દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો

પહેલા ભાગમાં તમે જોયું કે કઈ રીતે દેવલો આખા ગામની ટપાલ ભનુભાઈ ટપાલી પાસેથી લઈને વાંચી જતો અને પછી એ માહિતીના આધારે એ અમારા સમક્ષ જાણે ભવિષ્ય ભાખતો હોય એમ રજુ કરતો. પછી તો ગામ આખાને ખબર પડી ગઈ અને દેવલાના બાપા નટુભાઈએ દેવલાને સુરત એના જમાઈને ત્યાં મોકલી દીધો.

ભાગ 1 વાંચવાનો બાકી હોય તો અહીં ક્લિક કરી વાંચો >> Part 1

પંદર દિવસ પછી મારે ફરીથી સુરત જવાનું થયું. સમય કાઢીને હું દેવલાએ આપેલ સરનામે ગરનાળા પાસે ગયો. દેવલાની દુકાનની ઉપર એક રેડીયમથી ચકચકિત સાઈન બોર્ડ હતું. એમાં લખેલું હતું.
“સંધ્યા સ્પાય એન્ડ સિક્યુરીટી”

ત્રીજો માળ “અરીહંત એપાર્ટમેન્ટ,ગરનાળા પાસે!!

“પ્રો. દેવદત વ્યાસ ડાયમંડ મેડાલીસ્ટ ઇન સ્પાયોલોજી”

દરવાજો ખોલીને હું અંદર ગયો. અંદરના ભાગમાં બેય બાજુ બે ટેબલ હતા તેના પર બે બે માણસો બેઠા હતા. બધાના ટેબલ પર લેપટોપ અને મોબાઈલ હતા. બધાના કાનમાં વાયરલેસ ઈયર ફોન લગાવેલા હતા.
“દેવદત વ્યાસને મળવું છે” એક ટેબલ પર બેઠેલા એક યુવાનને કહ્યું.

“ એપોઇન્ટમેન્ટ લીધી છે?? આપનું નામ શું છે?? આપનો મોબાઈલ નંબર શું છે” યુવાને એક રજિસ્ટર કાઢીને મને પ્રશ્નો પૂછ્યા. હું એમને જવાબ આપતો હતો ત્યાંજ સામેથી એક બારણું ખુલ્યું. એમાંથી દેવદત બહાર નીકળ્યો. ગ્રે શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો દેવદત હાથમાં મોબાઈલ લઈને મારી સામે આવ્યો અને બોલ્યો.

“વાહ મુકાકા વાહ..!! તમે સરપ્રાઈઝ આપી ખરી..!! આમ ઓચિંતા આવશો એની કલ્પના પણ કયાંથી હોય” આવો આવો અંદર આવો કહીને તે મને અંદરની કેબીનમાં લઇ ગયો.
ડબલ એસી ફીટ કરેલ એની ઓફીસ ખરેખર ભવ્ય હતી. દીવાલોની બે ય બાજુ મોટા મોટા એલઈડી ટીવી લગાડેલા હતા. બે ય ટીવી પર ભારતનો નકશો હતો અને એમાં અમુક જગ્યાએ લાલ પીળી લાઈટો થતી હતી. એક ખુણામાં સીસીટીવી ફૂટેઝ બતાવતા હતા. આજુબાજુનો રોડ અને કેબીનની બહારના ભાગમાં શું ગતિવિધિ ચાલે છે તેનું જીવંત પ્રસારણ અલ્ટ્રા એચ ડી મોનીટર પર આવતું હતું.

“વાહ જમાવટ છે હો દેવદત.. આટલી પ્રગતિ કરી એનો મને આનંદ છે.. શું છે આ બધું.. મને સમજાવ તો ખરો..”
“અરે પેલા અહીની ની સ્પેશ્યલ ચા પી લઈએ” કહીને એણે એક માણસ ને અંદર બોલાવ્યો અને ચા નો હુકમ આપ્યો અને પછી બોલ્યો.

“જ્યાં સુધી તમે બનાવટના ધંધામાં ના પડો ત્યાં સુધી જમાવટ ના થાય..મારા મત મુજબ બનાવટ અને જમાવટ બે સમાનાર્થી શબ્દો છે. બસ આ મારી દુનિયા છે.. સ્પાય પેન , બટન કેમેરા, સ્પાય ગોગલ્સ, સ્પાય વોચ અને સીસીટીવી કેમેરાનો ધંધો શરુ કરું છું.. પેલા દિલ્હીથી માલ આવતો ચાંદની ચોકમાંથી. પછી અમુક માલ જાપાનથી આવતો થયો. પણ હવે ચાઈનાથી માલ આવે છે. સુરતની કોઈ પણ શાળામાં કે કોઈ પણ ઔધોગિક એકમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવવા હોય તો મારા જેટલુ કોઈ સસ્તું ન આપી શકે.. બે વરસ થી જીપીએસ સીસ્ટમ લગાવવાનું શરુ કર્યું છે. કોઈ પણ કાર કે વાહન કે ઇવન બાઈકમાં જીપીએસ લગાવી આપું છું એનું વાર્ષિક ભાડું લઇ લેવાનું. કોઈ પણ વાહન ચોરાઈ જાય તો એનું લોકેશન આપણને ખબર પડી જાય. જો આ બે નકશામાં જેટલી લાલ લાઈટો થાય છે ને ત્યાં બધે જ આપણી જીપીએસ લગાવેલ ગાડીઓના લોકેશન છે. પીળા રંગની ગાડીઓ ત્યાં સ્થિર છે.. જયારે એ ચાલશે ત્યારે એની લાઈટો લાલ રંગની થઇ જશે. બસ કામ જોઇને માણસો દોડતા આવે છે અને હું એનું કામ કરી દઉં છું. સ્વભાવને લગતો ધંધો છે. કમાણી પણ સારી છે.” ચા આવી અમે બને એ ચા પીધી હું બોલ્યો.
“ હું તારી વાતો જાણવા આવ્યો છું.. તે કીધું હતુંને મારી કહાની તમને કહેવી છે”

“ હા હું તમને બધી જ વાતો કરીશ મુકાકા બધી જ વાતો..!! સુરત આવ્યો ત્યારે મારા બાપાએ મને સુરતનું ભાડું અને ફક્ત દસ રૂપિયા જ આપ્યા હતા. બસ બીજું કશું જ નહિ” દેવલો બોલ્યો અને એણે પછી જે વાત કરી એ હું સંભળાતો ગયો…. સાંભળતો જ ગયો!! એની સંઘર્ષની વાત દેવલાએ શરુ કરી.

દેવલાને બે બહેનો હતી. મોટી વૃંદા અને નાની છાયા!! વૃદાને સુરત પરણાવી હતી. વૃંદાના પતિનું નામ અમિત કુમાર હતું. નાની છાયાને ચિતલ પરણાવી હતી. છાયાના પતિનું નામ હસમુખ હતું. સુરતમાં વૃંદાને ઠીક ઠીક કહી શકાય એમ હતું. તેમના પતિ અમિતકુમાર ગોરપદુ કરતા હતા. આજુબાજુના એરિયામાં ત્રિકમ નગર અને કાળીદાસ નગરમાં લગભગ કોઈ બીજું બ્રાહ્મણનું કુટુંબ હતું નહિ આથી સત્યનારાયણની કથાથી માંડીને હોમ હવન કરાવનું બધું મળી રહેતું. અમિતકુમારનો સ્વભાવ પણ સારો હતો. શરૂઆતમાં તો કશો વાંધો ના આવ્યો. દેવદત ત્યાં રોકાઈ. બનેવી સાથે ક્યાંક કથા વાંચવા જાય ત્યારે એ સાથે જાય ત્યાં એની સામે બેસે અને લોકોને જોયા કરે. અમિતકુમાર કાશી જઈ આવ્યા હતા. તેમની વાણી અત્યંત પ્રભાવશાળી હતી. એકાદ માસ પછી અમિતકુમારે કહ્યું.
“દેશમાંથી બાપુજીનો પત્ર આવી ગયો છે. મેં એમની પાસેથી તારું શાળા છોડ્યાનું સર્ટીફીકેટ મંગાવ્યું હતું. મારે તને અહીની શાળામાં આગળ ભણાવવાનો હતો, પણ તારા પાપાએ સ્પષ્ટ કહી દીધું કે એને ધંધે વળગાડી દ્યો..હીરા ઘસવામાં અથવા કોઈ નાનકડી દુકાન માં નોકર તરીકે. બાકી આગળ ભણાવવાની એ ના પાડે છે એટલે તારું લીવીંગ સર્ટી એણે શાળામાંથી કઢાવી લીધું છે પણ મને મોકલ્યું નથી. જે થયું એ તું ભૂલી જા..!! ભૂલ બધાથી થાય!! પણ મને લાગે છે કે તારા પિતાને તારી આવી બાલીશ હરકતથી ઘણો આઘાત લાગ્યો છે. એ થોડા જુનવાણી વિચારના રહ્યાને?”

“ મારે પણ ભણવાની કોઈ જ ઈચ્છા નથી..સાચું કહું અમિતકુમાર મને આ ક્રિયા કર્મ કરવામાં પણ રસ નથી. એકાદ મહિનાનો મને સમય આપો. હું મારો વ્યવસાય શોધી લઈશ. હવે આમેય મારે મારા પગભર તો થવું જ પડશેને.. હું સંજોગો સામે લડી લઈશ” દેવલો બોલ્યો. એના શબ્દો કહેતા હતા કે એણે વાંચેલા પુસ્તકોનો પ્રભાવ હજુ એમના માનસ પટ્ટ પર છવાયેલો હતો.

બીજા દિવસથી દેવલો નાસ્તો કરીને ઘરેથી નીકળી કયો ધંધો એને અનુકુળ આવે છે શોધવા લાગ્યો. વીસેક દિવસમાં એ લગભગ પગે ચાલીને આખું સુરત ભમી વળ્યો. એક વખત એ ચાલતા ચાલતા જહાંગીરપુરા પાસેના એક બાંકડા પર બેઠો હતો અને તેની નજર સામેના ગેરેજ પર ગઈ. પોતાના જ ગામના રઘાને એણે ગેરેજમાં જોયો અને એ રઘા પાસે ગયો. રઘો એને તરતજ ઓળખી ગયો.
“અલ્યા દેવા આવ આવ કેમ આ બાજુ?? આશારામબાપુના આશ્રમમાં આવ્યો હતો કે શું?? ક્યારે આવ્યો દેશમાંથી?? ક્યારે જવાનો છો દેશમાં?? જા ત્યારે મને કહેજે મારે થોડા પૈસા મોકલવાના છે.” રઘો દેવા કરતા મોટો હતો અને ચારેક વરસ પહેલા એ સુરત આવ્યો હતો. હવે એ ઠીક ઠીક કમાતો હતો એવી દેવલાને ખબર પણ હતી. દેવદત ઉર્ફે દેવલો બોલ્યો.

“દેશમાં તો હવે લગભગ જવું નથી.. સુરતમાં જ ધામા નાંખવાના વિચાર છે,,જોઈએ કોઈ કામધંધો મળી રહે તો ઠીક નહિતર એકાદ મહિના પછી મુંબઈ ભેળા થઇ જવું છે. આમેય સુરતમાં ના પોહાય એ મુંબઈ જાય છે..અને મુંબઈમાં ના પોહાય એ ક્યાય ન પોહાય એમ મારા બનેવી અમિતકુમાર કહેતા હતા. દેવદતે બધી વાત કરી. ગામમાં એણે જે જે પરાક્રમો કર્યા હતા એ તમામ કહી દીધું. થોડી વાર રઘો પોતાના કામમાં જોતરાઈ ગયો. ગેરેજ મોટું હતું. કારની સાથે સાથે બાઈક પણ રીપેર થતા હતા. ગેરેજની ઉપર એક મોટું બોર્ડ હતું “આર કે ગેરેજ” આર કે એટલે રાઘવ કાળું!! રઘલાના બાપાનું નામ કાળુભાઈ હતું. જે ગામમાં મજુરી કરતા હતા.

“ તમે રહ્યા ભામણ અને આ બળ નો ધંધો કહેવાય!! આ ધંધાની આમ વેલ્યુ નહિ. આમાં ધોળા લૂગડાં વાળા કોઈ નો હાલે નકર મારા ગેરેજમાં જ તને ગોઠવી દઉં.. આ આપણું જ ગેરેજ છે. ચાર છોકરાને કામે રાખ્યા છે આજ શુક્રવાર છે એટલે એ બધા શીતલ ટોકીજમા ફિલ્મ જોવા ગયા છે અને હું એકલો જ ગેરેજમાં છું.. તેમ છતાં મને વાંધો નથી તને જો ફાવી જાય તો આ ધંધામાં અત્યારે કોઈ વધારે હરીફ નથી. ત્રણ જ વરસમાં આ વિસ્તારમાં આપણું નામ થઇ ગયું છે. આર કે ગેરેજ એટલે પછી એમાં પૂછવાનું નામ નહિ. પણ ધંધો શીખવો હોય તો પછી એમાં કઠણ થઈને પડી રહેવું પડે.. ઢીલા પોછાનું આમાં કામ નહિ” વધારે વાંચનના કારણે દેવલામાં એક સમજશક્તિ વિકાસ પામી ગઈ હતી સામેના માણસના શબ્દો પારખવામાં!! ચાર જ વરસમાં ગામડા ગામનો એક રઘો સુરતમાં આટલું કમાઈ લે તો હોય અને પોતાનું ઘરનું ગેરેજ ધરાવતો હોય તો પોતે પણ આમાં જ વિકાસ કરશે એમ માનીને એણે સીધું જ ઝંપલાવ્યું!!

“મારે ગેરેજમાં રહેવું છે તમે કહો એમ..પણ હવે આપણે પાછુ તો જાવું જ નથી.. વળી સત્યનારાયણની કથા કે હોમ હવનમાં આપણને જરાપણ રસ નથી એટલે બાપદાદાનો ધંધો પણ કરવો નથી અને એમ કરવાના મારા લખણ પણ નથી એમ મારા બાપાએ મને સુરત મોકલ્યો ત્યારે જ મારા બનેવી ને કહી દીધું હતું કે આને બીજે વળગાડજો પણ આપણા વારસાગત પવિત્ર કામમાં તો નહિજ!!”

“કોઈ પણ ધંધો કે જેના દ્વારા તમે બે પૈસા રળો અને કોઈનું પણ અહિત ના થાય એ બધા ધંધા પવિતર જ ગણાય. અહી આવનારા હોય પૈસાવાળા એ સિવાય મોટરસાયકલ અને મોટરું રાખે કોણ?? પણ લોઢાનો ધંધો છે..લોઢું સદે એને જ સદે વળી બળનું કામ છે પેછુટી ખસી જાય એવું કામ પણ ખરું!! જો હિમત હોય તો આવી જા અત્યારથી જ” એક ગાડીનો જેક ઉતારતા ઉતારતા રઘો બોલ્યો. અને દેવલો ગેરેજમાં ગોઠવાઈ ગયો.
જે દિવસે રેલવે સ્ટેશન પાસેથી એક લારીમાંથી ચાર જોડ સેકંડ જીન્સના પેન્ટ અને કોથળા જેવા જાડા શર્ટ સાવ સસ્તા ભાવે લીધા અને એ પહેરાવીને દેવદતને ગેરેજનું કામ રઘો શીખવાડવા માંડ્યો. એક માસમાં દેવલો લગભગ અડધો કારીગર થઇ ગયો. શીખવાની ધગશ તો હતી જ.. બુદ્ધિ પણ હતી જ.. જે અત્યાર સુધી આડા માર્ગે વપરાતી હતી એ બુદ્ધિ સાથે હવે બળ ભળ્યું હતું..જાણે કે શેત્રુંજી સાથે ગાગડીયો ભળ્યો હતો.

બે મહિના પછી રઘાએ કહ્યું કે

“તારે હવે રોજનું અપડાઉન કરવાની જરૂર નથી. જો તું ઈચ્છે તો સવાર સાંજ મારા ઘરેથી ટીફીન આવશે. એ ખાઈ લેવાનું અને આ ગેરેજે સુઈ જવાનું.. તમે રહ્યા ભામણ અમે રહ્યા કોળી.. જો અમારું ખાવાનું ફાવે તો જ અહી રહેવાનું. અને આવતા મહિનેથી હું તને મહીને અઢારસો રૂપિયા આપીશ. મને ખાતરી છે કે અત્યાર સુધી તે તારા પગારનું પણ પૂછ્યું નથી એટલે તને હવે આ કામ ફાવી જવાનું છે. મને મારા શેઠ કે જેની પાસેથી હું કામ શીખ્યો એ કહેતા કે કોઈ તારી પાસે કામ શીખવા આવે અને મહિના સુધી જો એ પગારનું પણ નો પૂછે તો માની લેવાનું કે આ ભાઈ ગેરેજમાં સો ટકા હાલશે. પણ જો કોઈ કારીગર એક બે દિવસમાં જ હિસાબ કરવા માંડે અને કહે મને શું મળશે?? તો એને કહી દેવાનું કે ભાઈ કાલથી તને રજા મળશે એવાનું ધ્યાન પૈસા સામે જ હોય છે કામમાં નહિ અને એવા ટણપા મંગાળે મશ કોઈ દિવસ ના વળવા દે!! તું જયારે તારા ગેરેજમાં કોઈ માણસને રાખે ત્યારે આ પરીક્ષા કરજે”
બીજે જ દિવસે પોતાના બનેવી અમિતકુમાર અને બહેન પાસેથી દેવલાએ રજા લીધી. જે ચાર પાંચ જોડી કપડા સુરતમાંથી બનેવીએ લઇ દીધા હતા એ એક જૂની સુટકેશમાં ભરીને અમિતકુમારે આપતા કહ્યું.
“આ લે દેવદત આ સુટકેશ..!! આમ તો આ લકી સુટકેશ છે..!! જૂની છે પણ છે લકી..!! હું સુરત આવ્યો ત્યારે આ ખાલી સુટકેશ લઈને આવ્યો હતો. અહી આવ્યા પછી જ મારા લગ્ન તારી બહેન સાથે થયા અને અત્યારે સુખી છું. એક વાતનો ખ્યાલ રાખજે કે જે શેઠને ત્યાં કામ કરીએ એનો રોટલો ખાઈએ એનું અહિત કદી પણ ના કરવું.. એની ખરાબ વાત કોઈ કરતુ હોય તો પણ ત્યાંથી ચાલતી પકડવી. આ નિયમ યાદ રાખજે અને જરૂર પડ્યે હું તો બેઠો જ છું. પણ તારી આંખોમાં મને એક વિશિષ્ટ ચમક દેખાય છે મને લાગે છે કે હવે તને મારી જરૂર ક્યારેય નહિ પડે..!! આગામી સમય હવે તારો છે એમ તારું કપાળ કહે છે!!” બહેન બનેવીને પગે લાગીને દેવદત ત્યાંથી નીકળ્યો પેલી સુટકેશ લઈને..!! સુટકેશ નહિ પણ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય લઈને એ ચાલતો હતો એની એને પણ ખબર નહોતી!!

“આર કે ગેરેજ” હવે દેવલાનું ઘર બની ગયું હતું. દિવસે એનું કાર્ય સ્થાન અને રાતે નિવાસ સ્થાન!! બે ટાઈમ ભોજન રઘલાને ને ઘરેથી આવતું એ દેવદત જમી લેતો. રાતે મોડે સુધી ગેરેજ શરુ રાખતો. નાનપણમાં વાંચનના કારણે એની ભાષામાં એક પ્રકારની મીઠાશ હતી જે ગ્રાહકોને આકર્ષી લેતી હતી. ગેરેજવાળાની ભાષા આમ તો રફ એન્ડ ટફ હોય પણ દેવલો સામેના માણસને અજબ રીતે પીગાળી દેતો. કોઈની કાર અથવા બાઈક સમયસર રીપેર ના થઇ હોય તો એને દેવદત કહેતો.
“સાહેબ એમાં એવું છે ને કે તમારી ગાડી માટે સ્પેશ્યલ ટાઈમ જોઈએ.. બીજાની ગાડી હોય તો ફટાફટ કરી પણ દઉં..પણ શેઠ મને કહે કે તમે જુના ઘરાક એટલે જેવું તેવું થાગડ થીગડ તમારી ગાડીમાં નો કરાય..તમારે સો કામ હોય.. અણીના સમયે વચમાં ગાડી ફસકી જાય એ અમને પણ ના પાલવે અને તમ્ને પણ ના પાલવે એટલે બે દિવસ ખમી જાવ પછી તમારી કાર એકદમ ટકાટક કરી દેવી છે” આવું લગભગ એ દરેક ઘરાક ને કહેતો.
ઘણીવાર એ કોઈ કારના માલિકને કહે.

“સાહેબ તમારી સાચવણ એટલે સાચવણ બાકી તમે જે રીતે ગાડી સાચવો છો એ રીતે કોઈ લાડી પણ સાચવતું નથી. આ રીતે ગાડી સાચવો છો એ જોઇને ગાડીને ય શેર લોહી ચડે!! બાકી હાંકવા વાળાને તો લોહી ચડે જ” અને બદલામાં એ શેઠ એને મજુરીની રકમ ઉપરાંત વધારાની ટીપ્સ પણ આપે!!

એક જ વરસમાં દેવલો ઓલ રાઉન્ડર બની ગયો. તમામ બાઈકસ અને તમામ મોટર્સની તમામ ખાસિયતો એને મોઢે થઇ ગયેલી રવિવારને દિવસે રોડ પર ભરાતી ગુજરીમાંથી એ જુના સામયિકો કે જેમાં બાઈક્સ અને કારની માહિતી હોય એ લઇ આવે. એમાંથી સારા સારા બાઈકના પોસ્ટર્સ અને કારના પોસ્ટર્સ ગેરેજની તમામ દીવાલો પર લગાવી દે!! અમુક તો બાઈક આ પોસ્ટર જોવા માટે જ રીપેર કરાવવા આવે!! દેવદત વળી એ બાઈક્સની ઝીણામાં ઝીણી ડીટેઈલ્સ પણ ગ્રાહકોને આપે.ક્યા દેશની બાઈક છે. કેટલી એવરેજ આપે અને ફીચર્સ કેવા કેવા છે એની માહિતી પણ આપે!! એક જ વરસના અંતે રઘો એને હવે ૪૦૦૦ પગાર આપતો હતો. દેવદત એ પૈસા બેંકમાં મુકવા લાગ્યો હતો.એક બેંક અધિકારીની કાર એ રીપેર કરી હતી અને એમાં ઓળખાણ નીકળી અને દેવલાનું ખાતું બેંકમાં ખુલી ગયું હતું!! રઘો હવે લગભગ બેઠો જ હોય બધું જ કામ દેવદત સંભાળતો હતો. ઘણીવાર રઘાને કોઈ કારમાંથી ફોલ્ટ ના પકડાય એ દેવદત ગોતી દે!! આમને આમ બીજું વરસ પણ વીતી ગયું..આર કે ગેરેજનું નામ હવે જહાંગીરપુરાના સીમાડા વટાવીને નાનપુરા અને અડાજણ સુધી વિસ્તરી ગયું હતું.
જોથાણ બાજુના એક સુરતી પટેલ.. નામ એનું ચંદુલાલ.. બાપ દાદાની સોનાના કટકા જેવી જમીન વેચીને એક મોટો બંગલો બનાવ્યો હતો. ઉમર હતી સડસઠ વરસની પણ કોઈને લાગે નહિ. એની પાસે કોન્ટેસા ગાડી હતી..આ સિવાય એક જૂની એમ્બેસેડર..એક નવી ફિયાટ પણ હતી..કારના શોખીન આ ચંદુલાલે મારુતિ ગાડી નવી નવી બહાર પડી અને સુરતમાં સુરતમાં આવી ત્યારે દસમી ગાડી એની પાસે આવી હતી. અવારનવાર આર કે ગેરેજમાં આવે. પહેલા તો રઘા સાથે જ વાતો કરે પણ પછી દેવલા સાથે દેશી મળી ગઈ હતી!! મહિનામાં ગાડી બેથી ત્રણ વાર રીપેર કરાવવા આવે પણ પછી રોજ રાતે દેવલા પાસે આવીને ગેરેજ પર બેસે ને અવનવી વાતો શરુ કરે!! શેઠ ને વાતો કરવાનો બહુ શોખ અને દેવલાને સાંભળવાનો ખુબ શોખ!! ક્યારેક રાતે એની કારમાં બને જણા હજીરા બાજુ તો ક્યારેક વળી કતારગામ તો ક્યારેક વળી કામરેજ કે ઉધના કે સચિન બાજુ આંટો મારી આવે!!

ચંદુલાલ પટેલ પાસે જમીન જાયદાદ સારી….!! બેય છોકરાઓ બધા લાઈન ધંધા પર..!! જરીનું કામ પણ છોકરાઓ કરે…!! શેઠને ખાવું પીવુંને જલસા જ કરવાના!! આમ તો રઘાએ જ કીધેલું દેવદતને એકવાર.

“ચંદુલાલ સાથે સંબંધ રાખવા જેવો છે. આવા એકાદ બે માણસો જીવનમાં હોવા જોઈએ જે તકલીફના સમયે મદદરૂપ થતા હોય છે. શરૂઆતમાં આ ચંદુલાલે જ મને મદદ કરી હતી જ્યારે મારે આ ગેરેજ શરુ કરવું હતું ત્યારે. થોડા સમય પછી જયારે હું તને જુદો કરીશ અને તારે તારૂ અલગ ગેરેજ શરુ કરવાનું થશે ત્યારે આ ચંદુલાલ જેવા માણસો જ તારી મદદે આવશે..!! બધાને આવા માણસો મળતા નથી..!! શ્રીમંત માણસ છે એટલે એને સાંજ પડે પીવાના લખણ છે. પણ બીજી કોઈ માથાકૂટ કે બક બક કરવાની આદત નથી. સાંજ પડ્યે એક આખું સિગ્નેચર એ પી જાય છે. મોટે ભાગે એ પીને કાર ડ્રાઈવ નથી કરતા. એટલે કદાચ કોઈ દિવસ એ તને સાંજે કાર લઈને સાથે આવવાનું કહે તો તારે ના નહિ પાડવાની એની સાથે જવાનું..!! એ ભલે પીવે..!! આપણે મોઢે નહિ અડાડવાનું..!! આમેય તમે રહ્યા ભામણ એટલે એ આગ્રહ પણ નહિ કરે..!!જોકે મને એક બે વાર કીધેલું સોગંદ પણ આપેલા પણ મેં ઘસીને ના પાડી પછી એ મને કયારેય પીવાનો આગ્રહ નથી કર્યો.

“તમે એવો વિચાર કેમ કર્યો શેઠ કે મારે તમારા ગેરેજમાંથી છુટા થવાનું છે અને અલગ ગેરેજ બનાવીશ. મને તમારે ત્યાં ફાવી ગયું છે અને જે આપો છો એ પુરતું છે. મારે પોતાનું કોઈ ગેરેજ કરીને વધારે કમાણી કરવામાં રસ જ નથી આ તમને કહી દઉં છું!! “દેવદતે કહ્યું.

“ જેવી રીતે ઉમરલાયક છોકરીને પરણાવવી પડે નહીતર પ્રોબ્લેમ થાય એમ આ ધંધામાં નિયમ છે કે પાકો કારીગર થઇ જાય પછી વધુમાં વધુ એને એક વરસ જ રાખવાનો હોય એને ટાઈમસર જુદો ના કરો તો એ પણ પ્રોબ્લેમ કરતો હોય છે. આમેય તું આવ્યા પછી મારે કમાણી ડબલ થઇ ગઈ છે. એટલે હવે હું તારું વધારે શોષણ ના કરી શકું. મને એક વાતની ખાતરી છે કે તારું ગેરેજ મારા કરતા પણ વધારે સારું ચાલશે.” રાઘવે કહ્યું અને દેવદતના માથા પર હાથ મુક્યો.

હવે તો લગભગ ચંદુલાલ પટેલ સાથે દેવદત રાતના નવથી ૧૨ વાગ્યા સુધી હોય જ!! પોણા નવે ચંદુલાલની કોન્ટેસા કે અન્ય કોઈ ગાડી આર કે ગેરેજ પાસે નીકળે જ.. દેવદત એમાં ગોઠવાઈ જાય ડ્રાઈવરની સીટ ઉપર અને પછી સુરતની ચાર દિશાઓમાં એ લોકો ગમે ત્યાં જાય. રસ્તામાં કોઈ પણ પાનના ગલ્લેથી લીમ્કાની બોટલ અને થોડીક ભરૂચની શીંગ લઇ લેવાની. કારની પાછળ બેઠા બેઠા ચંદુ શેઠ પોતાની રીતે પેગ બનાવે અને પીધે રાખે. પોતાની જૂની વાતો શરુ કરે. સુરતની જૂની વાતો કરે પોતે આવ્યા ત્યારે તાડ વાડી રહેતા હતા. સુરતમાં બહુ આગ લાગેલી એવી વાતો કરે. આ કર્ણભૂમિ છે અહી આવનાર સુખી થાય જ વળી ક્યારેક એ પોતાની આ ખરાબ આદતનો બચાવ પણ કરે!!
“દેવદત આ બધા પીવાના લખણ તમારી પાસે ત્યારે જ આવે જયારે માપ બહારની સંપતિ આવે!! જેમ ડેમ મોટો એમ દરવાજા મોટા!! નાનો ડેમ નાના દરવાજા!! મોટો ડેમ મોટા દરવાજા!! આ અમારો દરવાજો છે.. અમે આ ઈંગ્લીશ ના પીવી તો સંપતિ જાય ક્યાં?? સંપતિ એનો માર્ગ કરી લે!! જોકે આ ખરાબ છે!! નડે છે એ ખબર પણ છે.. !! એટલે ઘરે હું કોઈ દિવસ નથી પીતો.. મારા છોકરાને ખબર છે કે હું રોજ રાતે પીવ છું. એ લોકો પણ પીવે જ છે પણ એ બધા હજુ લર્નિંગ લાઈસન્સ વાળા જ છે.. મારી જેમ હેવી લાઈસન્સ નથી ધરાવતા!! એ બધા એના ભાઈ બંધ દોસ્તાર સાથે અઠવાડિયામાં બે વાર દમણ જાય છે શું કરવા?? પીવા માટે જ ને?? નહીતર ત્યાં દમણમાં બાવળિયા સિવાય છે શું હે??? સુરત ના હોત તો દમણ વાળા ભૂખ્યા રેત ભૂખ્યા!! પણ દેવદત દમણીયો શરાબ આવે ડુપ્લીકેટ!! ઓરીજનલ વસ્તુ માટે ગોવા જવું પડે!! એમાય એની લોકલ બ્રાંડ કાજુ ફેની ની વાત જ ના થાય..એકદમ કાચ જેવો ચોખ્ખો વાઈન!! જેમ પીવો એમ મસ્તી વધતી જાય!! પણ તમે રહ્યા ભામણ એટલે ચાખવાની વાત બાજુમાં તમે આની તફ જુઓ પણ નહિ!!” આવી બધી વાતો ચંદુ શેઠ કરતા જાય અને દેવલો કાર ચલાવ્યે રાખ્યે!!

એક વાર આવી રીતે તેઓ એક રાતે ઓલપાડના એક ફાર્મ હાઉસમાંથી પાર્ટી કરીને આવતા હતા રાતના બે વાગી ગયા હતા. અને સાઈડ કાચમાંથી દેવદ્તે જોયું કે પાછળ બે બુલેટ એનો પીછો કરતા આવે છે. એને કશુક અજુગતું લાગ્યું. એણે કાર ધીમી પાડી અને બાજુમાં એક ધાબા પાસે લીધી. પેલા બને બુલેટ પણ ધીમા પડ્યા અને રોડ પર જ ઉભા રહી ગયા. શેઠ ચંદુલાલ માટે સિગારેટ લાવીને દેવદતે કાર ચલાવી પાંચ જ મીનીટમાં પેલા બુલેટ દેખાયા. ચંદુલાલને આ અરસામાં જમીનના થોડા થોડા ઝગડા ચાલતા હતા બિલ્ડરો સાથે એનીએને ખબર હતી. અચાનક જ દેવદતે શેઠને કહ્યું કે તમે પાછળની સીટમાં આડા થઈને સુઈ જાવ!! ઉભા ન થતા. અને અચાનક જ એક લોકલ રસ્તા નીચે એણે કાર ઉતારી લીધી અને પુરપાટ ચલાવી. પેલા બે બુલેટ એની પાછળ પડ્યા. આ રસ્તા પર દેવદત એક વખત ચંદુલાલ સાથે જ આવી ગયો હતો. અહી એક મોટી ગૌશાળા હતી એની પડખે પડખે જુવારના મોટા ખેતરો હતા. આગળ જતા ડાબી બાજુ એક ફાર્મ હાઉસનો રસ્તો હતો ત્યાંથી એક રસ્તો સીધો સારોલી બાજુ જતો હતો. ત્યાં કાર જવા દીધી. પણ બુલેટ વાળા એને આંબી ગયાં અને પાછળથી ફાયરીંગ થયું. અને આગળ એક પહોળો ચોક આવ્યો. અને દેવદતે ફિલ્મી સ્ટાઈલમાં ગાડી ૧૮૦ ડીગ્રીએ વળાંક વાળ્યો અને સીધી કાર બે બુલેટની સામે જવા દીધી. અને અચાનક આવું થશે એ બુલેટ વાળાને ખ્યાલ પણ કયાંથી હોય!! કાર સીધી સામેજ આવતી હતી. અને હેડલાઈટનો આંખો આંજી નાંખે તેવો પ્રકાશ !! એટલે બને બુલેટ વાળા બને સાઈડમાં ફર્યા રસ્તાની બને બાજુ પાણીના ખાડાઓ હતા એમાં બેય બુલેટ જતા રહ્યા. આમેય આ વિસ્તારની ચીકણી પથ્થર વગરની જમીન એમાં પાણી ભરેલું અને એમાં બેય સાઈડમાં બેય બુલેટ પુરા જોશથી ખાબકયા. એટલે હવે એ કાદવમાંથી માણસ કદાચ બારો નીકળે પણ બુલેટ તો ટ્રેકટર વગર ન નીકળે!! અને આ બાજુ દેવદતે પોતાની કાર પાછી રોડ પર લીધી આને પુરપાટ ચલાવી. ટૂંકા રસ્તે એ લોકો ગલી ખાંચામાંથી પોતાના આર કે ગેરેજ પર આવી ગયા. શેઠને કહી દીધું કે આજની રાત તમે આ ગેરેજમાં સુઈ જાવ મારી પથારીમાં અને હું ગેરેજની બહાર ઓટલા ઉપર સુઈ જઈશ!!
આ ઘટના પછી બે ત્રણ દિવસ પછી ચંદુલાલ દેખાયા. આવીને દેવદતને મળ્યા. આભાર માન્યો. પછીના દિવસે રાઘવ ગેરેજે આઠ વાગ્યે આવ્યો. એના હાથમાં એક પેંડાનું બોક્સ હતું. બધાને પેંડા ખવરાવીને એણે એક પેંડો દેવલાને ખવડાવીને ભેટી પડ્યો. દેવલાએ ખુશાલીનું કારણ પૂછ્યું તો રાઘવ બોલ્યો.

“કાલથી તું છૂટો આ ગેરેજમાંથી..!! લૂગડાં બહુ કાળા કર્યા તે આ આર કે ગેરેજમાં!! બસ કાલથી તું ચંદુલાલ શેઠનો ડ્રાઈવર કમ ખાસ માણસ છો.. શેઠે મને કાલે જ વાત કરી.. રહેવાનું શેઠની સાથે જ એના બંગલામાં.. એ મહીને ત્રીસ હજાર રૂપિયા આપશે તને..આટલા રૂપિયા તો મને કયારેય મળ્યા નથી.. આવી તક જવા ના દેવાય.. મેં એને હા પાડી જ દીધી છે.. અને તારા વતી હા પાડવાનો એટલો મારો હક તો ખરોને?? ચંદુલાલને તારા પર પૂરો વિશ્વાસ આવી ગયો છે. તું કોઈ પણ જોખમને પહોંચી વળે એમ છો.. શેઠને હવે પોતાના બે દીકરાઓ પર પણ વિશ્વાસ નથી રહ્યો. એને હવે કોઈની પર વિશ્વાસ નથી ફક્ત તારી પર વિશ્વાસ છે હું ફક્ત એટલું જ કહીશ કે શેઠનો વિશ્વાસ ના તોડવો” ભીની આંખે દેવલાએ વિદાય લીધી.
પોતાના બનેવી અમિતકુમારપાસે દેવલો મીઠાઈનું પડીકું લઈને ગયો. પોતાના અત્યાર સુધીની કમાણીથી બહેન માટે સોનાની બંગડી કરાવી હતી. બે ય ભાણીયા માટે એ કપડાની બે બે જોડ અને આ બધું એક નવી વીઆઈપી સુટકેશમાં ભરીને એ લઇ ગયો. એકાદ દિવસ એ બહેન અને બનેવીને ત્યાં રહ્યો. ગામના સમાચાર પૂછ્યા પિતાજીની તબિયત પૂછી. અને પછી ચંદુ શેઠની ગાડી આવી અમિતકુમારના ઘર પાસે. શેઠ એમાંથી ઉતર્યા. બેને દેવદતને કપાળે ચાંદલો કર્યો. માથે બ્લેક ટોપી લગાવીને દેવદતે સ્ટીયરીંગ હાથમાં લીધું!! બસ અહી થી હવે એના ભાગ્યના અંતિમ તબક્કાનું સ્ટીયરીંગ ફરવાનું હતું.!!

છેલ્લો અને ત્રીજો ભાગ આવતી કાલે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી. સ્ટેશન રોડ.,મુ. પોસ્ટ ઢસાગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks