની જ છે. ફક્ત કોસમાડા વાળી જમીન હું વસનને ખાતે કરવાનો છું. થોડી ચણભણ થઇ પણ ઘીના ઠામમાં ઘી પડી ગયું. વળી મેં એમને એ પણ યાદ દેવડાવ્યું કે હું જયારે પ્લેગમાં હતો ત્યારે તમે બધા આઘા રહ્યા છો તમને જીવ વહાલો હતો. જોકે વસનને કયારેય મારી સંપતિમાં રસ નહોતો એ મારા દીકરાઓ પણ જાણતા હતા. એટલે એમને કોઈ વાંધો હતો નહિ. વાત હતી હવે મારી દીકરીની તો એને કોની સાથે પરણાવવી?? .પણ એનો ઉકેલ પણ મને મળી ગયો છે દેવદત!! તું મારો જમાઈ થઈશ તો મને ગમશે!! ગીતા અસલ એની મા પર ગઈ છે!! અને હું તને ખાતરી આપું છું કે મારી દીકરી તને તને ચોક્કસ સુખી કરશે.
મારી દીકરીમાં એની હેતાળ મા અને મારું લોહી વહી રહ્યું છે !! વિશ્વાસ રાખજે મારા શબ્દો પર તારી જેવો વફાદાર અને પ્રામાણિક જમાઈ મને આખા સુરતમાં નહિ મળે!! વિચાર કરી લે દેવદત જો તું ના પાડીશ તો પણ મને ખોટું નહિ લાગે!! તારું માન પહેલા હતું એટલુ જ રહેશે. પણ જો તું હા પાડીશ તો આ ભવનું આ ભવમાં જ પૂરું કરવું છે મારે!! ગયા ભવમાં કદાચ મારે વસન સાથે બાકી રહી ગયું હશે એટલે આ ભવમાં આવી પરિસ્થિતિ આવી ગઈ છે. બે ય હૈયા આમને આમ હિજરાયા કરશે તો આની પછીનો ભવમાં પણ લેણા દેણી પૂરી કરવી પડશે!! હું બહુ તારી જેમ લાંબુ લાંબુ વાંચતો નથી પણ મને એટલી ખબર પડે છે કે આ જન્મના વિચારો આ જન્મમાં પુરા ન થાય તો એ વિચારો માણસની સાથે એના પછીના જન્મમાં એની સાથે જ જાય છે. માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે એ તદન ખોટી અને વાહિયાત વાત મને લાગે છે. માણસ જન્મે છે ત્યારે અધૂરા કર્મો પૂર્ણ નહિ થયેલા વિચારો લઈને જન્મે છે. બાળકનો જન્મ થાયને ત્યારે ધ્યાનથી જોજે એના બને હાથની મુઠ્ઠી વળેલી હોય છે. એ મુઠ્ઠીમાં ગત જન્મમાં પૂર્ણ ન થયેલ કર્મો સંઘરાયેલા હોય છે. આમ જન્મોજન્મ કર્મનું બંધન એવું તો વધતું જ જાય છે કે મનુષ્યને અનેક અવતારો લેવા પડે છે!! ચંદુ શેઠ બોલતા હતા. આ ફીલોસોફીમાં દેવદતને કશું સમજાયું નહિ એટલે એ બોલ્યો.

“આ ભવનું આ ભવમાં જ પૂરું કરવું એટલે શું એ ન સમજાયું”

“ બસ એ જ કે મારી દીકરીનો હાથ તું ઝાલી લે એટલે ગંગ નાહ્યા!! પછી આ બધું છોડીને હરિદ્વાર કે એવી કોઈ ગંગા કિનારે વસન સાથે બાકીની અવસ્થા ગાળવી છે. બસ જીવન એવું જીવવું છે કોઈ જ અબળખા કે ઈચ્છા બાકી ન રહી જાય. કોઈનો મોહ નથી મને બસ આ એક મારી દીકરી ઠરીઠામ થાય એટલે આ જીવનનું બોર્ડ પૂરું!! તારે સંપતી જોઈ એટલી માંગી લે પણ આ એક મારી ઈચ્છા પૂરી કરી દે દેવદત!!” અને દેવદત બોલ્યો.
“ તમારી ઈચ્છા હું પૂરી કરીશ બદલામાં એક વચન મને આપો શેઠ” દેવદત ઉર્ફે દેવલો બોલ્યો.

“એક નહિ અનેક વચન હું આપીશ બોલ” શેઠ ગળગળા થઈને બોલ્યા.

“જીવનમાં તમે આજથી ક્યારેય શરાબને હાથ નહિ અડાડો. આ મોઢામાં એક ટીપું શરાબ હવે જશે નહિ બોલો આપો છો મને આ વચન” દેવદત આટલું બોલ્યો ત્યાં ચંદુલાલ શેઠે એને બાથમાં લીધો. અને કહ્યું.

“જા આપ્યું વચન કે આજથી હું એ અપલખણ પણ છોડું છું”!! દેવદ્તે એમની આ આખી વાત મને કીધી. ખાસો સમય થઇ ગયો હતો. એક આખું ફિલ્મ મેં જોયું હોય એવી અનુભૂતિ થઇ. પછી દેવદત બોલ્યો.

“ શેઠે એનું વચન પાળ્યું મેં મારું વચન પાળ્યું .મારા લગ્ન મારી મંદાકિની ઉર્ફે નીતા સાથે થયા. એ વાડીમાં જ લગ્ન રાખ્યા હતા. શેઠના સંતાનો નહોતા આવ્યા શેઠને એની પડી પણ નહોતી. મારા પિતાને મેં ફોન કર્યો હતો કે તમે લગ્નમાં આવો એ ન આવ્યા. ગેરેજ વાળા રાઘવ, અને અમિતકુમારનો પરિવાર લગ્નમાં હાજર હતો. મારી બહેન વૃંદા ખુબ ખુશ હતી. મારી નાની બહેન છાયા પણ આવી હતી. બે ય બહેનોએ મારું લુણ ઉતાર્યું હતું. શેઠ જોકે મારા સસરા કહેવાય પણ હું એને આજે પણ શેઠ જ કહું છું એ વસન શેઠાણી સાથે ખુબ જ ખુશ હતા. કન્યાદાન એમણે આપ્યું. મંદાકિનીને વળાવતી વખતે શેઠે એને કહ્યું કે બેટા તું જીવનભર સુખી રહીશ. તારા માટે આવો મુરતિયો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. શેઠે એની સ્કોડા કારની ચાવી મને આપી દીધી. અત્યારે હું મારી પત્ની સાથે જે બંગલામાં રહું છું એ બંગલો પણ પરાણે શેઠે જ મને આપ્યો છે. અમારા લગ્ન થયા બાદ બે જ મહિનામાં શેઠે પોતાની બાકીની મિલકત બને દીકરાઓને આપી દીધી.
મેં એમને ઘણી ના પાડી તોય ઘણાં રૂપિયા એ મારી પત્નીને એટલે કે એની દીકરીને આપતા ગયા. પોતાની જરૂરી મૂડી સાથે લઈને એ શેઠાણી સાથે હરિદ્વાર બાજુ જતા રહ્યા છે. અને મેં મારી રીતે હવે આ ધંધામાં ઝંપલાવ્યું છે. ધંધો તો ઠીક ઠીક ચાલે છે. વરસે હું અને મારી પત્ની અમારા પરિવાર સાથે હરિદ્વાર જઈએ છીએ. ત્યાં કનખલથી આગળ વીસ કિલોમીટર દૂર એક ગામડામાં ગંગા કિનારે એક મકાનમાં મારા શેઠ અને શેઠાણી રહે છે. રોજ રાતે ગંગાના કિનારે આરતીમાં શેઠ અને શેઠાણીના ખોળામાં મારા સંતાનો બેસે અમે બને એને જોઈએ!! માં ગંગાની આરતી થાય અને મને શેઠે કહેલા એ વાક્યો યાદ આવી જાય છે!!આ જન્મના વિચારો આ જન્મમાં પુરા ન થાય તો એ વિચારો માણસની સાથે એના પછીના જન્મમાં જન્મે છે. માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે એ તદન ખોટી અને વાહિયાત વાત મને લાગે છે. માણસ જન્મે છે ત્યારે અધૂરા કર્મો લઈને જન્મે છે. બાળકનો જન્મ થાયને ત્યારે ધ્યાનથી જોજે એની મુઠ્ઠી વળેલી હોય છે. એ મુઠ્ઠીમાં ગત જન્મમાં પૂર્ણ ન થયેલ કર્મો સંઘરાયેલા હોય છે. આમ જન્મોજન્મ કર્મનું બંધન એવું તો વધતું જ જાય છે કે મનુષ્યને અનેક અવતારો લેવા પડે છે!! અમે ઉભા થયા. દેવદતની વાત સાંભળીને મન પ્રસન્ન થઇ ગયું.
“ મુકાકા ચાલો મારી ઘરે આજે તો તમારે મારે ત્યાં જમવાનું જ છે. એ બહાને તમે મારી મંદાકિનીને અને મારા સંતાનોને પણ મળી શકોને અને હા એક વાત તમને કહેવાની રહી ગઈ છે એ તમારી વાર્તાઓ પણ વાંચે છે”

અને દેવદતે પોતાની સ્કોડા કાઢી હું તેની આગળની સીટમાં ગોઠવાયો. સ્કોડા ચાલી!! દેવદત ઉર્ફે દેવલો બહુ જ સિફતપૂર્વક ગાડી ચલાવી રહ્યો હતો. રસ્તામાં દેવદત બોલ્યો.
“ અત્યારે તમે ઓનલાઈન ખરીદી કરો અને પેમેન્ટ કરોને તો એ પ્રોસેસમાં એક વખત તમારા મોબાઈલમાં એક ઓટીપી આવે.. વન ટાઈમ પાસવર્ડ!! એ ઓટીપી નાંખો તો ઓનલાઈન ખરીદી કે ઓનલાઈન પેમેન્ટ પૂરું થાય. એમ દરેકના જીવનમાં સમયાંતરે ભગવાન ઓટીપી મોકલતો હોય છે એનો ઉપયોગ કરીલો તમે સુખી અને ચાકા જેવી જિંદગી જીવી શકો!! મારી લાઈફમાં બે ઓટીપી આવ્યા હતા અને એ બને મેં સ્વીકારી લીધા.. પ્રથમ વખત રાઘવને ત્યાં ગેરેજમાં રહ્યો એ… અને બીજો ચંદુલાલ શેઠનો ડ્રાઈવર બન્યો એ!! અને લાઈફ સેટ થઇ ગઈ છે..આનાથી વિશેષ શું જોઈએ તમે કહો મને!! ખાલી હાથે સુરતમાં આવ્યો અને અત્યારે ઘણું બધું છે અને એ પણ કોઈની લાઈફ બગાડીને નહિ. કોઈનું અણહકનું આપણે લીધું જ નથી!! આવું છે મૂકાકા..આ સુરત છે સુરત!! અહી જેટલા શેઠિયા છે એટલી વાર્તાઓ બને એમ છે. બધાને ભગવાને ઓટીપી મોકલેલા અને જેણે સ્વીકાર્યા એ બધા સુખી થઇ ગયા.. મહેનત અને નસીબનો સંગમ થાય તો જ પ્રગતિ થાય બાકી અધોગતિ માટે કોઈ પ્રયત્નો કરવા નથી પડતા!! અધોગતિ એમને એમ આવે પ્રગતિ માટે પ્રયત્નો કરવા પડે!!”

દેવલો બોલતો હતો. એના શબ્દો અનુભવ સિદ્ધ હતા. ના સ્વીકારવાનો સવાલ જ નહોતો. ગાડી એના બંગલા તરફ આગળ વધી રહી હતી.

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.
મુ.પો. ઢસાગામ તા.ગઢડા જી.બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks